૬૫૩ - સ્વામીશ્રીનો ઉપકાર અને સર્વોત્તમ ધામ
એક દિવસ બહારગામથી એક હરિભક્ત દર્શને આવેલ તેને અવતાર-અવતારીની વાત ન સમજાતાં પ્રથમ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પર જરા ધોખો થયેલો કે, 'આ સાધુ મને આગ્રહથી સમજાવે છે, પણ શાસ્ત્રમાં તો ક્યાંય અવતાર-અવતારીનું સાવ જુદું વર્ણન સાંભળ્યું નથી.' પછી તે વાત તેણે બાપાશ્રીને પૂછતાં, બાપાશ્રીએ વચનામૃતમાં પ્રમાણો આપી મહારાજના સર્વોપરીપણાની ને કારણપણે મહિમા જાણવાની બહુ વાતો કરી, તેથી તેને એ વાતની તુરત ઘેડ બેસી ગઈ. પછી એ કહેવા લાગ્યો જે, 'બાપા! વચનામૃત પ્રમાણે તો મહારાજ જેવા બીજા કોઈ અવતારને ન કહેવાય.' પછી તો તેણે સ્વામીશ્રીનો પણ ઉપકાર માન્યો ને દંડવત્ કરી કહેવા લાગ્યો જે, 'બાપજી! મને વગર સમજે તમારો કાંઈ સંકલ્પ થઈ ગયો હોય તો માફ કરજો.' ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘અમારે તો એવું કાંઈ નથી, પણ તમે મહારાજને સર્વોપરી જાણી આવા મોટાને રાજી કરી લેજો.’
એક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, 'છપૈયા અને ગઢપુર, એ બે ધામમાં કયું ધામ અધિક જાણવું?' એ વાત સમજાવવા બાપાશ્રીએ સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને મહારાજે દર્શન આપ્યાં હતાં એ વાત વિસ્તારીને કરી. પછી એમ કહ્યું જે, 'ભગવાનનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હોય તે ધામ અધિક ગણાય.'