૫૧૫ - સ્વામીશ્રીની પ્રાર્થના
આ વખતે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીના આસને હરિભક્તોની સભામાં એ જ વાત થતી હતી જે, ‘તમે આ ફેરે બાપાશ્રીને લઈને આ દેશમાં ગામોગામ દર્શન દેવા પધારો તો ઠીક.’ ત્યાં તો હરિભક્તોએ સહિત બાપાશ્રી આવ્યા ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કરીને બેઠા. એટલે સ્વામીશ્રીએ સૌની વતી કહેવા માંડ્યું જે, ‘આ સભામાં હરિભક્તો અમને કહે છે કે, બાપાશ્રીને લઈને અમારે ગામ દર્શન દેવા પધારો. ઝાલાવાડવાળાને એમ છે જે, અમારે ગામ આવે, ગુજરાતના તો વાટ જોઈને જ બેઠા છે, નળકંઠા, ખાખરિયામાં પણ સહુને તાણ છે. આ કરાંચીના હરિભક્તોની તો ઘણા દિવસની અરજી છે અને કાગળો આવે છે, તેમાં એનુંયે લખે છે. હમણાં એકબે તાર પણ આવી ગયા. આ હકીકત છે, હવે આપને જેની અરજી ઝીલવી હોય તેની ઝીલો. હમણાં સત્સંગના વિક્ષેપને લઈને આચાર્યશ્રીને ગામડાંઓમાં ફરવાનું બહુ નહિ, તેમ જ બીજી કાંઈ ને કાંઈ ખટપટ ચાલતાં ગામડાંના હરિભક્તોને સંત-સમાગમનું સુખ મળે નહિ, તેથી સુખ, શાંતિ ને સમાસ થવા આપની તાણ વધુ રહે છે. સહુને એમ જે, બાપાશ્રી અમારા ગામમાં પધારે તો સત્સંગી બાઈ-ભાઈ, નાનાં-મોટાં દર્શન કરી રાજી થાય અને જેને સત્સંગ ન હોય તેનેય બીજબળ થાય. વળી ઝાડ, પહાડ, પશુ, પક્ષી આદિ જીવો દૃષ્ટિમાં આવે તેનું પણ કામ થઈ જાય.’ આ રીતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી ત્યાં સુઘી બાપાશ્રી બધુંય સાંભળી રહ્યા.