૫૮૮ - બ્રહ્મચારી નિમિત્તે વચનામૃતની પારાયણ
ત્યાર પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાછળ ભૂજમાં રહેલા લાલશંકરભાઈએ વચનામૃતની કથા કરાવી. તેમાં અમદાવાદ અને મૂળીથી સંતોને તેડાવ્યા હતા, પણ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાજી આદિ તથા મૂળીના પુરાણી ઘર્મકિશોરદાસજી વગેરે સંતો રામનવમીનો સમૈયો કર્યા પછી નીકળેલા તે સમાપ્તિને દિવસે ભૂજ આવ્યા અને બાપાશ્રી તો અહીં પ્રથમથી જ આવેલા હોવાથી એ સહુને મળ્યા ને બ્રહ્મચારીનો ખરખરો કર્યા તથા માર્ગના સમાચાર પૂછ્યા. પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ રહી, ત્યારે સંતોને સુખપુર, ભારાસર આદિ ગામોમાં થઈ વૃષપુર આવવાનું કહ્યું ને બોલ્યા જે, ‘સ્વામી! અમારા મનજીના દીકરા રામજીને ઓરી નીકળ્યાં છે તેમાં એક આંખ તો સાવ ખોટી થઈ ગઈ છે તેથી મારે જવું પડશે. તમે પાંચ દિવસ ગામડાંમાં ફરીને આવો તો ઠીક.’ ત્યારે સંતો કહે, ‘ બહુ સારું, જેમ આપ રાજી થાઓ તેમ અમારે કરવું છે.’ એવાં વચનથી બાપાશ્રી સંતો પર ઘણા રાજી થયા.