૪૫૧ - સંતોની વિદાયગીરી
આમ અનેક પ્રકારે સંત-હરિભક્તોને રાજી કરતા બાપાશ્રીએ સંતોને પોતાની પાસે થોડા દિવસ રાખી ઘણું સુખ આપ્યું. પછી એકાદશીને દિવસે સંતોની સાથે બપોરના પોતે વાડીએ નાહવા ગયા, ત્યાં નાહી, માનસીપૂજા કરીને પ્રસન્ન થકા બોલવા લાગ્યા જે, ‘સંતો! આવી દિવ્ય સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદ મંદ હસે છે ને દિવ્ય પ્રસાદી આપે છે તથા સૌને અમૃતનજરે જુએ છે. જો એટલું સમજાય તો કામ થઈ જાય,’ –એમ વાતો કરતા ઊઠીને સૌને મળ્યા ને કહ્યું જે, ‘તમે હવે કાલે જવાનું કરો’ ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘ભલે, અમે તો આપના વચનમાં ને રાજીપામાં સુખ માન્યું છે.’ પછી પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! તમે આજે છેલ્લી સભામાં હરિભક્તોને કહી દેજો, એટલે કેટલીક વાર હરિભક્તો દર્શન વિના રહી જાય છે તે રહી ન જાય ને ગાડાં પણ તૈયાર કરે.’ આ વચનથી સ્વામીશ્રીએ સભાપ્રસંગે, સંતોને કાલે ચાલવાનું છે તેમ જણાવી દીધું. પછી બીજે દિવસ સવારમાં વહેલા થાળ તૈયાર કરી સૌએ ઠાકોરજીને જમાડી લીધા. ત્યાં તો ગાડાં આવ્યાં, એટલે સંતોને ઉતાવળ કરાવી હરિભક્તોએ સહિત બાપાશ્રી તેમને વળાવવા ચાલ્યા, તે બળધેશ્વર મહાદેવના મંદિર સુધી વાતો કરતા કરતા ભેળા ગયા. પછી ગાડાં ઊભાં રખાવી સંતોને મળીને ઘણી પ્રસન્નતા જણાવી દેશમાં જવાની રજા આપી.