૨૭૮ - સદ્‍ગુરુઓ પર પ્રસન્નતા

0:000:00

સદ્‍ગુરુઓની તો વાત જ શી કહેવી! એ તો જ્યારે જ્યારે બાપાશ્રી પાસે આવ્યા હોય ત્યારે ત્યારે પોતે તો સુખ ભોગવે, પણ સાથે નાનામોટા સંત-હરિભક્તો હોય તે સહુને મૂર્તિના સુખની વાતોનો લાભ સહેજે મળ્યા કરે. વૃષપુરના હરિભક્તો પણ એવા જ મહિમાવાળા તેથી સંત-હરિભક્તોની આવજા બારે માસ રહ્યા કરે તોય ક્યારેય થાકે નહિ. બાપાશ્રીનું કુટુંબ તો સાવ ભોળું તેમ સદાય દિવ્યભાવ, જેથી સંત-હરિભક્તો રહે ત્યાં સુધી સૌ નવું નવું હેત જણાવી રાજી કરે. અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ જાણે આ સદ્‍ગુરુઓને કૃષ્ણાર્પણ થઈ રહ્યા હોય તેમ એ સંતો કહે તેમ ‘હા, સ્વામી! હા, સ્વામી!’ કર્યા કરે. વાડીઓના કામનું શું થાય છે? ઘરમાં કેમ ચાલે છે ને જોતુંકારવતું કોણ લાવે છે? –એ તો કોઈના જાણવામાં જ ન આવે. ગામમાં સવાર-સાંજ જતાઆવતા નાનામોટા હરિભક્તો ‘બાપા! બાપા!’ કરે ને આ અનાદિ મુક્તરાજ પણ સૌના પર હાથ મૂકે, પ્રસાદી આપે, કોઈને બોલાવે, કાં તો મહારાજના મહિમાની વાતો કરે. આ ઉપરાંત સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને વાતો લખવાનો આગ્રહ હોવાથી એ ભારે ભારે પ્રશ્નો પૂછે, એટલે વાતો પણ એવી જ થાય, તેથી સભા ભરી ને ભરી જ રહે. ગામડેથી હરિભક્તો દર્શને આવે ત્યારે હજારી ફૂલના હાર તૈયાર કરીને લેતા આવે ને ચંદન ઘસી મહારાજ તથા બાપાશ્રી અને સંતોની પૂજાઓ કરે. પોપૈયાં, તરબૂચ કે શેલડી આદિ ભેટો લાવે, તેની મહારાજને જમાડી પ્રસાદીઓ થાય. આમ સૌ નવા નવા હેતે સુખ લેતા હતા.