૬૬૧ - મંદિરની મેડી કરવાનું કામ ચાલતું થયું
સંતમંડળ ગુજરાતમાં ગયા પછી વૃષપુરના મંદિરની મેડી કરવાનું કામ ચાલતું થયું, ત્યારે ભૂજના સાધુ શ્રીવલ્લભદાસજી, શ્રીરંગદાસજી, કૃષ્ણકેશવદાસજી આદિ સંતમંડળ થોડા દિવસ એ કામ કરાવવા ત્યાં રહ્યા હતા, તેમણે અને ગામના હરિભક્તોએ મળી કૂવા પાસેની ત્રણ ઓરડીઓ તથા ગણપતિ, હનુમાનજી હતા તે દરવાજાની ચાલીથી ઉગમણા ઓરડામાં બહારગામના હરિભક્તોને ઉતારો અપાતો તે સર્વે પાડી, મેડીનો પાયો નાખીને કામ ચાલતું કર્યું. અને સંતોએ બાપાશ્રીનું આસન મંદિરની ઓશરીમાં આથમણે ખૂણે મોદ બાંધીને કરી આપેલું તેમાં રાત્રે પોતે સૂતા ને સંત-હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરી રાજી કરતા. પછી કામકાજ ચાલવા માંડ્યું ત્યારે બાપાશ્રી સહુને એમ ભલામણ કરતા જે, ‘મોટા મોટા સંતોએ મંદિરની સેવાનો મહિમા બહુ કહ્યો છે, અને આવી સેવામાં મહારાજનો ઘણો રાજીપો થાય છે, માટે સૌ બને તેટલો સેવાનો લાભ લેજો.’
આ રીતે બાપાશ્રી હરિભક્તોને ભલામણ કરતા હોવાથી સૌ ઉમંગભર્યા કામ કરતા. જ્યારે બપોરના સહુ ઠાકોરજીને જમાડી લે ત્યારે પોતે કામનું પૂછે, કોઈને હાર કે પ્રસાદી આપે, કોઈને વખાણે, તેથી હરિભક્તો એમ જાણે જે, ‘બાપાશ્રી અમારા પર બહુ રાજી થાય છે. સવારથી સાંજ સુધી કામ ચાલ્યા કરે, તેમાં કોઈ પાણી લાવે, તો કોઈ રેતી-ચૂનો લાવે, હરિભક્તો એક કોર પથ્થર ઘડતા હોય ત્યારે બીજી કોરથી ચોડાઈનું કામ ચાલતું હોય. એ વખતે સંતો પણ દેખરેક રાખી આમ કરો, તેમ કરો, આ આમ ઠીક થશે, અહીં બારણાં કે બારી મૂકો –એમ બતાવે. બાપાશ્રી તો એ સહુ પર કૃપાદૃષ્ટિ કરે. સાંજના ચારપાંચ વાગ્યા પછી બાપાશ્રી ચોકમાં કે ખાટલા પર બેસી હરિભક્તોને કામ કરતા જોઈ પ્રસન્નતા જણાવે. સભામાં સંતો કથાવાર્તા કરતા હોય ત્યારે પોતે મહિમાની વાતો કરે. રાત્રે ઓશરીમાં હરિભક્તો પાસે વાતો કરતાં કરતાં ત્યાં જ પાથર્યા વિના સૂઈ રહે. સવારમાં વહેલા જાગી નિત્યવિધિ કરે. એ ટાણે કથા વંચાય ત્યારે પોતે વચમાં બેઠા હોય. બપોરે સંતો ઠાકોરજીને જમાડી લે, ત્યાર પછી પોતે ઘેર જમવા જાય, તે થોડી વારમાં જ પાછા આવે. આ રીતે કથાવાર્તા તથા મેડીનું કામકાજ ચાલ્યા કરતું.