૬૮૬ - હરજીભાઈને દર્શન કરાવવાની આજ્ઞા
થોડી વારે ડૉક્ટર નાગરદાસભાઈ તથા મણિલાલભાઈને પાસે બોલાવીને પોતે કહેવા લાગ્યા જે, ‘તમે નારાયણપુરમાં હરજીને જોવા જાઓ છો તે હવે કેમ છે?’ ત્યારે તે કહે, ‘બાપા! મંદવાડ વધતો છે, અને મંદવાડ જોતાં તો અમને એમ જણાય છે જે, એનો દેહ ન રહે. ઔષધ આપીએ છીએ પણ કાંઈ લાગુ થતું નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ બિચારાને હેત બહુ છે, તેથી એ સૂતો સૂતો મહારાજ તથા સંતોને સંભાર્યા કરે છે. એને એમ છે જે, હું સાજો થઈ જાઉં તો યજ્ઞમાં જઈને સૌનાં દર્શન કરું. તમે કહો છો પણ એનો દેહ નહીં પડે. બાકી આકરો તાવ છે ને કાંઈ ખવાતું નથી એટલે શરીર સાવ લેવાઈ ગયું છે, તેથી તુરતમાં શક્તિ ન આવે, પણ એને તમો હિંમત દેજો ને એના ભાઈઓને કહેજો જે, તેને માંચીમાં બેસારી અહીં મહારાજનાં તથા સંત-હરિભક્તોનાં દર્શન કરાવી જાય.’ પછી ડૉક્ટર નાગરદાસભાઈ કહે, ‘બાપા! આપ જો ધારો તો એને જરા વારમાં ઠીક થઈ જય ને શક્તિ પણ આવે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ તો જેમ મહારાજને ગમતું હશે તેમ કરતા હશે, પણ તમે તો હું કહું છું તેમ રામજી તથા લાલજીને કહેજો.’
પછી બીજે દિવસ બપોરના ડૉક્ટર નાગરદાસભાઈ નારાયણપુર ગયા, ત્યારે તેમના ભાઈઓને બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે કહેવાથી તેમને માંચીમાં બેસારી દર્શન કરાવવા લાવ્યા. તે વખતે બાપાશ્રીએ તેમના પર હાથ ફેરવી બહુ જ હેત જણાવ્યું અને તેમણે પણ આખો દિવસ સંત-હરિભક્તોના દર્શનનો લાભ લીધો.
એક દિવસ સવારે કથા ચાલતી થઈ ત્યારે બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને ચંદન ચર્ચતાં કહ્યું જે, ‘પુરાણી મહારાજ! તમે તો ભારે કામ કરી લીધું, તમે મૂર્તિમાં રહ્યા થકા કથા કરો છો, તેથી મહારાજ તથા સંત-હરિભક્તો સર્વે ઘણા રાજી થાય છે, આ સભામાં મધ્યસ્થ મહારાજ તેજોમય બિરાજે છે ને એ મૂર્તિને ફરતા અનંતમુક્ત બેઠા છે, અનાદિ તો રસબસભાવે સુખ લીધા જ કરે છે, સર્વે તેજોમય છે, તેજ ઝળળ ઝળળ થાય છે, જેને એવો અલૌકિક ભાવ આવે તે તો દીવાના (મસ્તાના) થઈ જાય. ક્યાં અનંતકોટિ બ્રહ્માંડના પતિ! ને ક્યાં પામર જેવા જીવ! આ તો ન બનવાની વાત બની ગઈ છે,’ –એમ કહી સભામાં બેઠા.
પછી બપોરની સભામાં સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી, એ બન્ને ધ્યાને યુક્ત બેઠા હતા ત્યારે સંતો સામું જોઈને બાપાશ્રીએ કહ્યું જે, ‘આ અમારા મોટા સંત જુઓને! મૂર્તિમાં સદાય ગુલતાન રહે છે, તમો સર્વે આવા થજો, મૂર્તિ વિના બીજે અક્ષરકોટિ આદિમાં ક્યાંય ભાગલાગ રાખવો નહિ, આપણે એ એક જ કામ કરવા આવ્યા છીએ, કેટલાકને વ્યવહારમાં ડહાપણ ઘણું હોય, તેથી મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે તો તે શું કમાણા? આપણે તો પુરુષોત્તમનારાયણના થયા છીએ, માટે એ મૂર્તિનો સદાય કેફ રાખવો.’ તે વખતે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી જરા છેટે ઊભા હતા, તેમને બોલાવીને કહ્યું જે, ‘આવો સ્વામી! આ ફેરે સંત-હરિભક્તોને ખૂબ સુખિયા કરજો, આ બધાય હરિભક્તો દરિયા ઊતરી ઊતરીને તમને રાજી કરવા આવ્યા છે.’ ત્યારે સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહે, ‘બાપા! ચમકરૂપ તો આપ છો, અમે તો તમારા વાંસે છીએ.’ તે વખતે બાપાશ્રી, સદ્ગુરુ મહાનુભાવાનંદ સ્વામીનાં ઐશ્વર્ય-પ્રતાપ ને મહિમાની વાત કરતાં બોલ્યા જે, ‘આ સભા દિવ્ય, તેજોમય ને નિર્ગુણ છે ને અતિ અલૌકિક છે, આ સભાના સંકલ્પ ચાલે છે, આ ટાણે કંઈક ન્યાલ થાય છે, આવા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી જાણવી, સભામાં સંતો બેસે છે તે જાણે સૂર્યમુખી કમળનાં વન ખીલ્યાં હોયને શું? તેમ મૂર્તિ સન્મુખ સહુની નજર હોય છે, આવા મોટા સદ્ગુરુઓ આગળ બેઠા હોય તેથી આ દિવ્ય સભા ચમત્કારી લાગે છે ને શ્રીજીમહારાજ સર્વને અમૃતનજરે હેરે છે.’
રાત્રે સભાપ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, ‘જીવને માયાના ફેર બહુ ચડી ગયા છે, તેથી જેમ મહારાજ કહે છે તેમ સમજાતું નથી. કેટલાક તો મહારાજને બીજા અવતાર જેવા સમજી બેઠા છે ને કેટલાક અક્ષરાદિકમાં જ અટકી રહે છે, પણ મહારાજ વિના બીજું બધુંય કાર્ય છે, કારણ વિના આત્યંતિક મોક્ષ ન થાય, આ તો અતિ અગમ વાત, તે મહારાજ તથા મોટાએ સુગમ કરી દીધી છે, તેથી કલ્યાણ સોંઘું થયું છે. અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય, પણ તે વિના ન થાય, સાધને કરીને કેટલુંક થાય? મૂર્તિમાં તો મહારાજ કેવળ કૃપાએ કરીને રાખે છે, માટે મહાપ્રભુના અનન્ય આશ્રિતને એ મૂર્તિના બળની ખુમારી રાખવી.’