૬૪૯ - રામપુરગંગાએ તથા મંદિરમાં મહિમાની વાતો
સંત-હરિભક્તો રામપુર પહોંચ્યા પછી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી ગંગાજીએ નાહવા ગયા, ત્યાં હરિભક્તોએ ઘણી વાર કીર્તન બોલતાં બોલતાં બાપાશ્રીને નવરાવ્યા, તે પછી બાપાશ્રી તથા સંતોએ પણ હરિભક્તો પર જળ ઉછાળી તે સહુને નવરાવ્યા. એ રીતે નાહ્યા પછી વસ્ત્રો બદલી સૌને મળ્યા ને કાંઠા પર બેસી માનસીપૂજા કરવા લાગ્યા. ઘણી વારે જાગ્રત થયા, ત્યારે હરિભક્તોએ ચંદન-પુષ્પથી પૂજા કરી. એ વખતે બાપાશ્રીએ સંતોને કહ્યું કે, ' આપણે બધા આંખો મીંચીને માનસીપૂજા કરતા હતા, ત્યારે ઓચિંતાનું નદીનું પૂર બે કાંઠામાં આવ્યું હોય તો કેમ થાય?' ત્યારે સંતો કહે, 'બાપા! મહારાજની મૂર્તિમાં અખંડ રહેવાનું મળે.' ત્યારે પોતે કહ્યું, 'તો તો ઠીક.' પછી સૌ મંદિરમાં આવ્યા ને રાત્રે કથાવાર્તા કરી હરિભક્તોને રાજી કર્યા.
બીજે દિવસ સભામાં વચનામૃતની કથા થતી હતી, ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, 'કેટલાક ત્યાગી તથા ગૃહસ્થ બહિર્દૃષ્ટિએ જોઈને એમ કહે છે કે, આજ મહારાજને મળેલા ક્યાંથી હોય? પણ આજ તો મળેલા ઘણા છે. મૂર્તિમાં રહેતા હોય તે મળેલા કહેવાય. મહારાજ ને મુક્ત સત્સંગમાં છે, છે ને છે જ. આજ સાક્ષાત્ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે, અને ફરતા મુક્ત બેઠા છે. માટે સદાય પ્રત્યક્ષ છે, તે અંતર્દૃષ્ટિએ જુએ અને મહારાજ તથા મોટાનો વિશ્વાસ લાવે, તેને ખબર પડે ને આ ફેરે છેલ્લો જન્મ થઈ જાય.'
પછી સમય થયો ત્યારે પોતે ઠાકોરજીને જમાડવા ઊઠ્યા ને સંતોની પંક્તિ થઈ એટલે થોડી વારે બાપાશ્રી તથા સંતો જમીને સભામાં આવ્યા. પછી વચનામૃતની કથા થઈ, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ ઠેકાણે તો અક્ષરધામ, મહારાજ અને તેમના મળેલા, એ બધુંય છે. આવા જોગ વિના એકલાં શાસ્ત્ર વાંચે, ભણે તોય કાંઈ વળે નહિ.’ પછી વચનામૃતમાંથી પરભાવના અર્થ સમજાવતાં બોલ્યા જે, ‘આજ પ્રગટના સુખના આહારી છે તેને પ્રગટ છે, અને એ સુખના આહારી નથી તેને પરોક્ષ છે. આજ તો કેટલાક ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિમાંથી આવ્યા છે, તે પણ આજ અક્ષરધામની સભામાં આવીને બેઠા છે.’ આવી ચમત્કારી વાતોથી હરિભક્તોને રાજી કરતા સંતોએ સહિત બાપાશ્રી ત્યાંથી ગોડપર પધાર્યા.