૪૧૫ - કથા પ્રસંગે ચમત્કારી વાતો

0:000:00

સંતોએ ત્યાં જઈ પાટ પર આસન બિછાવી મહારાજની મૂર્તિ પધરાવી પડખે બાપાશ્રીનો ખાટલો રાખવાની જગ્યા રાખીને પાસે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનું આસન કર્યું. સહુ કેડામોર આવી ગયા પછી થોડી વારે એમ ને એમ ખાટલાએ સહિત બાપાશ્રી છત્રીએ આવ્યા ત્યાં તો મહારાજની મૂર્તિ ફરતા સંત-હરિભક્તો બેઠેલા ને કથાની તૈયારી થઈ રહી હતી. એ જોઈ પોતે ઘણા રાજી થયા ને પુસ્તક તથા બ્રહ્મચારીની ચંદન-પુષ્પથી પૂજા કરી સહુને સૂતા સૂતા હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કર્યા પછી કથા ચાલતી થઈ. ઘણી વાર કથા વાંચતાં, વચમાં મહારાજે વૃષપુરમાં પધારી અદભુત પ્રતાપ જણાવ્યાનું વર્ણન આવ્યું, તે ફરી વાર વંચાવીને બાપાશ્રી સૌને વાત કરવા લાગ્યા જે, ‘જુઓ! આ ગામનો મહારાજે કેવો મહિમા કહ્યો છે ને અહીં કેવો પ્રતાપ જણાવ્યો છે? બહિર્વૃત્તિએ જોઈએ ત્યાં સુધી કાંઈ ખબર ન પડે, પણ અંતર્વૃત્તિ થાય તો આ ઠેકાણે જ મહારાજ ને દિવ્ય સભા બધી ઝળેળાટ તેજોમય દેખાય. મૂર્તિમાં નકરું તેજ જ ભર્યું છે, મુક્તો પણ એવા જ છે. અવરભાવમાં એ ન દેખાય પણ પરભાવમાં તો મૂર્તિ વિના કાંઈ છે જ નહિ.’ પછી થોડી વારે એમ બોલ્યા જે, ‘કચ્છ દેશમાં મહારાજે ગામોગામ ફરી અનેક જીવને સુખિયા કરી દીધા ને અદભુત પ્રતાપ જણાવ્યો; એવું ને એવું આ ગ્રંથમાં એકધારું લખાણ ચાલ્યું આવે છે. આ બધું જીવોને સુખિયા કરવાનું મોટા મુક્તોએ સદાવ્રત બાંધ્યું છે. હમણાં આ ગામ ને આ સ્થાન તથા કાળીતલાવડીનો મહિમા કેટલો આવ્યો? આવા ચમત્કારી સ્થાનમાં રોજ રોજ ઉત્સવ, સમૈયા ને યજ્ઞ થાય છે ને શ્રીજીમહારાજ સૌને અલૌકિક દર્શન આપે છે, પરચા પૂરે છે, ચમત્કાર જણાવે છે. આવા મોટા સદ્‍ગુરુઓ અહીં આવી આવીને સૌને સુખિયા કરે છે, આવા સંતનો મહિમા પણ મહારાજે ઘણો કહ્યો છે. આ તો દિવ્ય સભા છે. આ સભામાં શ્રીજીમહારાજના હજૂરી સંત પ્રત્યક્ષ દર્શન દે તે કેવડી વાત!’ પછી ઝીણાભાઈ પાસે બેઠા હતા તેને કહ્યું જે, ‘ઝીણાભાઈ! આવા મહારાજના લાડીલા સંતોનાં આપણને ઘેર બેઠાં દર્શન થાય એ કોનો પ્રતાપ!’ આવાં વચન સાંભળી તેમને બાપાશ્રીનો ઘણો મહિમા હોવાથી તે એમ બોલ્યા જે, ‘બાપા! ખરું કહું! મને તો એમ લાગે છે જે, તમને લઈને આટલા આટલા સંતો આંહી આવે છે. નહિ તો શ્રીજીમહારાજ તો ગામોગામ ફર્યા છે, ત્યાં પણ દેશીપરદેશી સંતો દર્શન કરવા આવે તે બે દિવસ રહે કે પાંચ દિવસ રહે. પણ આંહી તો બારે માસ સંત-હરિભક્તો આવ્યા જ કરે છે; આ બધું તમને લઈને છે.’ આવાં તેમનાં વચન સાંભળી પોતે સંતોને કહ્યું જે, ‘આ વિશ્વાસી બહુ છે. આવા ભોળાનું કામ ઝટ થઈ જાય.’ આ રીતે વાતો કરતાં સમય થઈ ગયો હોવાથી કથાની સમાપ્તિ કરી.