૧૦૮ - પ્રસાદીનું પાણી અજાણ્યે પીતાં કલ્યાણ થયું
એક દિવસ ભાઈશ્રી વાડીએ હતા, ત્યાં બે વણકર-હરિજનભાઈના દીકરા ચામડાની રાશું લઈને આવ્યા, તે છેટે ઊભાં રહીને પગે લાગ્યા, ને કહ્યું જે, ‘બાપજી! તમે તો અમારા બાપને ન્યાલ કરી દીધા, અમારો વાંકગુનો માફ કરો! તમે આવા મોટા છો તે અમે ક્યાંથી જાણીએ? પછી એ છોકરાઓને આગળ બોલાવીને ભાઈશ્રીએ કહ્યું, ‘તમે શું કહો છો? છોકરાં કહે, ‘માબાપ! અમારી આ બે રાશું રાખો, ને અમારો ગુનો માફ કરો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે શું કહો છો તે સમજાતું નથી’; એવો તમે શું ગુનો કર્યો છે? ત્યારે તેણે વાત કરી જે, ‘અમારો બાપ પાંચ વર્ષ પહેલા એક દિવસ ટપ્પરમાં કામે ગયા હતા. ત્યાંથી વળતાં એક ખેતરમાં લોટો ભરેલો પડ્યો હશે તે લઈને ઘેર આવ્યા ને માર્ગમાં એ લોટામાંથી પાણી પીધું. એને કેવી ખબર કે, એ લોટો તમારો હશે? એ તો એમ જાણતા હશે કે આપણને લોટો મળ્યો. પણ હમણાં ચાર દિવસ થયા એને મંદવાડમાં વસમું લાગ્યું ત્યારે તમે ને સ્વામિનારાયણ ભગવાન બેય આવ્યા ને પાધરાક અમારા બાપ બેઠા થઈ પગે લાગ્યા ને બોલવા મંડ્યા જે, ‘ઓહો! માબાપ! તમે ભગવાન ઊઠીને અમારે ઘેર આવ્યા. મારું એવડું શું પુન્ય?’ પછી એમ ને એમ ઘણી વાર હાથ જોડે, રાજી થાય ને પોતાની મેળાએ વાતો કરે. અમે પૂછ્યું કે, ‘બાપા, કેના સાથે વાતો કરો છો?’ ત્યારે કહે, ‘સ્વામિનારાયણ ભગવાન ને આપણા ગામના મોટા ભગત ભેગા છે, તેના સાથે.’ પછી પૂછ્યું જે, ‘ભગત કયા?’ ત્યારે તમારું નામ લીધું. ‘શું કહે છે?’ એમ પૂછ્યું, ત્યારે કહે, ‘સ્વામિનારાયણ ભગવાન તો કાંઈ બોલતા નથી. એ તો મોઢે રૂપાળું લૂગડું રાખીને ઊભા ઊભા દાંત કાઢે છે.’ અમે પૂછ્યું જે, ‘તમે એમને કેમ ઓળખ્યા?’ તે કહે, ‘એક વાર આપણા ગામમાં જ્યારે ઠાકરની પાલખી નીકળી ત્યારે છેટેથી મેં જોયા હતા તે આવા જ રૂપાળા ને લૂગડાં બંધાય આવા પહેર્યા હતાં, તે મને બરાબર યાદ છે.’ પછી અમે કહ્યું જે, ‘તમે વાત શું કરતા હતા?’ તો કહે, ‘આ અબજી બાપો એમ કહે છે કે હું એક વાર ગામ ટપ્પર ગયો હતો, ત્યાંથી પાછો આવતા માર્ગે એક ખેતર હતું, ત્યાં માનસીપૂજા કરવા બેઠો. ત્યાંથી ઊઠીને હું ચાલતો થયો, પણ મારા પાસે ઠાકોરજીને પાણી પાયેલ લોટો હતો તે ત્યાં જ રહી ગયો. તે તું ઘેર ઉપાડી ગયો ને માંહીથી પાણી પીધું એ પુણ્યે તને સ્વામિનારાયણ ભગવાન અને અમે તેડવા આવ્યા છીએ.’ પછી અમને અમારા બાપે ભલામણ કરી જે, ‘તમે અબજી બાપા પાસે જઈને એ લોટાનો કાંઈક બદલો વાળજો ને આજ દિવસ સુધી આપણે એમનો લોટો વાપર્યો તે ગુનો માફ કરાવી રાજી કરજો.’ એમ કહી હાથ જોડતાં જોડતાં એ તો દેહ મૂકી ગયા. પછી અમે ઘરમાં બધાએ વિચાર કર્યો, પણ તમને અમારું બીજું કાંઈ કામ ન આવે એમ જાણી આ બે રાશું કરીને લાવ્યા છીએ. તો રાજી થઈને લ્યો ને અમારા બાપની પેઠે અમને પણ સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને તેડવા આવજો.’ પછી ભાઈશ્રી કહે, ‘તમે રાશું પાછી લઈ જાઓ. હું બહુ રાજી છું ને તમારો ગુનો કાંઈ નહિ.’ પણ એ છોકરાઓ તો કરગરી, પગે લાગતા ને હાથ જોડતા પરાણે મૂકી ગયા. પછી ગામમાં આ વાત થતાં ભાઈશ્રીનો સૌને મહિમા સમજાણો કે અજાણમાં પ્રસાદીનું પાણી પીનારનું પણ કલ્યાણ કર્યું! આ તો ભારે દયા કેહવાય!