૪૮૪ - નાતના આગેવાનો પાસે પોતાનો અભિપ્રાય

0:000:00

ત્યાર પછી એક દિવસ બાપાશ્રીએ નાતના આગેવાન પટેલીઆઓને ગામોગામથી વૃષપુર બોલાવ્યા. તે બધા ગામના મળીને અઢીસો જેટલા હરિભક્તો આવ્યા ને ગામના હરિભક્તો પણ એકસો જેટલા ભેળા થઈ ગયા, તેથી આખું મંદિર ભરાઈ ગયું. સહુ ઠાકોરજીનાં તથા બાપાશ્રીનાં દર્શન કરીને બેઠા, તે વખતે બાપાશ્રી પણ ઠાકોરજીના સિંહાસન પાસે સહુના સન્મુખ બેઠા હતા; ત્યાં પ્રથમ દેવરાજભાઈએ શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના મહિમાની અને યજ્ઞ કરવા સંબંધી થોડી વાતો કરી.

પછી બાપાશ્રી બોલ્યા જે, ‘શ્રીજીમહારાજ વર્તમાનકાળે અક્ષરધામમાંથી પોતાની દિવ્ય સભા લઈને પધાર્યા છે ને આ બ્રહ્માંડમાં મોક્ષનું સદાવ્રત ચલાવ્યું છે, તે સત્સંગમાં આપણે બધાય જાણીએ છીએ, પણ જેને જેટલી સમજણ ને મહિમા તેને તેટલું સુખ. આ ટાણે મેં તમને એટલા સારુ બોલાવ્યા છે કે, આપણે છત્રીએ હનુમાનજી પધરાવવા છે તે નિમિત્તે મોટો યજ્ઞ કરવો છે. આ વાત તો ઘણા દિવસ થયાં થાય છે, પણ કોઈ કોઈ ઠેકાણેથી આગળપાછળ કોઈ એમ બોલતા સંભળાય છે કે, આવાં મોટાં કામ વૃષપુરમાં થાય ત્યારે પહેલાં નાતને તેડાવીને પૂછવું જોઈએ! આટલા સારુ મેં તમને બધાયને તેડાવ્યા છે, તે તમે રાજી થઈને હા પાડો. સારંગપુરમાં જીવાખાચર ઉપર મહારાજ રાજી થયા ને કહ્યું જે, ‘માગો,’ ત્યારે તેમણે એમ કહ્યું જે, ‘મહારાજ! અમારા ગામમાં જે કોઈ મરે તેને તમે ધામમાં લઈ જજો. પછી કોઈકે કહ્યું જે, ‘તમને માગતાં ન આવડ્યું. કોઈ સીમમાં કે બીજે મરશે તેનું શું થશે?’ ત્યારે તેણે ફરી વાર માગ્યું જે, ‘મહારાજ! સીમમાં કે બીજે મરે તોય કલ્યાણ કરજો.’ ત્યારે મહારાજે હા પડી, પણ અમારો સંકલ્પ તો એવો છે કે, આ બ્રહ્માંડમાં જેટલા જીવ-પ્રાણીમાત્ર છે, તે સૌને શ્રીજીમહારાજ અક્ષરધામમાં લઈ જઈને પોતાની દિવ્ય મૂર્તિનું સુખ આપે. આ ટાણે મહારાજ અનેક જીવનાં કલ્યાણ કરે છે, પણ કેટલાક આવી વાત જાણી શકતા નથી; એટલે સંકલ્પ કરે છે.’ એમ કહીને દહીંસરાના ખીમજીભાઈ પાસે પોતે છપૈયે ગયા ત્યારે દેવો દર્શન કરવા આવ્યા હતા તે વાત કરાવી; પછી પોતે લેખ તૈયાર કરાવેલ હતો, તે પણ સૌને વંચાવ્યો. એટલામાં તો સર્વે હરિભક્તો સ્થિર થઈ ગયા; પછી ફરી વાર બાપાશ્રી બોલ્યા જે, ‘અમારે આવા યજ્ઞ કરીને આ લોકની મોટાઈ વધારવી કે બીજો કાંઈ ઠરાવ નથી, પણ જીવોના મોક્ષ કેમ થાય એ એક જ સંકલ્પ છે. કેટલાકને એમ લાગતું હશે કે, બાપા અમારી નાતના છે, પણ અમારે આ લોકમાં નાત કે સગાસબંધી એવું કાંઈ નથી; અમે તો સ્વામિનારાયણ ભગવાનના મુક્તાવતાર છીએ ને મહારાજને રાજી કરવા આ બધું કરીએ છીએ; માટે જેને મોક્ષ જોઈતો હોય તે જમવાની હા પાડો! પણ જેને વર્તમાનમાં ફેર હોય કે કોઈ સત્સંગ બહાર હોય અથવા એવાનો જે પક્ષ રાખતા હોય એટલાને મૂકીને આવવું પડશે.’ આ વાત સાંભળી સૌએ કહેવા માંડ્યું જે, ‘બાપા! ભલે યજ્ઞ કરો, સહુ રાજી છે ને બધાય આવશે અને જે કામ બતાવશો તે સેવામાં પણ હાજર ઊભા રહેશે.’ -એમ કહી ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી, તેથી બાપાશ્રી નાત-પટેલીઆઓ ઉપર ઘણા રાજી થયા ને પંક્તિ કરી સૌને જમાડ્યા. પછી થોડી વાર વિશ્રાંતિ કરી મોડેથી સહુ જવા લાગ્યા, ત્યારે પણ બધાયને મળીને ઘણી પ્રસન્નતા જણાવી.