૧૧૪ - વધતો જતો દિવ્યભાવ
હવે વૃષપુરમાં ભાઈશ્રીને વધુ તો કથા, વાર્તા ને ધ્યાન-ભજનનો વ્યવહાર ચાલતો થયો. ઘરમાં પણ સૌને એમની રીત હળવે હળવે ફાવી ગઈ. પોતે વાડીએ આવ્યા હોય ત્યારે જાણે કાંઈક કામ કરું એમ વિચારે ત્યાં તો કોઈ ને કોઈ દર્શને આવે, ત્યારે પોતે તેની પાસે બેસી વાતો કરે, સાથે મંદિર જાય, ઘેર લઈ જઈને જમાડે, એમ એ રાજી થાય તેમ કરે. એકલા બેઠા હોય ત્યારે આંખો મીંચીને બેઠા હોય, કાં તો જાડું કેડિયું એમ ને એમ પહેર્યું હોય ને પાઘડી ઓશીકે મૂકી સૂઈ જાય, તે જાણે સૂતા જ હોય. જાગે ત્યારે ઊભા થઈ કાંઈક વિચારમાં હોય તેમ આમતેમ ફરે. દીકરાદીકરીને કાંઈ પૂછે અથવા પોતે વાત કરે. ઘરમાં સૌએ એમ જાણી રાખ્યું હતું કે આપણાં મોટાં ભાગ્ય, જેથી એમના કહેવાયા છીએ. સંત-હરિભક્તો આવે તે પણ મહિમા જાણે ને કહે જે, તમે મોટા ભાગ્યવાળા, જેથી આવા અનાદિ મુક્તને ઘેર જન્મ પામ્યા. આમ સૌ અહોભાગ્ય માનતા, વ્યવહારનું કામકાજ કરતા હતા અને સદ્ગુરુ નિર્ગુંણદાસજી સ્વામી ભાઈશ્રીને વારે વારે ભલામણ કરતા હોવાથી પોતે ઘીરે ઘીરે વાતો પણ કરવા લાગ્યા. વાતો કરે તેમાં એવો તો મૂતિનો રસ ચાલ્યો આવે કે સભા સર્વે દિંગ થઈ જાય ને સભામાંથી કોઈ ઊઠી શકે જ નહિ, આમ દિવ્યભાવની દિવસે દિવસે વૃદ્ધિ થતી ગઈ. પોતાની કોઈ પ્રશંસા કરે તો કહે આ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે, આપણે એ મૂર્તિ વિના બીજો સંકલ્પ કરવો નહિ.’
એક વખત મંદિરની ઓશરીમાં ભીંતનું ઓઠીંગણ દઈને ભાઈશ્રી બેઠા હતા, ત્યારે કુંવરજીભાઈએ પૂછ્યું જે, ‘અક્ષરધામની સભામાં “સૌને સન્મુખ શામળીઓ,’ એમ કહેવાય છે તે કેમ હશે?’ એમાં કાંઈ નજર પહોંચતી નથી ત્યારે ભાઈશ્રી કહે, ‘આવો ને આવો જોગ રહેશે, તો બઘુંય એની મેળાએ થઈ જશે, નજરેય પહોંચશે ને જેમ હશે તેમ જણાશે પણ ખરું. આ તો હીરા-માણેકના વેપાર જેવું છે, તે વસ્તુનાં મૂલ બહુ, તેમ મહારાજના અનાદિ મુક્ત મોંઘામૂલા છે, તે આજ સોંઘા થઈને જીવના મોક્ષને અર્થે પધાર્યા છે, એમ જાણી દિવ્યભાવ રાખવો, એટલે બઘીયે ખબર પડશે.’