૧૩૨ - રામપુરમાં પારાયણ
થોડા દિવસ થયા ત્યારે મુક્તરાજ ધનબાએ, રામપુરમાં યજ્ઞ કરવાનો આદર કર્યો. પ્રથમ વૃષપુરમાં આવી. એ ભાઈશ્રીને પૂછી ગયા કે, મને એમ થાય છે જે, ભૂજમાં સંતોને કહેવરાવીને પારાયણ બેસારું. ત્યારે ભાઈશ્રી કહે, ‘ભલે, હું બહુ રાજી છું.’ એ વખતે ભાઈશ્રીને એમ રહેતું જે, સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજીના અંતર્ધાનથી ઘણા સંત-હરિભક્તો ઉદાસ થયા છે, તેને શાંતિ થશે. ધનબા કહે, ‘ભાઈ! તમારે પહેલા આવીને બેસવું પડશે. તમો આવો એટલે સંત-હરિભક્તો બધાયને દર્શન થાય ને સેવા-સમાગમનું સુખ આવે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘ભલે, મારી ક્યાં ના છે, હું જરૂર આવીશ.’ પછી ધનબાએ ભૂજ જઈ સંતો પાસે મુહૂર્ત જોવરાવી દિવસ નક્કી કર્યો ને ગામડે ખબર મોકલાવ્યા. આગળથી સંતો આવ્યા તે પહેલાં તો ગોળ, ઘી, ઘઉં, દાળ, ચોખા આદિ સામાન તૈયાર કરાવી રાખેલ હતો, તેથી સૌ રાજી થયા. પણ પારાયણ બેસવાને હજી બે દિવસની વાર હતી, ત્યાં ઓચિંતાનું વરસાદ ને વા-ઝડીથી તોફાન બહુ થયું, તેમાં કેટલાંક ઝાડ તથા ઘર પડી ગયાં. પછી ધનબા મૂંઝાયાં ને યજ્ઞમાં વિઘ્ન થશે, એમ જાણી સિંહાસન પાસે જઈ શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યાં જે, ‘હે મહારાજ! તમે આવું શું કરવા ધાર્યું છે? આમાં કાંઈ નુક્સાન થશે તે બીજા કોઈનું નહિ થાય, આ તો બધું તમારું જ છે, માટે આવું ચરિત્ર કરવું બંધ કરો તો સારું.’ આમ કહે છે ત્યાં તો તરત તોફાન બંધ થઈ ગયું. પછી જ્યારે વૃષપુરથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આવ્યા ત્યારે પોતે વાત કરી કે, ‘આવું તોફાન થઈ પડ્યું; તેથી મૂંઝાઈને મેં મહારાજની પ્રાર્થના કરી.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘મહારાજ તો પ્રાર્થના કર્યા વિના બધુંય જાણે છે. કર્તા, નિયંતા બીજો કોણ છે?’ આવાં વચનથી ધનબા રાજી થયાં. આ પારાયણમાં ભાઈશ્રીનું આસન સૌથી આગળ હતું. અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ આવેલા, તે પણ જોડે જ બેસતા. બન્ને મુક્તોના પરસ્પર હેતને લીધે આસને રાત્રે વાતો થતી. તે ટાણે મુક્તરાજ કેસરાભાઈ, દેવરાજભાઈ તથા બીજા રામપુર, નારાયણપુર આદિ ગામના હરિભક્તો મહિમા જાણી જોગ સમાગમ કરતા.
એક દિવસ મુક્તરાજ લક્ષ્મીરામભાઈના આગ્રહથી ભાઈશ્રી, શ્રીજીમહારાજ તથા મોટા મુક્તોનો મહિમા જાણવાની વાત કરતા બોલ્યા જે, ‘આ સભા અક્ષરધામની જાણે તે સુખના સમુદ્રમાં ઝીલે. આપણે તો સદાય એ દિવ્ય સભામાં જ બેઠા છીએ, પણ દેહ મૂકીને જવું છે એમ ન જાણવું. જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય તેને આ સત્સંગમાં આવ્યા વિના છૂટકો નથી; પછી ભલે ઐશ્વર્યાર્થી કે નાનાં મોટા અવતાર હોય. એ સૌને આજ શ્રીજીમહારાજ અભયદાન આપે છે ને ન્યાલ કરે છે. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા’ એવું છે. આવા અવસરમાં ને આવાં જોગમાં જે ધ્યાન કરી મૂર્તિ સિદ્ધ નહિ કરે, તે મહારાજ તથા મોટાના ગુનેગાર થશે. માટે મૂર્તિથી નોખું ન પડાય તેવો ખટકો રાખવો. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘અમારી તથા અમારા મુક્તની નજરે ચડ્યો તેને મૂકવો નથી,’ એમના મુક્ત પણ એ જ કામ કરે છે. જીવની કેડે કેડે ફરે છે, પણ બહિદૃષ્ટિવાળાને એ વાતની ગમ પડે નહિ, તેથી મહિમા જાણી રાજી ન કરી શકે. આપણે તો એક મૂર્તિ જ રાખવી. મૂર્તિનું બીજ સર્વે વાતમાં લાવવું. શ્રીજીમહારાજને ભૂલીને લૂખી વાત તો ક્યારેય કરવી નહિ. આઠે પહોર એમ જાણવું જે, અક્ષરધામના ધામી શ્રી સ્વામિનારાયણ ભગવાન તે આપણને પ્રત્યક્ષ મળ્યા છે, એની ખુમારી રાખવી. ખરું કલ્યાણ એમની પાસે છે. આવા મહારાજ ને તેમના લાડીલા મુક્ત આ સભામાં દર્શન દે, તે કાંઈ સાધારણ વાત ન કહેવાય. આ સમયે તો અલભ્ય લાભ મળે છે. કાંઈનાં કાંઈ કામ થાય છે.’ આમ ઘણી વાર વાતો કરી તેથી મુક્તરાજ કેસરાભાઈએ અત્યંત રાજી થઈને લક્ષ્મીરામભાઈને કહ્યું કે, ‘ભાઈ! તમે તો આ ફેરે ઘણો જ લાભ આપ્યો. હું તો એમ જાણું છું જે તમે મારા સારુ જ પધાર્યા છો.’ આ રીતે મહિમાની વાતો કરી રાજી થતાં છેલ્લે દિવસે જ્યારે પારાયણ પૂરી થઈ ત્યારે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી, લક્ષ્મીરામભાઈ તથા કેસરાભાઈ આદિ પંક્તિમાં ફરી સૌ નાનામોટા હરિભક્તોને દર્શન દઈ આશીર્વાદ આપતાં મુક્તરાજ ધનબાને રાજી કરી સૌ પોતાના ગામે જવા તૈયાર થયા ને સંતો ભૂજ પધાર્યા. એ વખતે મુક્તરાજ ધનબા કહે, ‘ભાઈ! તમે તથા લક્ષ્મીરામભાઈ આવ્યા તેથી નાનાંમોટાં હરિભક્તો બાઈભાઈ ઘણાં રાજી થયાં. તમારી સૌના પર નજર પડે તે કાંઈ થોડી વાત નથી. તમારા જેવા મોટા મુક્તનાં દર્શનનો મહિમા તો જ્યારે એ મહારાજ પાસે જશે ત્યારે જણાશે.’ એવા વિનયવચનથી ધનબાએ અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ તથા ભાઈશ્રીને રાજી કર્યા. પછી આ મુક્તો પણ ધનબાને ‘જય સ્વામિનારાયણ’ કરી પોતપોતાને ગામ ગયા.