૩૨૪ - ભારાસરમાં પારાયણ

0:000:00

હવે ત્યાંથી ચાલવાનું હતું તે દિવસે ભારાસરના હરિભક્તો તેજાભાઈ, માવજીભાઈ, કેસરાભાઈ આદિ આવ્યા. તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘અમારા ગામમાં ડોશિયોના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા આપ સંતોને લઈને પધારો. સૌ હરિભક્તો ઘણા દિવસ થયાં સંતોની વાટ જોતા હતાં.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સદ્‍ગુરુઓને જવું હતું, પણ ધનબાને તાણ ઘણી હતી ને દેવરાજભાઈને તેડવા મૂક્યા તેથી સંત અહીં આવ્યા છે. હવે તો તમે એમને કહો.’ ત્યારે તે હરિભક્તિએ સંતોને પ્રાર્થના કરી અને સંતોએ બાપાશ્રીને સાથે આવવા કહ્યું, એટલે રાજી થઈને હા પાડી ને સૌ ત્યાંથી પરબારા ભારાસર પધાર્યા.

ત્યાં ભૂજના સંતો પ્રથમથી આવેલા હતા અને બાપાશ્રી તથા સદ્‍ગુરુઓ આવ્યા, તેથી હરિભક્તો ઘણા રાજી થયા. પછી ફાગણ વદ બીજથી આઠમ સુધી શિક્ષાપત્રીની કથા ચાલુ થઈ એટલે રોજ મહારાજ તથા સંતોની ચંદન-પુષ્પથી પૂજા થાય, સભામાં પ્રસંગે પ્રસંગે બાપાશ્રી તથા સંતો વાતો કરે, કથાસમાપ્તિ પછી સંત-હરિભક્તોની પંક્તિઓ થાય. આ પારાયણમાં માનકૂવા, સુખપર, સામત્રા, ભવાનીપર, કોડકી વગેરે નજીકનાં ગામના હરિભક્તો કથા સંભાળવા આવતા હોવાથી મંદિર સવાર-સાંજ ભર્યું જ રહેતું અને સંત-હરિભક્તો રોજ જમતા, રમતા ને કથાવાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરતા. આમ સાત દિવસ આનંદ-ઉત્સવ ચાલ્યો. સમાપ્તિ થયા પછી ભારે ધામધૂમથી ઉત્સવ કરતા કરતા મહારાજની પ્રતિષ્ઠાવિધિ બાપાશ્રી તથા સંતોએ મળી કરી ને આરતી ઉતારી થાળ જમાડી સહુને પ્રસાદી વહેંચી.

આ પારાયણમાં ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવેલા; તેમને રસોડે બાપાશ્રીને માટે ઠાકોરજીના થાળ થતા. એક દિવસ તેમણે રમૂજ કરતાં કહ્યું, ‘બાપા! મને સ્વામી મહાપુરુષદાસજીએ રાજી થઈને કહ્યું હતું, તેથી આ વખતે બહુ લાભ મળ્યો ને તમારી ને સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીની મારા પર દયા થઈ. જગતમાં બિચારા કેટલાય દાઢિયું વધારે છે, પણ કાંઈ તેને આવી સેવા મળે છે? મને તો હજી દાઢી પૂરી વધીયે નથી, ત્યાં તો શ્રીજીમહારાજ ને તમે જમો ને હું થાળ કરી જમાડું, એવો લાભ મળ્યો. આ કાંઈ સાધારણ વાત ન કહેવાય!’ એમ કહી હસ્યા ને બાપાશ્રીને મોટો હાર પહેરાવ્યો, ત્યારે બાપાશ્રીએ તેમના માથે હાથ મૂકી બહુ જ પ્રસન્નતા જણાવી. પછી ત્યાંના હરિભક્તોને બે દિવસ કથાવાર્તાએ રાજી કરી બાપાશ્રી સંતોએ સહિત ભૂજ આવ્યા. ત્યાં એક દિવસ રહી સ્વામીશ્રી આદિ સંતોને ત્યાંથી જ દેશમાં જવાની રજા આપી પોતે વૃષપુર પધાર્યા.