૪૦૧ - મંદિરમાંથી ઘેર પધાર્યા

0:000:00

આ રીતે છ દિવસ થઈ ગયા ત્યારે જાગ્રત અવસ્થામાં આવ્યા હોય તેમ નેત્ર ઉઘાડી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું, ‘સ્વામી! ‘જય સ્વામિનારાયણ’! આટલામાં તો સંતોને એમ થયું કે, ‘હવે બાપાશ્રીએ દયા કરી.’ સ્વામીશ્રી કહે, ‘આપને અત્યારે કેમ છે?’ ત્યારે પોતે બોલ્યા જે, ‘સ્વામી! જેમ છે તેમનું તેમ છે. પણ મારે ધનજીભાઈનું કામ છે તે એમને નારાયણપુરથી તેડાવો.’ એમ કહી વળી સૂઈ ગયા. પછી સ્વામીશ્રીએ તુરત એક હરિભક્તને નારાયણપુર મોકલ્યો, પણ ધનજીભાઈ ઘેર નહોતા તેથી ‘બાપાશ્રીએ તેમને તેડાવેલ છે ને આવે કે તુરત મોકલજો.’-એમ તેમને ઘેર કહીને તે પાછો આવ્યો. પછી ધનજીભાઈ ઘેર ગયા ત્યારે આ વાત સાંભળી કે તુરત જ ઉતાવળા વૃષપુરમાં આવ્યા ને બાપાશ્રીની આવી સ્થિતિ જોઈ દિલગીર થતાં દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બોલાવવા ઘણી મહેનત કરી, પણ કાંઈ ન બોલતાં, એમનું હૈયું હાથ રહ્યું નહિ ને આંખોમાં પ્રેમનાં આંસુ વહેવા લાગ્યાં. તે જોઈ સ્વામીશ્રીએ તેમને બહુ જ સમજાવ્યા ને કહ્યું કે, ‘તમે આમ દિલગીર ન થાઓ, બાપાશ્રીએ તમને તેડાવ્યા છે.’ એમ કહી પોતે બાપાશ્રીના શરીર પર હાથ ફેરવી જગાડ્યા ને કહ્યું જે, બાપા! આ ધનજીભાઈ આવ્યા!’ એ જ વખતે બાપાશ્રી નેત્ર ઉઘાડી તેમના સામું જોઈ રહ્યા. પછી માથે હાથ ફેરવ્યા ને જાણે બોલવાની ઇચ્છા કરતા હોય ને બોલાતું ન હોય તેમ ઘડીક જણાવ્યું ને અડખેપડખે જોઈ કાંઈ બોલ્યા જ નહિ. ત્યારે ધનજીભાઈએ જાણ્યું જે ‘બધા બેઠા છે તે કાંઈ ઘરની વાતચીત કરવી હોય ને ન બોલતા હોય તો કેમ ખબર પડે!’ એમ વિચારી હળવે રહીને પૂછ્યું, ‘બાપા! મને એકલાને કાંઈ કહેવું છે?’ ત્યારે કહે, ‘કહેવું છે ખરું! પણ અહીં નહિ ફાવે, મારો ખાટલો ઘેર લઈ લ્યો તો ઠીક.’ આમ કહ્યું તેથી ધનજીભાઈ, આશાભાઈ, હીરજીભાઈ, જાદવજીભાઈ આદિ હરિભક્તો એમ ને એમ ખાટલો ઉપાડી બાપાશ્રીને ઘેર લઈ ગયા.

સ્વામીશ્રી આદિ સંતોને આ ચરિત્ર અતિ કઠણ પડ્યું, કેમ કે સૌને એમ જે, ‘હવે ઘેર સગાંસંબંધી ઘેરીને બેઠાં રહેશે ને આપણને દર્શન ક્યાંથી થશે.’ પણ શું કરે!

બાપાશ્રીને ઘેર લઈ આવ્યાના ખબર પડતાં સગાં, સંબંધી તથા બીજાં બાઈઓને દર્શન તો થયાં પણ ઘર સાંકડું ને ભીડ ઘણી થવાથી ઘરમાં ને બહાર સહુ દર્શન કરવા ઉતાવળા થયા. ઘરમાં નાનામોટા સૌ વિશ્વાસી તેથી આટલા દિવસ બાપાશ્રીને સંતોએ મંદિરમાં જ રાખેલા, છતાં કોઈ કાંઈ બોલતા નહિ, પણ ઘેર આવ્યા જાણી બધાયને એમ જે, ‘હવે આપણાથી કાંઈક સેવા બનશે, તેમ દર્શન પણ થશે.’