૫૪૦ - મુક્તરાજ ધનબાએ મંદવાડ જણાવ્યો

0:000:00

આ રીતે બાપાશ્રી મૂળીના પાટોત્સવ પછી ગામોગામ ફરી હરિભક્તોને દર્શનદાને સુખિયા કરતા હતા, પણ રામપુરવાળાં મુક્તરાજ ધનબાને એ વખતે નેવું વર્ષથીયે મોટી ઉંમર થઈ હતી, તેથી વૃદ્ધાવસ્થાને લીધે શરીરમાં થોડો થોડો તાવ ને અશક્તિ જણાતાં એક દિવસ તેમનાં સેવક કાનબાને કહેવા લાગ્યાં જે, 'કાનબાઈ! મારી છેલ્લી ઘડીએ મને ખબર ન હોય તોય ભાઈ મારી પાસે દર્શન દેવા આવે એમ કરજે. એમને તો હવે સંત-હરિભક્તોએ ઓળખી લીધા છે, તેથી એ ઘડીયે નવરા થતા નથી, પણ મારા ઉપર દયા બહુ છે.' આવી ભલામણ કરેલી હોવાથી ચારપાંચ દિવસ તાવ વધુ આવતાં કાનબાઈએ દેવરાજભાઈને કહી, એક હરિભક્તને ગાડું લઈ તેડવા મોકલ્યો એટલે તુરત બાપાશ્રી વળતા ગાડે પધાર્યા. આ મંદવાડમાં મુક્તરાજ ધનબાની રાત-દિવસ બાઈઓ સેવા કરતાં હોવાથી એકબે બાઈઓ તો સાવ માંદાં જેવાં થઈ ગયાં હતાં, એ સહુને બાપાશ્રી પધારતાં નિરાંત થઈ. બાપાશ્રીએ ધનબા પાસે આવી 'જય સ્વામિનારાયણ' કર્યા, પણ તેમને એ વખતે બહુ શુદ્ધિ નહોતી, તેથી કાનબાએ જરા ઊંચે સાદે કહ્યું જે, 'મા! આપણે ગાડું તેડવા મૂક્યું હતું તે બાપા આવ્યા છે. તમને 'જય સ્વામિનારાયણ' કરે છે.' આ વચન સાંભળતાં પોતે જાગ્રત થઈ કહેવા લાગ્યાં કે, 'કાનબાઈ! મને બેઠી કર.' એમ બોલતાં ખાટલામાં પરાણે બેઠાં થયાં ને પગે લાગી કહેવા મંડ્યા જે, 'ભાઈ! દયા કરી આવ્યા, મારા દેહનું હવે ફરી ગયું છે, તેથી કાંઈ ખબર રહેતી નથી; મારે તમને આ ટાણે એટલું કહેવું છે કે મને મહારાજની મૂર્તિ ન ભુલાય એવી દયા કરજો ને છેલ્લે ટાણે મારી સંભાળ લેજો.' ત્યારે બાપાશ્રી કહે, 'બાઈ! તમે એવા ઉચાટ ન કરો, તમારા ઉપર મહારાજ અને મોટા મોટાનો રાજીપો ઘણો છે; કેમ કે તમે સત્સંગની સેવા બહુ કરી છે, કેટલાયને વર્તમાન ઘરાવ્યા છે, પાણી છાંટી મોક્ષનાં વરદાન દીધાં છે.' એમ કહી ભલામણ કરી જે, 'આ ટાણે તો મહારાજની મૂર્તિમાં જોડાઈ જવું, આ લોકમાં જાણે કાંઈ છે જ નહિ, એક મહારાજ ને તેમના મુક્ત એ બે જ છે, જે અક્ષરધામમાં તેજોમય મૂર્તિ છે તે જ અહીં દર્શન આપે છે ને પોતાને સંકલ્પે તેજ, ઐશ્વર્ય, સામર્થ્ય વગેરે છુપાવી રાખ્યું છે તે આપણા સુખને અર્થે છે.' એમ કહી મંદિરમાં પઘાર્યા. વળી રાત્રે આરતી પછી ઠાકોરજીને જમાડવા આવ્યા ત્યારે પણ મહિમાની વાતો કરી. વળી કથાપ્રસંગે વાતો કરતા હરિભક્તોને જણાવી દીધું કે, 'અહીં આવા મોટા મુક્ત બેઠા છે તે તમારા ગામનાં બહુ મોટાં ભાગ્ય છે, માટે ટાણે ટાણે રાજી કરી લેજો, હવે એ મહેમાન છે. આવડી મોટી અવસ્થાએ હવે કેટલું રહેશે?' આવાં વચનથી દેવરાજભાઈ આદિ સહુને એમ થયું જે, 'બાપાશ્રીએ મર્મમાં કહ્યું છે, માટે હવે ધનબા ઘણું રહેશે નહિ.'

બાપાશ્રી તો સવારમાં નિત્યવિધિ કરી ગાડું જોડાવી ચાલવા તૈયાર થયા, પણ કાનબાઈ આદિ બાઈઓએ ઉતાવળા થાળ કરી, ઠાકોરજીને જમાડી જવા આગ્રહ કર્યો ને કહ્યું જે, 'જમ્યા વિના ન જવાય, પછી સુખેથી જજો.' આવી તેમની તાણ જોઈ બાપાશ્રીએ ઠાકોરજી જમાડ્યા; પછી જવા માટે તૈયાર થયા. ત્યારે વળી મુક્તરાજ ધનબા પાસે જઈને કહેવા લાગ્યા જે, 'હું હવે જાઉં છું. તમે મહારાજને સંભાર્યા કરજો; આ તો અવસ્થાનો મંદવાડ છે, તાવને લીધે અશક્તિ થઈ ગઈ છે, તે મહારાજ સારું કરી દેશે,' -એમ કહી સૌ બાઈઓને 'જય સ્વામિનારાયણ' કરી સેવા કરવાની ભલામણ કરતા પાછા વૃષપુર આવ્યા.