૫૧૯ - હરિભક્તોની હોંશ પૂરી કરી
એક દિવસ લાલુભાઈ પોતાના ખાલી બંગલામાં બાપાશ્રીને પગલાં કરાવવા તેડી ગયા, ત્યારે ઘણા હરિભક્તો ભેળા હતા. તેમાં નાના નાના હરિભક્તોને બાપાશ્રીના હાથે ગુલાલની પ્રસાદી લેવાની હોંશ હોવાથી પોતાની સાથે ગુલાલ લઈને આવેલા, તેથી બાપાશ્રીને પ્રાર્થના કરી કે, ‘અમારો એક સંકલ્પ એ છે કે, અમે અહીં વસંતપંચમીથી ફૂલડોલ સુધી રોજ રાત્રે ઠાકોરજી પાસે રંગલીલાનાં કીર્તન બોલી ઉત્સવ કરીએ છીએ ત્યારે થોડા થોડા ગુલાલની મહારાજ પાસેથી રોજ પ્રસાદી મળે છે, પણ આજ તો અમે આપના હાથથી પ્રસાદી લેવા અહીં ગુલાલ લાવ્યા છીએ, તો સૌ પર થોડી થોડી ગુલાલની પ્રસાદી નાખો.’ ત્યારે બાપાશ્રી કહે, આપણે તો મહારાજ ને મુક્તોની રંગલીલા સંભારીએ, એટલે સદાય રંગ-ઉત્સવ’ એમ કહ્યું. પછી હરિભક્તો કીર્તન બોલવા લાગ્યા ને લાલુભાઈએ સૌની વતી પ્રાર્થના કરવા માંડી જે, ‘બાપા! આ બધા હોંશથી ગુલાલ લઈને આવ્યા છે, તે આપના હાથે થોડી થોડી પ્રસાદી નાખો તો રાજી થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! આવો ઓરા.’ એમ કહી ગુલાલની મૂઠી ભરીને લાલુભાઈ પર નાખવા જતા હતા ત્યાં તો પ્રથમ મૂઠી ભરીને લાલુભાઈએ બાપાશ્રી પર ગુલાલ નાખ્યો. આ જોઈ હરિભક્તો ઊભા થઈ આગળ આવ્યા, એટલે બાપાશ્રી મૂઠિયું ભરી ભરીને સહુ પર ગુલાલ નાખતા નાખતા ઊંચે સાદે કીર્તનની ટૂંક બોલવા લાગ્યા જે, ‘રંગે ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર; રાતાં થઈને વહેવા લાગિયાં, સાભર ગંગાનાં નીર.’ -એ બોલે ને ગુલાલ નાખતા જાય. એ વખતે આખા બંગલામાં બીજું કાંઈ દેખાય નહિ. એવી ગુલાલની ડમરી થઈ રહી. પછી સહુને ગુલાલમય થઈ રહેલા જોઈ પોતે ઊભા થઈને મળ્યા. તે વખતે મહાદેવભાઈએ કહ્યું જે, ‘બાપા! રંગ-ઉત્સવમાં ફગવા અપાય છે તેમ અમને કાંઈક રાજી થઈને આપો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આપણે અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં સૌ ભેળા રહેશું, એ ફગવા.’ -એમ આશીર્વાદ આપ્યો.
ત્યાર પછી એક દિવસ મહાદેવભાઈના ઘેર પધાર્યા ત્યારે પોતે રાજી થઈ એમ બોલ્યા જે, ‘આ તો આપણું પોતાનું ઘર છે.’ તે વખતે મહાદેવભાઈએ ચંદન-પુષ્પથી પૂજા કરી સૌની વતી આશીર્વાદ માગ્યા, ત્યારે પણ બાપાશ્રીએ ઘણી જ પ્રસન્નતા જણાવી હતી. એમ જે જે હરિભક્તો આવી આવીને પ્રાર્થના કરે ત્યાં ત્યાં જઈ દર્શન આપતા ને મોક્ષનાં વરદાન દઈ રાજી કરતા.