૪૮ - મૂર્તિમાં અખંડ વૃત્તિ

0:000:00

એક વખત પોતે કોઈ કામપ્રસંગે ચાલીને રામપુર ગયા હશે. ત્યાંથી વળતાં નારાયણપુર આવ્યા, ત્યાં મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી જાદવજીભાઈને મળ્યા. જમવાનો સમય હોવાથી તેમણે બહુ આગ્રહ કર્યો કે, ‘ભાઈ! ઠાકોરજીને જમાડવા ચાલો.’ પણ પોતે એમ બોલ્યા જે, ‘મારે જરૂરનું કામ છે, એટલે જવું જોશે ને ખમાશે નહિ;’ તોપણ તે પ્રાર્થના કરવા લાગ્યા, તેથી પોતે એમ બોલ્યા જે, ‘તમારે બહુ તાણ રહેતી હોય તો ઘેર જઈને આવું.’ ત્યારે જાદવજીભાઈએ રાજી થઈને પોતાની ઘોડી આપીને કહ્યું જે, ‘ભલે!’ પછી તે ઘોડી પર બેસી પોતે વૃષપુર ગયા, ત્યાંથી ઘેર કામ હતું તે કરી, પાછા નારાયણપુર આવવા ચાલ્યા; પણ ઘોડી પર બેસી પોતે આવ્યા હતા. તે ઘોડી જ ભૂલી ગયા ને ચાલીને નારાયણપુર આવવા માંડ્યું. પોતાને એમ થયા કરે જે, કાંઈક ભુલાય છે ખરું! પણ યાદ આવે નહિ! એમ કરતાં નારાયણપુર થોડું છેટે રહ્યું, ત્યાં પોતાને યાદ આવ્યું જે, ઘોડી ઘેર રહી ગઈ! પછી તો ત્યાંથી જ તે ઘોડી લેવા પાછા વૃષપુર આવ્યા, ને મોડેથી નારાયણપુર પહોંચ્યા. તે વખતે જાદવજીભાઈ પૂછ્યું જે, ‘ભાઈ! ઘોડી હતી ને આવડી વાર કેમ થઈ?’ ત્યારે પોતે ઘોડી ઘેર ભૂલી ગયા હતા, તે વાત કરી; તેથી ઘરમાં સહુ આશ્ચર્ય પામ્યા ને જાણ્યું જે, ‘આમને તો મૂર્તિ વિના બીજું કાંઈ સાંભરતું જ નથી.’ આ રીતે થોડા દિવસ ચાલતું હતું, ત્યાં વળી ઓચિંતાનું એક વિઘ્નરૂપ કારણ બન્યું.

એક દિવસ પોતે કાકરવાડીથી ગાડું જોડી નવી વાડીએ લાવતા હતા, ત્યાં માર્ગમાં મોટો વોકળો આવ્યો. પોતાને અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખી ક્રિયા કરવાનો ઠરાવ હોવાથી એનું ધ્યાન ન રહ્યું, એટલે ગાડું ઊંધું વળ્યું, ને પોતે પડી ગયા. આ જોઈ આજુબાજુની વાડીઓવાળા તથા માર્ગે જતા માણસોએ દોડી આવી બેઠા કર્યા ને બળદ છોડી નાખી ગાડું સરખું કર્યું; પછી ખાટલામાં સુવારી ઘેર લઈ ગયા. આ બનાવ જોઈ ઘરમાં સહુ ઉદાસ થઈ ગયા. તેને ભાઈશ્રીએ ધીરજ આપી; પછી ગામમાં શામજી પટેલ હાડવૈદ જેવા હતા તેમને બોલાવ્યા; તેણે ખસી ગયેલું હાડકું ચડાવ્યું ને પાટાપિંડી કરી તાપશેક કરવા માંડ્યો, ત્યારે પંદર દિવસે સાજા થયા.