૪૧૦ - લીલી દ્રાક્ષ નિમિત્તે મહારાઓશ્રી પર પ્રસન્નતા

0:000:00

બીજે દિવસ પાછી એ જ રીતે ગરમી જણાતાં, સંત-હરિભક્તોએ આવી રીતના ઉપાય ચાલતા કર્યા પણ બાપાશ્રીને કાંઈ ફાવે નહિ; તેથી સ્વામી ઈશ્વરચરણદાસજીને પાસે બેસારી પોતે કહેવા લાગ્યા જે, ‘સ્વામી! ટાઢકના ઘણા ઉપાય થાય છે, પણ આ બધા ઉપચાર ઉપરના છે. મને એમ થાય છે કે, જો લીલી દ્રાક્ષ મગાવી ઠાકોરજીને જમાડી હોય તો માંહીથી ટાઢક થાય.’ આ વચન સાંભળી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ જેઠી ઘેલાભાઈને કહ્યું કે, ‘તમે ગમે તેમ કરીને ભૂજ જઈ લીલી દ્રાક્ષ લઈ આવો તો બાપાશ્રીને જમાડીએ.’ આજ્ઞા થતાં એ તો તુરત જ ઘોડાગાડી લઈને ભૂજ હજૂરસાહેબ પાસે ગયા ને દ્રાક્ષની માગણી કરી કહ્યું જે, ‘વૃષપુરમાં મોટા મુક્ત અબજીબાપા કહેવાય છે તે મારા ગુરુ છે. તેમને હમણાં મંદવાડ ઘણો ગયો; હવે સારું છે, પણ શરીરમાં હજી ગરમી વધુ વરતાય છે, તો આપણા બાગમાં લીલી દ્રાક્ષ થતી હોય તો જોઈએ છીએ.’ આ વાત સાંભળી હજૂર સાહેબ ઘણા રાજી થયા ને બોલ્યા જે, ‘બહારગામથી હજુ કાલે જ મારી પાસે એક દ્રાક્ષનો કંડિયો આવ્યો છે તે હજી મેં ખોલાવ્યો જ નથી, તે તમે એમ ને એમ લઈ જાઓ. એવા મોટા પુરુષની સેવાનો વખત આમ ક્યાંથી મળે?’ આ રીતે મહિમાનાં વચનો કહ્યાથી ઘેલાભાઈ તો એ દ્રાક્ષનો કંડિયો લઈ ઉતાવળા ગાડીમાં બેસી વૃષપુર આવી પહોંચ્યા. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા મૂળીવાળા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તે કંડિયો ખોલી દ્રાક્ષ ઠાકોરજીને જમાડી લાવ્યા, એટલે બાપાશ્રી પ્રસન્ન થકા જમ્યા ને ઘેલાભાઈની બહુ પ્રશંસા કરતાં તેમને માથે હાથ મૂકી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા સ્વામીશ્રી આદિ સંતોને કહેવા લાગ્યા જે, ‘ઘેલાભાઈ, આવા તડકામાં દ્રાક્ષ લઈ આવ્યા તે એમને સારી રીતે જમાડજો. રાવસાહેબ ના હજૂરી છે, પણ નિર્માની કેવા છે! મારી એમણે બહુ સેવા કરી; બ્રહ્મચારી તથા પુરાણી સાથે પણ એ હતા. તે વખતે મને ખૂબ નવરાવી ગરમી મટાડી હતી ને આ ફેરે ખરા તાપમાં જઈ દ્રાક્ષ લઈ આવ્યા. આ સેવા ને બદલે અમારે એમનું તથા રાવસાહેબ પર દ્રાક્ષ મોકલાવનારનું કલ્યાણ કરવું પડશે.’ એમ કહી તેમને ઠાકોરજી જમાડવા મોકલ્યા. થોડી વારે ઘેલાભાઈ આવ્યા ત્યારે વળી બાપાશ્રી તેમને પાસે બેસારી કહેવા લાગ્યા જે, ‘ઘેલાભાઈ! આ દ્રાક્ષ મહારાજાઓશ્રીએ અમારા સારુ મોકલી તે એમને અમારા ઉપર બહુ હેત છે કેમ કે પોતાને માટે દ્રાક્ષનો કંડિયો આવેલો તે ઉઘાડ્યા વિના એમ ને એમ અમારા સારુ આપી દીધો, તેથી તેમના પર મહારાજનો રાજીપો બહુ થશે અને આ મેવો મોકલ્યાનું ફળ પણ તેમને મોટું મળશે.’

આ રીતે એક બાજુ પારાયણ વંચાતી હોય ને પડખે બાપાશ્રી આવું મનુષ્યચરિત્ર બતાવે, તેથી કથાવાર્તા સાંભળવાની સાથે સંત-હરિભક્તો બનતી સેવા કરી પોતાનાં અહોભાગ્ય માનતા હતા.

એક દિવસ બાપાશ્રીની દીકરીઓ તથા મુક્તરાજ ધનબાની સેવામાં રહેતાં કાનબાને એવો વિચાર થયો જે, ‘બાપાશ્રીને મોટો મંદવાડ ગયો તેમાં આજ સુધી સંત-હરિભક્તો રાત-દિવસ સેવા કર્યા જ કરે છે, પણ આપણને તો બાપાશ્રી મંદિરમાં ને મંદિરમાં રહેતા હોવાથી કાંઈ થાળ કરીને જમાડવાની કે બીજી સેવાનો લાભ મળતો નથી.’ તેમના આવા સંકલ્પને જાણીને બાપાશ્રીએ તે જ વખતે જાદવજીભાઈ, હીરજીભાઈ આદિ સેવકોને કહ્યું કે, ‘મારો ખાટલો ઘેર લઈ ચાલો.’ સંતોને પણ કહ્યું કે, ‘હું હમણાં પાછો આવું છું.’ ત્યારે સંતો કહે, ‘ભલે!’