૩૨૯ - ચરણારવિંદ પ્રતિષ્ઠાની તૈયારી
હવે છત્રીનું કામ પૂરું થયા પછી એક દિવસ બાપાશ્રી, ધનજીભાઈ તથા ઝીણાભાઈને સાથે લઈ સંતો પાસે ભૂજ જઈ ચરણારવિંદની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવી તથા એ નિમિત્તે મોટો યજ્ઞ કરવાની વાત નક્કી કરી, એ બધું કામ સંતોને માથે રાખવાની ભલામણ કરી આવ્યા ને તેમના કહેવા પ્રમાણે પોતે ઘી, ગોળ, ઘઉં, દાળ, ચોખા વગેરે સામાન મગાવવાની ગામના આગેવાન હરિભક્તો મારફત ગોઠવણ કરી દીધી. પછી અમદાવાદ સદ્ગુરુ સ્વામી શ્રી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને લખી જણાવ્યું જે, ‘અમોએ અહીં ફાગણ માસમાં ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારવાનો વિચાર કર્યો છે, ને છત્રી વગેરે કામ તૈયાર થઈ ગયાં છે. આ કામ મહારાજના સંકલ્પથી મોટું કરવું છે ને દેશોદેશથી સંત-હરિભક્તોને કંકોત્રી લખી તેડાવવા છે, તેથી ચારસો મણ ઘી, છસો મણ ગોળ તથા તે પ્રમાણે ઘઉં, દાળ, ચોખા વગેરે સામાન હાલ મગાવ્યો છે. વધુ જોશે તો મહારાજ પૂરું કરશે, પણ તમે હવે વસંતપંચમીએ મૂળીનો સમૈયો કરી જેમ બને તેમ અહીં વહેલા આવી જજો, ને આ વાત હેતવાળા સંત-હરિભક્તોને જણાવી દેજો.’ ભૂજના સંતો સાથે વાતચીત કરી બધું કામ નક્કી કર્યું છે, તેથી આમાં હવે કાંઈ ફેરફાર થવાનો નથી. ફાગણ વદ ૧૧થી ચૈત્ર સુદ ૩ સુધી પારાયણ વંચાશે ને તે દિવસે ચરણારવિંદની પ્રતિષ્ઠા થશે. આવા સમાચારથી સદ્ગુરુઓના હર્ષનો પાર રહ્યો નહિ, એમણે તો એ કાગળ કંકોત્રી જેવો જાણી ગામોગામ સહુ હેતવાળા હરિભક્તોને આ વિગત જણાવી તૈયાર રહેવાનું લખ્યું; ને પ્રથમ તો સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મંડળ મૂળીથી પરબાર્યા સંતોએ સહિત વૃષપુર આવી પહોંચ્યા. બાપાશ્રીને સંતો આવે છે, એવી ખબર પડી, એટલે ઉતાવળા સામા જઈ માર્ગમાં જ દંડવત્ કરી બહુ હેત જણાવી બાથમાં ચાંપી મળ્યા ને ઘણો રાજીપો જણાવ્યો. અહીં તો યજ્ઞમાં જોઈતો સામાન માંડવી વગેરે ઠેકાણેથી મગાવી સંત-હરિભક્તોએ ઘણોખરો તૈયાર કરી રાખ્યો હતો ને બીજો હજી આવ્યા કરતો હતો. હરિભક્તોને હોંશ ઘણી હોવાથી દેશોદેશથી આવનાર હરિભક્તો માટે મંદિર ઢૂકડું પડે તેમ ઘરમાં કે વંડીઓમાંથી જવાઆવવાનો રસ્તો કરી રાખ્યો. તાલપત્રીના કોષ તૈયાર કર્યા. પાકશાળા ને પંક્તિઓ માટે મોટાં મકાન તથા વાડીઓની ગોઠવણ થઈ ગઈ; કચ્છની નાત એક, તેમ સહુનો મત એક; એટલે એમને તો કોઈ વાતની તાણ ન પડે. સહુ હાથોહાથ કામ કરી લે, પણ બહારગામથી આવનાર હરિભક્તો માટે બ્રાહ્મણોના રસોડાની સગવડ કરી. પછી ગામોગામ કંકોત્રીઓ લખી; ઉપરાંત ગઢડા, જૂનાગઢ, વડતાલ, અમદાવાદ વગેરે ધામોમાંથી સંતોને તેડાવ્યા. ગામડેથી બળતણ, પાગરણ વગેરે આવવા મંડ્યાં, એ રીતે બધી તૈયારી થતી હતી.