૬૮૫ - શ્રીજીમહારાજનાં દિવ્યરૂપે દર્શન
પછી બપોરે સંતની પંક્તિ થઈ એ વખતે પોતે દંડવત્ કરવા લાગ્યા તે જોઈ સંતોએ ના પાડી, ત્યારે કહ્યું જે, ‘શ્રીજીમહારાજ સંતની પંક્તિમાં દિવ્યરૂપે દર્શન દેવા પધાર્યા છે. એમને અમે દંડવત્ કરીએ છીએ, તમે ફિકર ન કરો. આજે સભામાં પણ દિવ્ય તેજોમય દર્શન આપી મંદ મંદ હસતા હતા.’ પછી પિરસનારા સંતોને કહ્યું જે, ‘તમારે મહારાજને રાજી કરવા હોય તો સિંહગર્જના થાય ત્યાં સુધી પિરસજો. આ યજ્ઞમાં તો જમવું, રમવું ને આત્યંતિક મોક્ષના કોલ લેવા એ કરવાનું છે, અને અમારે પણ આ ફેરે સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા એ જ ઠરાવ છે.’
રાત્રે વચનામૃતની કથાપ્રસંગે પોતે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું, ‘સ્વામી! તમે ત્રણેય સદ્ગુરુઓ સહુને કથાવાર્તારૂપી બ્રહ્મયજ્ઞથી આનંદનો સાગર ઊલટાવજો. આ તો કપિલાછઠ્ઠ ને મહોદયપર્વ આવ્યું છે, આવો સમૈયો વારે વારે થવો દુર્લભ છે, માટે આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી,’ –એમ અતિ પ્રસન્નતા જણાવી.