૫૩૨ - વૃષપુરમાં સાત્વિક બ્રહ્મયજ્ઞ

0:000:00

અનાદિ મુક્તરાજ બાપાશ્રી અને સંતો વૃષપુરમાં આવ્યા પછી હરિનવમીના સમૈયા પર વળી ભૂજ દર્શને પધાર્યા, ત્યાં ચાર દિવસ રહીને પાછા વૃષપુરમાં આવી ચૈત્ર વદ નોમથી અમાસ સુધીની વચનામૃતની પારાયણ બેસારવાનું નક્કી કર્યું ને ભૂજના સંતો તથા હરિભક્તોને પારાયણમાં આવવાનું પણ કહેતા આવ્યા. પછી ચૈત્ર વદ દશમ આવી એટલે પારાયણ ચાલતી થઈ ને ગામડેથી ઘણા હરિભક્તો આવી પહોંચ્યાં, કેટલાક બહારગામના હરિભક્તો ભૂજ તથા ગામડાંમાં હતા તે પણ ખબર પડતાં આવ્યા. આથી વૃષપુરમાં સાત દિવસ સુધી કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલ્યો. રોજ સવાર-સાંજ મંદિરમાં કથા વંચાય ને જમવાનું થાય. બાપાશ્રી પોતે સંત-હરિભક્તોને જમાડવા વગરેની સંભાળ રખાવે, કોઈને પૂછે, કોઈને બોલાવે, મળે. સંતો વાડીએ નાહવા જાય ત્યારે પોતે ભેળા જાય. સંત-હરિભક્તોને ચંદન ચર્ચે, હાર પહેરાવે માથે હાથ મૂકે, જ્ઞાનવાતો કરી રમૂજો કરે. એમ સાત દિવસ સુધી હેતવાળા સહુને રાજી કરતા. છેલ્લે દિવસે સમાપ્તિ થઈ, ત્યારે પુરાણી તથા સંતોની પૂજા કરી પોતે વસ્ત્રો ઓઢાડ્યાં ને પોતાના પુત્રાદિક પાસે પણ સેવા કરાવી. ગામડાંના હરિભક્તો આવેલા હતા તે સૌને તે દિવસ શીરો, સુખડી, શાક વગેરે સારી રીતે જમાડી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપી વિદાય કર્યા ને સંતોને રોક્યા, કેમ કે એ વખતે ગામ સૂરજપુરમાં નવું મંદિર તૈયાર થયેલ. તેમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા જવાનું હતું, પણ નારાયણપુરવાળા ધનજીભાઈ બાપાશ્રીને પ્રાર્થના કરી સંતોને સાંજે નારાયણપુર તેડી ગયા ને કહ્યું જે, ‘સંતો ત્યાં સવારમાં ઠાકોરજીને જમાડી લે ત્યાં સુધીમાં તમે નારાયણપુર આવી જજો, ત્યાંથી પરબારા સૂરજપુર જવાશે.’