૪૯૮ – મુક્તરાજ ધનબાને જોવા પધાર્યા
આવી રીતે બાપાશ્રી વૃષપુરમાં રહી સૌને રાજી કરતા હતા. એવામાં વળી રામપુરમાં મુક્તરાજ ધનબા બહુ માંદાં થઈ ગયાં, તે રોજ બાપાશ્રીને સંભારે કે, ‘આ ટાણે એ મારી પાસે હોય તો ઠીક.’ આવી ધનબાની તાણ જોઈ તેમનાં સેવક કાનબાએ એક હરિભક્તને ગાડું લઈ તેડવા મોકલ્યા ને કહ્યું કે, બાપાશ્રીને ગમે તેટલાં કામ હોય તે પડ્યાં મૂકીને અહીં આવી જાય તેમ કહેજો.’ આ રીતના સમાચાર સાથે ગાડું આવતાં બાપાશ્રી પણ એક સેવક સાથે પૂજા લઈને તુરત રામપુર પહોંચ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી બાઈઓના મંદિરમાં ગયા, ત્યાં તો ધનબા ‘હે મહારાજ! હે મહારાજ!’ કર્યા કરે. પાસે બાઈઓ બેઠેલાં, તે કોઈ શરીર દાબે ને કોઈ પંખેથી વાયરો નાખે, પડખે કથા થાય. ત્યાં બાપાશ્રીને હરિભક્તો સાથે આવતા જોઈ એ સહુ એક કોર થઈ ગયાં ને પગે લાગ્યાં. બાપાશ્રીએ જઈને ધનબાને જય સ્વામિનારાયણ’ કર્યા એટલે તેમણે સામું જોયું ને માંડ માંડ બોલ્યાં, ‘ભાઈ! તમે આવ્યા, બહુ દયા કરી; હવે મને ધામમાં મૂકી દ્યો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘હજી પાંચ દિવસની વાર છે.’ ત્યારે તે કહે, ‘જોજો હો! બોલ્યા ફરશો નહિ.’ એ સાંભળી બાપાશ્રી કહે, ‘બાઈ! હું કહું છું તે આ લોકના દિવસ નહિ, હું તો મહારાજના દિવસ કહું છું.’ એમ કહી વાતો કરવા લાગ્યા જે, તમે આવડી ઉતાવળ કેમ કરો છો! મહારાજ રાખે તેમ રહેવું. તમે બેઠાં છો તે બાઈઓમાં સત્યયુગ વર્તી રહ્યો છે.’ પછી એ કાંઈ બોલ્યા નહિ. તે વખતે બાપાશ્રી એક રાત રામપુરમાં રોકાણા, તેથી હરિભક્તો ઘણા રાજી થયા. બીજે દિવસ ધનબાને શરીરે ઠીક જણાતાં બાપાશ્રીને બોલાવીને કહ્યું જે, ‘ભાઈ! મહારાજને ને તમને ઠીક પડે તેમ કરજો, પણ હવે મારો દેહ સો વર્ષે કેટલો ચાલે! આ બિચારી કાનબાઈ મારી સેવા કરે છે, તે હમણાં સાજીમાંદી રહે છે. એક વાર તો ધામમાં જાય એવી થઈ ગઈ, એટલે મેં જાણ્યું જે, એ જાશે તો હુંથી હવે શું બની શકશે? આને હેત ને મહિમા બહુ છે, તેમ શ્રીજીમહારાજના વચનમાં પણ એક પગે ઊભી રહે તેવી, એટલે એની કોરની મને નિરાંત છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારા પહેલાં એ નહિ જાય; ફિકર ન રાખો!’ આમ વાત કરતાં જ્યારે બાપાશ્રી ચાલ્યા ત્યારે પણ રાજી રહેવાની ઘણી પ્રાર્થના કરી.