૬૫૨ - વીરજીને મહારાજ સાથે બાપાશ્રીનાં દર્શન

0:000:00

એ વખતે સુખપુરના કરસનભક્ત ધમડકેથી દર્શન કરવા આવ્યા, તેણે એક પાંચીઓ બાપાશ્રીના હાથમાં આપીને કહ્યું જે, 'બાપા! આ પાંચીઓ ખીમા કુંભારે તમને આપ્યો છે.' ત્યારે પોતે અજાણ્યા થઈને પૂછવા લાગ્યા જે, 'એ ખીમો કોણ?' ત્યારે તે કરસનભક્ત કહે, 'બાપા! તમે બે મહિના પેહલાં એ ખીમાના દીકરા વીરજીને મહારાજ સાથે સોનાના રથમાં બેસીને તેડવા આવ્યા હતા, તે વખતે એ છોકરો એમ બોલ્યો જે, મહારાજ અને બાપા આ રથમાં બેઠા છે ને મને કહે છે કે, ચાલ! અમે તને અમારા ધામમાં લઈ જઈએ, અહીં તો ગધેડાં ચારવાં પડશે અને અક્ષરધામમાં તો બહુ સુખ છે. પછી તેના બાપે કહ્યું કે, તું કહે છે પણ મહારાજ ને બાપા ક્યાં છે? ત્યારે તે છોકરો કહે, આ ઊભા, દેખો ને! ત્યાં તો તેના બાપ ખીમાને પણ એવાં જ દર્શન થયાં, તેથી તેણે રાજી થઈને રથમાં એક પાંચીઓ નાખ્યો, પણ તે રથમાં ન પડતાં પૃથ્વી પર પડ્યો, એટલામાં તો મહારાજ ને તમે એ છોકરાને તેડી ગયા. એ પાંચીઓ તેણે રાખી મૂક્યો હતો, તે હું અહીં દર્શને આવતો હતો તેથી આપને આપવા માટે મને આપ્યો.' પછી તો પોતે રાજી થઈને બોલ્યા જે, 'કરસન! તું જ્યારે પાછો ત્યાં જા ત્યારે એ ખીમા કુંભારને કહેજે કે, તારા છોકરા વીરાને અમે મહારાજની મૂર્તિને સુખે સુખિયો કર્યો છે ને અનાદિ મુક્તની પંક્તિમાં રાખ્યો છે.' આ વાત સાંભળી સંત-હરિભક્તો બહુ રાજી થયા.