૬૬૮ - ધનજીભાઈને છેલ્લો મંદવાડ

0:000:00

એ વખતે નારાયણપુરમાં ધનજીભાઈને શરીરે પાછો મહા મહિનાથી તાવ આવવો શરૂ થયો તેથી ઘરના સહુ તેમને ઉકાળા પાય, અજમો ભરે, તાપશેક કરે, ચાંપે, ચોળે, પણ તાવ ઊતરે નહીં; પછી એક વખત બાપાશ્રી તેમને દર્શન દેવા ગયા ત્યારે તે તાવમાં ને તાવમાં ઊભા થઈ ભેટી પડ્યા ને કહે, ‘બાપા! મને હજી આ દેહમાં ક્યાં સુધી રાખવાનો આપનો વિચાર છે? મારે હવે આ લોકમાં રહેવાની જરાય ઇચ્છા નથી, તો દયા કરી મૂર્તિના સુખમાં મૂકી દ્યો તો ઠીક.’ બાપાશ્રી કહે, ‘ધનજી બચ્ચા! તું આમ વારે વારે ઉદાસ કેમ થઈ જાય છે? જેમ મહારાજની મરજી હશે તેમ થતું હશે, તું કાંઈ ચિંતા રાખીશ નહિ, મહારાજ બધુંય ઠીક કરી દેશે.’ પછી તેમના દીકરાઓને તથા ઘરમાં સૌને કહ્યું જે, ‘ તમે હવે આમની સેવાનો ખટકો રાખજો અને પાસે બેસી કથાવાર્તા કર્યા કરજો.’ એમ કહી પોતે વૃષપુર પધાર્યા. પછી તો રામજીભાઈ, લાલજીભાઈ તથા હરજીભાઈ એ ત્રણે દીકરાઓએ બાપાશ્રીની આજ્ઞા પ્રમાણે તેમની પાસે ‘વચનામૃત’ ની કથા કરવા માંડી; એ વખતે રામપુરથી દેવરાજભાઈ આવેલા તે પણ તેમની પાસે મહારાજના મહિમાની વાતો કરતા અને બીજા પણ જે જે હરિભક્તો આવતા, તે કથા સાંભળતા ને કાંઈ સેવા હોય તે કરતા. આ રીતે ધનજીભાઈ પાસે તો રાત્રિદિવસ કથાવાર્તા વિના બીજી વાત થતી નહિ, તેમ પોતે આ લોકમાંથી પાછી વૃત્તિ વાળી દીધી હોવાથી એ પણ ઘરનું કે સગાંવહાલાંનું કાંઈ પૂછતા જ નહિ. વચમાં ચારપાંચ દિવસે બાપાશ્રી તેમને દર્શન દેવા આવતા ત્યારે તેમની પાસે કથાવાર્તા થતી જોઈ સૌના પર બહુ રાજી થતા. એમ કરતાં વચનામૃતની કથા પૂરી થઈ; પછી ‘ભક્તચિંતામણિ’ તથા ‘પુરુષોત્તમપ્રકાશ’ની કથા વાંચવા માંડી. આ બધું પોતે સૂતા સૂતા સાંભળ્યા કરે ને આનંદ પામે, પણ મંદવાડ તો જરાય ઓછો થાય નહી, તેથી શરીરમાં સાવ અશક્તિ આવી ગઈ. આમ ઘણા દિવસ વીત્યા પછી ફાગણ માસમાં તો વારે વારે એમ થાય જે, હમણાં દેહ પડી જશે, પણ બાપાશ્રી દર્શન દેવા આવે ત્યારે પાછી નિરાંત થઈ જાય. ધનજીભાઈ તો જ્યારે જ્યારે બાપાશ્રી આવે ત્યારે એ જ પ્રાર્થના કરે કે, ‘બાપા! હવે મારી ફેરબદલી કરશો મા, હવે તો મને મહારાજના સુખમાં મેલી દેજો.’ ત્યારે બાપાશ્રી કહે જે, ‘મહારાજ બધુંય જાણે છે, તેથી જેમ એમને ગમશે તેમ કરશે, આપણે તો મૂર્તિમાં જ જોડાઈ જવું, બીજો સંકલ્પ ન કરવો.’ એમ કહે ને ઘરમાં સહુને ધીરજ આપે, કોઈ વાર પોતાને હાથે તેમણે દૂધ પાય અથવા કાંજી કે ખીચડી જમાડે.