૮૯ - મોટાની પ્રાર્થના મહારાજ તુરત ધ્યાનમાં લે
આ રીતે દરેક પ્રસંગે ભાઈશ્રીની કાંઈ ને કાંઈ નવીનતા જણાતી હોવાથી પુરવાસી હરિભક્ત બાઈ, ભાઈ, નાનામોટા સર્વેનો તેમના તરફ પૂજ્યભાવ વધતો જતો. વચમાં થોડા દિવસ સમાધિનું પ્રકરણ ચાલતાં ગામોગામ ઉદઘોષ વધી પડ્યો, તેથી કેટલાકને તર્કવિતર્ક પણ થયા. પરિણામ એ આવ્યું કે, ભાઈશ્રીને માનકૂવે તથા નારાયણપુર નાતના આગેવાનોએ ઠપકો દેવા બોલાવ્યા. ભલે! વાત તદ્દન જુઠ્ઠી હતી. પણ જેને કોઈ વાતની ખબર ન હોય તેવા માણસો તો માની બેસે જે કાંઈક હશે! સારું થયું કે આ વાત તો મુક્તરાજ ધનબાએ ભેગા થયેલા નાતના આગેવાનોને સારી રીતે ઠપકો આપીને જ પતાવી દીધી. ભેગા થનારાઓને પણ એમ તો થયું જે, ‘આપણે આ વગર વિચાર્યે અપરાધ કર્યો.’ નારાયણપુરવાળા જાદવજીભાઈને સંકલ્પ થયો હોય કે ન થયો હોય પણ ભાઈશ્રીને સહજ ભલામણ કરતાં તેમને શ્રીજીમહારાજે દર્શન આપી ચેતાવી દીધા. મહિમાવાળાને તો આ વાતનું કાંઈ હતું જ નહિ. પણ જેને ભાઈશ્રીમાં અસદભાવ થયો હતો, તેણે ઠેઠ સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી સુધી વાત પહોંચાડી હતી. છેવટે આ હકીકત સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી અમદાવાદ હતા ત્યાં સુધી પણ પહોંચી ગઈ. સ્વામીશ્રીને આ વાતથી ઘણું માઠું લાગ્યું ને કહ્યું કે, ‘બસ! અજ્ઞાની જીવોની આ જ રીત! અજાણમાં (પ્રસન્નતારૂપ) અમૃતપાન ન કરી શકતાં પરાણે (અપરાધરૂપ) વિષપાન કરવા તૈયાર થાય છે! કણબી જ્ઞાતિમાં પણ કોઈ જાદવ જેવા છે ખરા! નહિ તો આવા દિવ્ય પુરુષને કેમ ઓળખી ન શકે?’ આમ ઘણી વાર વિચાર કર્યા પછી અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને પ્રસન્ન કરવા સારુ સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી પર ભલામણપત્ર લખ્યો ને પોતે શ્રીજીમહારાજને પાર્થના કરી કે, ‘હે મહારાજ! આપે અનંત જીવોને મૂર્તિનું સુખ પમાડવા આ અનાદિ મુક્તરાજને સત્સંગમાં રાખ્યા છે અને સમાધિદ્વારાએ સૌ તેમને ઓળખી સેવાસમાગમે રાજી કરે, તેવો આપનો હેતુ હશે. પણ એવા હેતુને ન જાણી શકનારા કેટલાક અજ્ઞાની જીવોએ અવળું લેવા માંડ્યું હોય તેમ જણાય છે. માટે હવે તો ભાઈશ્રીને સદાય સહજ સમાધિ જેવું વર્તે ને ઉદઘોષ ન થાય એવી કૃપા કરો તો સારું. એમને ક્યાં ઓળખવા પડે તેવું છે? આપના સંકલ્પે જે દર્શન આપે, તેમાં શું ખામી હોય? માટે આ પાર્થના જરૂર સ્વીકારશો.’ આ રીતે સ્વામીશ્રીએ તો વારંવાર શ્રીજીમહારાજને અરજી કરવા માંડી. કહેવત છે કે મોટાની અરજી મહારાજ તુરત ધ્યાનમાં લે. તેમ ત્યાં બેઠા સ્વામીશ્રીની પ્રાર્થનાથી અહીં ભાઈશ્રીને જે રીતે પ્રથમ સમાધિ થતી હતી, તે રીત તદ્દન બદલાતી ગઈ અને થોડા જ વખતમાં સમાધિપ્રકરણની અખંડ સમાધિ જેવી સ્થિતિમાં લીનતા થઈ ગઈ, જેથી પાંચ દિવસ, આઠ દિવસ કે દસપંદર દિવસ સમાધિમાં રહેતા, એ રીત બદલાણી ને સહજ સમાધિ જેવું નિરંતર વર્તવા માંડ્યું અને એવા સમાચાર મળતાં સ્વામીશ્રીને પણ પૂર્ણ સંતોષ થયો. પછી એક કાગળ તેમણે ભાઈશ્રીને લખ્યો જે, ‘તમે કોઈ અજ્ઞાની જીવના ઉપદ્રવથી ઉદાસ ન થજો ને મહારાજે જે કામ સારુ આ લોકમાં તમને રાખ્યા છે તે કામ કર્યા કરજો. સમાધિ, ચમત્કાર કે ઐશ્વર્યપ્રતાપ, અનાદિ મુક્તને કાંઈ ગણતરીમાં ન હોય. માટે તમે હવે જીવોને જ્ઞાનદાને સુખિયા કરજો. જીવ મહારાજનો મહિમા જાણશે એટલે બધી વાત સમજાશે. તમારે તો સૌ ઉપર કૃપાદૃષ્ટિ રાખવી ને સમાધિ કરી અક્ષરધામમાં જવું, તેમાં તો તમે સ્વતંત્ર છો. તમને કોણ રોકે તેમ છે?’ આવા પત્રથી ભાઈશ્રીએ સ્વામીશ્રીનો અભિપ્રાય જાણી લીધો ને જેમ બને તેમ પોતાના સામર્થ્યને ઢાંકી ઢાંકીને વર્તવા લાગ્યા.
પોતે રોજ સવારમાં નિત્યવિધિ કરી વહેલા ઠાકોરજીને જમાડી વાડીએ જાય. ત્યાં જઈ બનતું કામ કરે. બપોરે બીજી વાર ઠાકોરજીને જમાડી ઘડીક સૂવે. કોઈ હરિભક્ત આવે તો મૂર્તિની વાતો કરે. મોડેથી નાહ્ય. પાછા સાંજે ઘેર આવી ઠાકોરજીને જમાડે. કોઈ વાર આઠ વાગ્યા પછી મંદિરથી આવીને જમાડે. વળી રાત્રે દસ વાગ્યા સુધી સભામાં બેઠાં જ હોય. ગામનાં હરિભક્ત બાઈભાઈને મહિમા ઘણો, તેથી શેરીએ, બજારે જ્યાં જુએ ત્યાં પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કરે. એમ નાનામોટા સર્વે મહિમા જાણી એમને રાજી કરતા.