૩૦૪ - અમદાવાદ જવા નીકળ્યા

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૬૯ના ચૈત્ર માસમાં અમદાવાદના મંદિરમાં ગામ અસલાલીનાં સાંખ્યયોગી બાઈ કંકુબાએ ‘સત્સંગિભૂષણ’ની પારાયણ બેસારવાનું નક્કી કર્યું, તેમાં વૃષપુરથી અનાદિ મુક્તરાજ બાપાશ્રીને તેડાવવા તેમણે સરસપુરના પ્રાણશંકરભાઈ પાસે પ્રાર્થનાએ સહિત કાગળ લખાવ્યો જે, ‘અહીં સદ્‍ગુરુઓ મારફત પારાયણ કરાવવાનું નક્કી થયું છે, તેથી એ ટાણે તમારે જરૂર પધારવું જોશે; દસ દિવસ વહેલા પધારો તો સંત-હરિભક્તોને વધુ લાભ મળે, અને લખો તો હું તેડવા આવું.’ બીજો કાગળ એવો જ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે લખાવ્યો. આ બન્ને કાગળ પહોંચતાં બાપાશ્રીને એમ થયું જે, ‘આ પારાયણમાં આવવા પ્રાણશંકરભાઈ સહુને ભલામણ કરી ગયા છે, માટે જરૂર જવું જોશે. જો ઢીલ થશે તો તેમને અવસ્થાએ આંટો થશે,’ –એમ વિચારી ભૂજના સંતોને તથા મુક્તરાજ કેસરાભાઈ અને ધનબાને કાગળ વંચાવી રજા લીધી. એ કાગળમાં મુક્તરાજ ધનબાને બહુ પ્રાર્થના લખી હતી જે, ‘ગમે તેમ કરીને આ પારાયણમાં આપ પધારવાનું કરજો.’ પણ તે વખતે એમનું શરીર ઠીક રહેતું નહીં; તેથી તેમણે બાપાશ્રીને જઈ આવવાનું કહીને ભલામણ કરી જે, ‘આ વખતે મારાથી નીકળાશે નહિ, તો તમે કંકુબાને મારી વતી રાજી રહેવાનું કહેજો,’ -આમ એ અટક્યા અને બાપાશ્રી તો રામપુરના દેવરાજભાઈ, દહીંસરાના ખીમજીભાઈ, નારાયણપુરના ધનજીભાઈ આદિ દશ હરિભક્તોને સાથે લઈ જામનગર થઈને અમદાવાદ જવા ફાગણ વદમાં નીકળ્યા.