૪૦૨ - મિલકતની વ્યવસ્થા અને છેલ્લી ભલામણ
બાપાશ્રીએ તો આ સહુથી પોતાનો ઠરાવ જુદો જ કરી રાખેલ હોવાથી પાધરા જ ધનજીભાઈ, દેવરાજભાઈ, પોતાના પુત્રો અને સોની મોતીભાઈ વગેરેને પાસે બોલાવી કહેવા માંડ્યું જે, ‘મારે તમને એક વાત કરવી છે, તે પ્રમાણે તમે સૌ રાજી થઈને કરજો. મારે હવે આ લોકમાં ઝાઝું રહેવાનું નથી, એવી મહારાજની મરજી જણાય છે, તેથી તમારે કોઈને પાછળથી ઉદ્વેગ કરવો નહિ ને બેય દેશનાં મોટાં મોટાં મંદિરોમાં રસોઈઓ આપવી તથા ભૂજમાં ઠાકોરજીની આટલી સેવા કરવી. મારી વાંસે એક મોટી પારાયણ બેસારવી, તેમ સાંખ્યયોગી વાલબા, રાધાબાને આટલી કોરીઓ આપવાની ઉપરાંત બેય ભાઈ તથા તેમના પુત્રોને જેમ ઘટે તેમ આપવા સારુ ઘટતી રીતે ઘર ને વાડીઓની કેવી રીતે વહેંચણ કરવી વગેરે વિગત સાથે કોરી અઠ્ઠાવીસ હજારની વ્યવસ્થા કરવાનું સાક્ષીઓની સહી નાખી વિક્તિએ સહિત પાકું લખત કરાવ્યું; પછી પોતે સૌને ધર્મનિયમમાં ખબડદાર રહેવાનાં ભલામણ-વચનો કહ્યાં. આથી ઘરમાં કોઈની ધીરજ ન રહેતાં સહુ રુદન કરવા લાગ્યા. આ વાતની મંદિરમાં ખબર પડવાથી સ્વામીશ્રી આદિ સંતો પણ દિલગીર થઈ ગયા કે આપણને ઉતાવળથી તેડાવવાના કાગળ લખી, આવો વિયોગ કરવા ધાર્યું છે કે શું? એવા અનેક વિચારો આવવાથી સૌને ઘણો ઉદ્વેગ થયો, પણ શું કરે!
બાપાશ્રીએ પછી પોતાના પુત્રને મોકલી ગામધણી આયસબાવાને પોતાની પાસે બોલાવી, છેલ્લા ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને કહ્યું કે, ‘હવે આ અમારા દીકરાઓની વાડી, ઘોડી, ખેતર, ખળામાં ખબર રાખજો ને વગડામાં અમે પ્રસાદીની જગ્યાએ છત્રી કરાવી છે, તેની પણ તમારે નજર રાખવી.’ ત્યારે ગામધણીએ હાથ જોડી કહ્યું કે, ‘એ વાતની કાંઈ ફિકર રાખશો નહિ ને મારા પર રાજી રહેજો, મારાથી બનશે તેટલું કરીશ. તમે બહુ મોટા પુરુષ છો, તમને લઈને આ ગામની કીર્તિ બહુ વધી.’ એવાં વચનો કહી બાપાશ્રીને તેમણે રાજી કરી દીધા.