૧૩૩ - કુહાડો આપતાં ચમત્કાર
એક દિવસ વૃષપુરમાં ભાઈશ્રી પોતાની લખાઈવાડીમાં બેઠા હતા, ત્યાં તેમના ભત્રીજા દર્શન કરવા આવ્યા ને ‘જય શ્રીસ્વામિનારાયણ’ કહી બેઠા. ત્યારે પોતે પ્રસન્ન થકા વાત કરવા લાગ્યા જે, ‘ગોવિંદ, મોટા સંત કહે છે કે, મૂર્તિ વિના ઘડીએ રહેવું નહિ ને શ્રીજીમહારાજને સર્વોપરી સમજવા; એ વાતનો આપણે ઘણો ખટકો રાખવો. આ લોકમાં વ્યવહાર તો કરવો પડે, પણ મહારાજને ભેળાં રાખીને કરવો. મહારાજ જરાય છેટા નથી. દિવ્ય દૃષ્ટી થાય તો આ રહ્યા! આપણે જોયા જેવું તો એક મહારાજનું રૂપ છે.’ એમ વાત કરતા કરતા સૂઈ ગયા. પછી તે ગોવિંદ ભક્તે જાણ્યું જે, ‘આજ તો મારા પર બાપાશ્રીએ રાજીપો ઘણો બતાવ્યો.’ એમ વિચાર કરતાં થોડી વાર પછી આ મુક્તરાજને પોઢ્યા જાણી એ વાડીમાં આંટો દેવા ગયા. ત્યારે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીના દીકરા તથા દીકરીઓ પરસ્પર વાતો કરતાં હતાં જે, ‘આ કૂવા પર વડનું ડાળ આડું બહુ આવે છે, તે કાપી નાખ્યા જેવું છે.’ ગોવિંદભક્તે એ વાત સાંભળી, પણ કાંઈ બોલ્યા નહિ. એ ટાણે ભાઈશ્રી નાહવા ઊઠયા, તે જોઈ પોતે તેમને નવરાવવા ઉતાવળા આવ્યા ને કૂવામાંથી લોટો કાઢી દીધો, એટલે ભાઈશ્રી શૌચ જઈ આવ્યા, પછી પાણી કાઢી નવરાવતા હતા ત્યારે કૂવા પરની ડાળ સામું જોઈ કહ્યું, ‘ગોવિંદ! આ આડું આવે છે ને માંહી પંખી બેસી ગંદવાડ કરે છે. આંહી કુહાડો પડ્યો છે, તે જોને. આ ડાળ તારાથી કપાશે?’ ત્યારે તે કહે, ‘હા બાપા!’ એમ કહી તે તો કુહાડો લેતાં જ વડ ઉપર ચડી ગયા ને આ સેવાથી મારા પર બાપાશ્રીનો વધુ રાજીપો થશે એમ જાણી ડાળ કાપવા લાગ્યા. ભાઈશ્રી તો ઉઘાડે શરીરે ખાટલા પર બેઠા બેઠા એ જોતા હતા. થોડી વારે કાપતાં કાપતાં કુહાડો ઢીલો હશે, તેથી હાથામાંથી નીકળી કૂવામાં પડ્યો. ત્યાં તો આ મુક્તરાજે છેટે બેઠાં લાંબો હાથ કરી કૂવામાંથી લઈને તે કુહાડો પોતાના ભત્રીજાને વડ ઉપર આપ્યો, એ જોઈ તે તો આશ્ચર્ય પામતાં જોઈ જ રહ્યા કે, આમ કઈ રીતે કર્યું? પછી તે કુહાડામાં હાથો ઘાલી ડાળ કાપી નાખ્યું ને વડથી હેઠે ઊતરી ભાઈશ્રી દંડવત્ કર્યા ને વિનયવચનોથી પ્રાર્થના કરતાં પોતાના પર રાજી રહેવા કહ્યું. પછી તેમણે વાડીમાં તથા ગામમાં હેતવાળા સૌને આ વાત કરી.