૬૬૬ - પુરાણી કેશવપ્રિયદાસજી પર પ્રસન્નતા
ત્યાર પછી થોડા દિવસ પુરાણી કેશવપ્રિયદાસજી ભૂજ ગયા હતા અને માગશર માસમાં ભૂજથી ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ હરિભક્તો દર્શન કરવા આવ્યા, તે સર્વેને બાપાશ્રી બહુ હેત જણાવી મળ્યા ને પાણી મગાવીને એ સૌને પાયું. પછી કામ કરનારા હરિભક્તો પાસે ખુરશી પડેલી હતી, ત્યાં એ સહુની સાથે પોતે આવીને બેઠા ને વાત કરવા લાગ્યા જે, ‘ભોગીલાલભાઈ! અહીંના નાનામોટા સર્વે હરિભક્તોને મંદિરના કામમાં સેવા કરવાની તાણ સારી છે. વાડીઓનાં કામકાજ મેલીને બહુ દાખડા કર્યા કરે છે. જુઓને! આગળ પણ મોટા મોટા સદ્ગુરુઓએ તથા હરિભક્તોએ મહેનત કરી કરીને આવાં મંદિર તૈયાર કરી દીધાં છે, તેથી આપણને હવે કાંઈ કરવું રહ્યું નથી. એમના દાખડા સહુ જબરા. ગામોગામ નાનાંમોટાં મંદિરો કર્યાં, મોટાં મોટાં ધામ બાંધ્યાં, દિવ્ય શાસ્ત્રો કર્યાં. એવી શ્રીજીમહારાજે તથા મોટા મુક્તોએ જીવો પર બહુ દયા કરી છે. હવે તો એ મૂર્તિને મુખ્ય રાખીને પોતાનું પૂરું કરી લેવું એટલું કરવાનું છે.’ એમ વાત કરતા હતા, ત્યાં પૂરાણી કેશવપ્રિયદાસજી આદિ સંતો આવ્યા. તેમણે બાપાશ્રીને દંડવત્ કર્યા ત્યારે પોતે બેઠા થઈને મળ્યા ને બહુ હેત જણાવ્યું. પછી પુરાણી મંદિરમાં ગયા ત્યારે બાપાશ્રી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહેવા લાગ્યા જે, ‘આ પુરાણી શ્રીજીમહારાજને સુખે સુખિયા છે અને હરિભક્તોને પણ કથાવાર્તાએ કરીને સુખિયા કરે છે. થોડા દિવસ ભૂજ જઈ આવે, વળી અમારી પાસે આવીને રહે; કથા ટાણે કથા કરે, ને સેવા ટાણે સેવા કરે, જ્યારે નવરા થાય ત્યારે મૂર્તિમાં જોડાઈ જાય, એમના સાધુ શ્રીરંગદાસજી પણ એ જેવા જ શાંત છે,’ –એમ તેમના પર રાજીપો જણાવ્યો. પછી ઘણી વાર મહિમાની વાતો કરી, ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘બાપા! આપે અમને પોતાના જાણ્યા છે, તેમ સદાય કૃપાદૃષ્ટિ રાખજો.’ તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજી ઠાકોરજીનાં દર્શન કરીને આવ્યા, અને પગે લાગીને પાસે બેઠા, ત્યારે પોતે તેમના માથા પર બેય હાથ મૂકીને ભોગીલાલભાઈ વગેરેને કહેવા લાગ્યા જે, ‘તમે આવા સાધુને સેવજો. આ સાધુ ખરેખરા છે, કારણમૂર્તિને વળગી પડ્યા છે, બ્રહ્મચારી નિર્ગુણાનંદજી જેવા જ નિર્ગુણ છે, આમને મારું-તારું નથી, હર્ષશોક નથી, તેમ કોઈ પ્રકારનું મમત્વ નથી, અમારા સારુ એ અમદાવાદથી અહીં આવી ને બેઠા છે, અમે પણ આવા સાધુને અખંડ સંભારીએ છીએ.’ પછી ભોગીલાલભાઈએ રાજી થઈને કહ્યું જે, ‘બાપા! તમે કહો છો એવા જ આ સંત છે, આવા સાધુનાં દર્શને કલ્યાણ થઈ જાય.’ એ રીતે પ્રસન્નતા જણાવતા તેઓ જ્યારે ભૂજ જવા તૈયાર થયા ત્યારે બાપાશ્રી ઊભા થઈને તેમને મળ્યા ને કહ્યું જે, ‘આ મેડીનું કામ પૂરું થશે એટલે આપણે એક મોટો યજ્ઞ કરવો છે એમ અમે સદ્ગુરુઓને કહ્યું છે, તે ચૈત્ર માસમાં જરૂર કરશું,’ ત્યારે ભોગીલાલભાઈ કહે, ‘બાપા! આપ તો સદાય એ જ કરો છો અને એવો સંકલ્પ કરશો તો તે પણ થશે.’ પછી તે બન્ને ત્યાંથી ભૂજ ગયા.