૫૬૫ - સંતોને રાજી કરવાનો આગ્રહ

0:000:00

બીજે દિવસે સ્વામીશ્રી આદિ સંતો ભૂજથી નીકળી ગામડાંમાં બબ્બે દિવસ રહી ઉતાવળા વૃષપુર આવ્યા ત્યારે પોતે પણ અતિ હેત જણાવી એ દિવ્ય મુક્તમંડળને રાજી કરવા લાગ્યા. સદ્‍ગુરુઓ આવવાથી નારાયણપુર, કેરા, દહીંસરા વગેરે ગામોમાંથી રોજ હરિભક્તો ફૂલના હાર તથા ચંદન ઘસીને લાવે તેની પૂજાઓ થાય. ગામના હરિભક્તો વારાફરતી રસોઈઓ કરાવે. સવારમાં વહેલા બાપાશ્રી નાહી, પૂજા કરી સંતોને મળે, પછી કથાવાર્તા ચાલે, થાળ થાય એટલે ઠાકોરજીને જમાડી બપોરના સહુ વાડીએ જાય, ત્યાં બાપાશ્રી ખાટલા પર ઉઘાડે શરીરે સૂતા હોય, તે સંતો ને જુએ એટલે બેઠા થઈ જાય, હેત જણાવી મળે. તે વખતે સંતો ચંદન ઘસીને સાથે લાવ્યા હોય તેની પૂજાઓ કરે. ક્યારેક બાપાશ્રી બહુ ગરમી જણાવી માથે ભીનું લૂગડું ઓઢી સૂતા હોય ને સંતો પાસે બબ્બે કલાક કીર્તન બોલાવે. કોઈ વાર ગામડાના હરિભક્તો આવ્યા હોય તો તે બોલે. નાહ્ય ત્યારે હરિભક્તો કૂવામાંથી ઘણું પાણી કાઢી સારી રીતે નવરાવે તોય ના ન પાડે ને કહે જે, ‘ગરમી ઘણી થાય છે તેથી પાણી ઠીક લાગે છે.’ પછી હરિભક્તો ચીભડાં, તરબૂચ કે કેરીઓ લાવ્યા હોય તે મહારાજને જમાડી સહુને પ્રસાદી વહેંચે.