૩૦૩ - દિવ્ય મુક્તો આવતાં અવનવો આનંદ
થોડા દિવસ વીત્યા પછી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી કેશવપ્રિયદાસજી, મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજી, સનાતનદાસજી, હરિકૃષ્ણદાસજી, દેવજીવનદાસજી આદિ સંતમંડળ તથા સરસપુરના પ્રાણશંકરભાઈ, વાંટાવદરના ભૂરાભાઈ, માલણીઆદના અમીચંદભાઈ, હળવદના ત્રિભોવનભાઈ, સેડલાના પ્રાણજીવનભાઈ આદિ ઘણા મુક્તો વૃષપુર જવાનો વિચાર કરી, ભાદરવા સુદ તેરસના દિવસે ભૂજ ગયા. ત્યાં બે દિવસ રહી વૃષપુર આવ્યા. એ વખતે બાપાશ્રીએ અતિ પ્રસન્નતા જણાવી એ સર્વેને બહુ પ્રકારે સુખ આપ્યું. બન્ને સદ્ગુરુઓ ચમત્કારી તેમ બેય પુરાણી પણ એવા. સનાતનદાસજી સ્વામી તો બહુ જ વૈરાગ્યવાન અને વાંટાવદરના ભૂરાભાઈ તથા અમીચંદભાઈ જેવા મહા સમર્થ મુક્તો, તેથી એ વખતે બાપાશ્રી પાસે નવાં નવાં સુખ મળે તેમાં શું કહેવાનું હોય! અઢાર દિવસ પોતાની પાસે રાખ્યા ત્યાં સુધી સૌને નવો નવો ઉછરંગ! મંદિર તો સવાર-સાંજ ભરાયલું જ રહેતું. રોજ સવારમાં વહેલાં આરતી થઈ રહે ને બાપાશ્રી પૂજા કરતા હોય. ત્યાં આ બધું મંડળ હાજર હોય, કેમ કે એ ટાણે બાપાશ્રીને ઉઘાડે શરીરે મળવાનો સૌને લાભ મળે. ઘણી વાર પોતે રાજીપો જણાવી કહેતા જે, ‘સંતો! આ મળવું બહુ મોંઘું છે. અક્ષરધામમાં મળવા જવું હોય તો કેટલે દાખડે મળાય!’ આવાં મહિમાવચનથી સૌને એમ જે, આવો સહેજે લાભ મળે છે તે તો ન જ ખોવો.
વળી બાપાશ્રી શ્રીજીમહારાજનાં ચરણારવિંદ પૂજામાં રાખતા, તે પૂજા કર્યા પછી પોતાની છાતી સાથે દાબતા. તેમ સદ્ગુરુઓ પાસે બેઠા હોય તો તેમની છાતીએ પણ દાબે ને કહે જે, ‘મહારાજનાં દર્શને સદ્ગુરુ મહાનુભાવાનંદ સ્વામી આવ્યા ત્યારે મહારાજે પ્રથમ ચરણારવિંદ તાણી લીધાં ને પછી બહુ પ્રાર્થના કરી ત્યારે ઘણો મહિમા કહી ચરણ લાંબા કર્યા, એવાં મોંઘાં છે, પણ મહારાજે દયા કરી છે એટલે સૌને આમ સોંઘાં થઈ ગયાં છે.’ એમ કહી સંતોને રાજી કરે. ક્યારેક શિક્ષાપત્રીનો પાઠ ઉતાવળા વાંચે ને તેના અર્થ પરભાવમાં સૌને સમજાવે. પછી વસ્ત્રો પહેરી ઠાકોરજીનાં દર્શન કરવા આવે ત્યારે ક્યારેક તો ઘેરે સાદે કીર્તનની ટૂંક બોલતા બોલતા આવે અને દંડવત્ કરી મૂર્તિઓ પર હાથ ફેરવતાં ‘જય, જય, ઘણી ખમા, મહારાજ!’ એમ બોલે. ક્યારેક ‘વાહ! દયાળુ! મહાપ્રભુ!’ એમ નવાં નવાં વચનો બોલતા. પછી આસને આસને ફરી સંતોને ‘જય સ્વામિનારાયણ’ કરે, કોઈને માથે હાથ મૂકે, કોઈને નામ લઈ બોલાવે, થોડી વાર ઘેર જઈ આવી પાછા સભામાં બેસી જાય.
સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને તો વાતો લખવાનો આગ્રહ, તેથી સંતો ભારે ભારે પ્રશ્નો પૂછીને વાતો પણ એવી જ કરાવે. સદ્ગુરુઓ આવ્યાની ગામડાંમાં ખબર પડે એટલે વારાફરતા ઘરમાંથી સૌ દર્શને આવે ને જાય. તેમાં કોઈ ફૂલના હાર તૈયાર કરી લાવે, કાં પોપૈયાં, શેલડી આદિ લાવી ઠાકોરજી પાસે મેલે, તેથી પ્રસાદીઓ થાય. સભામાં ચંદનપુષ્પથી પૂજા થાય ત્યારે રમૂજ કરી બાપાશ્રી સંતોને રાજી કરે. પોતે ચંદન ચર્ચતાં કોઈને ભાલે ઝાઝો થથેડો કરે, તો કોઈને માથે ચંદનવાળા હાથ ભૂંસે ને કહે, ‘હવે આ ચંદનની સુગંધ ન જાણજો, મહારાજે અંગીકાર કર્યું. એટલે મહારાજની પ્રસાદી થઈ. આ ચંદન તો ઠેઠ અક્ષરધામમાં શ્રીજીમહારાજને ચર્ચાય છે. એ મૂર્તિમાં અનંતમુક્ત રહ્યા છે, તેમની પણ ભેળી પૂજા થાય છે તેથી ચર્ચનારા ન્યાલ બને છે. એકાદશીને દિવસ ઘણાં ફૂલ આવે ત્યારે ફૂલના હારની પૂજાઓ બહુ થાય. એ ટાણે સંતોને કહે, ‘જુઓ! શ્રીજીમહારાજની ફૂલવાડી કેવી ફૂલી રહી છે.’ એમ કહેતાં કીર્તનની ટૂંક બોલે જે, ‘અલબેલાને અંગે સર્વે ફૂલી ફૂલવાડી, બ્રહ્માનંદ કહે એ છબી જોવા આવીશ હું દા’ડી’ –એ ફૂલ મૂર્તિમાંથી મહારાજ દેખાડે છે. ‘વહાલા તારા ઉરમાં વિનગુણ હાર જોઈને નેણાં ઠરે રે લોલ,’ –એ ફૂલ વાડીમાંથી લાવવાં ન પડે, તેમ પરોવવાં ન પડે. મહારાજ એ બધું મૂર્તિમાંથી દેખાડે, -એમ મહિમા કહે.
એક દિવસ સભામાં પોતે ધ્યાને યુક્ત બેઠા હતા, તે ઓચિંતાના જાગ્રત થઈને બોલ્યા જે, ‘શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ ઝળક ઝળક થાય છે ત્યાં આ સભા બેઠી છે.’ તે વખતે સભામાં બેઠેલા એક હરિભક્તને એવાં દર્શન થયાં, એ વાતથી સૌ આશ્ચર્ય પામ્યા.
આવી રીતે અલૌકિક ભાવ જણાવતા. પંક્તિ ટાણે સંતોને પાસે ઊભા રહી પીરસાવે. કોઈ ન લે તો કહે જે, ‘એમ ન કરો, થોડું લ્યો!’ એમ કહી તાણ કરી જમાડે ને સંતોને દંડવત્ કરે ત્યારે સદ્ગુરુઓ કહે, ‘રાખો! રાખો!’ તોય એમ ને એમ કર્યા જ કરે ને કહે જે, ‘અમે તો મહારાજને દંડવત્ કરીએ છીએ. તમે તો મૂર્તિમાં છો ને મહારાજ જમે છે. અમને તો એમ જણાય છે.’ પછી સભામાં એને એ વાત દૃઢ કરાવે ને કહે જે, ‘આપણે મૂર્તિ મુખ્ય રાખવી. જે શ્રીજીમહારાજને આગળ ન રાખે તે લૂંટાય છે, કેમ કે માયા બહુ ભૂંડી છે; તે મહારાજની મૂર્તિ મૂકી દે તેને ખરેખરી ખુવાર કરે. કેટલાક બહુ મોટા કહેવાતા હોય છે ને પછી તો કાંઈ ઠેકાણુંય રહેતું નથી, તેનું કારણ પણ એ જ છે. માટે મહારાજ મુખ્ય રાખવા.’ ‘હરિ મેરે હારલકી લકડી, પકડી સો પકડી,’ –એવું રાખવું. આપણે કાંઈ વેષ કાઢ્યો નથી. આ તો સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી છે ને એના કહેવાણા છીએ,’ –એમ કહીને બોલ્યા જે, ‘સંતો! હું કોઈને વઢતો નથી, પણ ખરું કહું છું. આપણે તો ખરેખરા ખબરદાર થઈને મૂર્તિમાં જોડાઈ જવું, એટલે માયા ગોતીયે જડે નહિ; મોટા મોટાએ આપણા સારુ દિવ્ય શાસ્ત્રો લખી મૂક્યાં છે, તે સામું જોતા રહેવું ને કોઈ વાતમાં ફેર ન પાડવો.’ આ રીતે ભલામણ કરતાં ક્યારેક ભૂરાભાઈ તથા અમીચંદભાઈની પ્રશંસા કરી કહેતા કે, ‘આમની સ્થિતિ બહુ ભારે છે એમણે મૂર્તિ વિના બીજું કાંઈ વહાલું રાખ્યું નથી. આવા મુક્ત ભેળા મહારાજ સદાય હોય, પણ હીરાનું પારખું ઝવેરી હોય તે કરે.’ ક્યારેક એમ કહે જે, ‘આવા મોટા સદ્ગુરુ અહીં દરિયા ઊતરી ઊતરીને શા માટે આવે છે, તો અનેક જીવના ઉદ્ધાર કરવા આવે છે, એમને બીજો સ્વાર્થ નથી. હું તો એમને જોઈ જોઈને રાજી થાઉં છું,’ ત્યારે સદ્ગુરુઓ એમ કહે જે, ‘અમને પણ તમે વશ કરી લીધા છે, તેથી જો વર્ષમાં એકાદ મહિનો અહીં ન અવાણું હોય તો સારું નથી લાગતું. તમે અમને પોતાના જાણ્યા છે, તે કાંઈ સાધારણ વાત નથી.’ ત્યારે બાપાશ્રી તેમનો મહિમા કહે કે, ‘તમે ને અમે તો એક ગુરુના કહેવાઈએ; કેમ કે સ્વામી નિર્ગુણદાસજી તમારાય ગુરુ ને અમારાય ગુરુ.’ આવાં વચનોથી હેત જણાવી સૌને રાજી કરતા.
બપોરના સંતો વાડીએ જવા મંદિરમાંથી નીકળે ત્યારે સહુ નાનામોટા દર્શન કરે, પોતે પણ સદ્ગુરુઓ સાથે વાતો કરતા કરતા આગળ ચાલે, નાહ્ય ત્યારે સંતોને નવરાવવા પોતે ઘણો આગ્રહ કરે, સંતો તેમને હેત કરી નવરાવે; ઉઘાડે શરીરે મળે. આમ પરસ્પર દિવ્યભાવ જણાવતાં, કાકરવાડીએ કે નવી વાડીએ નાહ્યા પછી સભાઓ કરી બેસે. ક્યારેક લખાઈ વાડીએ જાય. કોઈ વાર આંબા હેઠે તો કોઈ વાર આંબલી નીચે સભા કરે. પોતે એ સભામાં એક ધોતિયાભર ઉઘાડે શરીરે આંખો મીંચી ઘણી વાર બેઠા જ હોય. વાડીમાંથી પુત્ર-પૌત્રાદિક હાર લાવે, તે લઈ પોતે સંતોની પૂજા કરે, પાછા ધીરે ધીરે વાતો કરતા મંદિર આવે. સંધ્યાસમે ગોડી બોલાવે ને કહે, ‘બોલો સંતો ગોડી ને મહારાજ આવે દોડી.’ જ્યારે આરતી થાય ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ સામા જાડું ઘેરવાળું કેડિયું ને માથે ખેસે સહિત પાઘડી બાંધેલ એવા ઊભા રહી આરતી કરતા હોય, તે ટાણે સદ્ગુરુ આદિ સંતમંડળની મોટી પંક્તિ અને હરિભક્તોનો ભરાવો એટલો બધો થાય કે મંદિરમાં દંડવત્ કરવાની પણ જગ્યા ન મળે. વળી ઠાકોરજી પાસે મોટી બત્તીઓ કરી હોય તેથી એ સ્થાન દિવ્ય તેજોમય અક્ષરધામ તુલ્ય બની જાય. રાત્રે એક કથા થઈ રહે એટલે પાછી બીજી કથા થાય. તે પછી ચેષ્ટા આદિ નિત્યનિયમ કરી હરિભક્તો ઘેર જાય. એ વખતે પણ બાપાશ્રીના ખાટલા પાસે બેસી કેટલાક સંત-હરિભક્તો માળા ફેરવતા હોય. તેમને કેટલીક વાર પોતે બોલાવે, પૂછે કાં વાતો કરે. આમ નિત્ય પ્રત્યે નવા નવા પ્રકારે સદ્ગુરુ આદિ સંત-હરિભક્તોને અઢાર દિવસ રાખી બહુ સુખ આપ્યાં ને ભારે ભારે વાતો કરી. છેલ્લે દિવસ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ એમ કહ્યું જે, ‘તમે નાનામોટા બધાયની તાણ બહુ રાખો છો અને જે આવે તેને મહારાજની વાતો કરો છો, પ્રસાદી આપો છો, કોઈ દેશીપરદેશી આવ્યા હોય તેને વળાવવા જાઓ છો ને કોઈને જોઈતી વસ્તુ લાવી આપો છો, તેમાં ક્યારેય થાક પણ જણાવતા નથી, એ તો બહુ ભારે કરો છો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! આવી સેવાએ મહારાજ રાજી બહુ થાય છે ને મોટું ઇનામ આપે છે, તે સારુ કરીએ છીએ.’ આવાં વચન સાંભળી સંત-હરિભક્તો ઘણા રાજી થયા. પછી આસો સુદ બીજને દિવસ રાત્રે સંતોને પાસે બેસારી મહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવાની ઘણી વાર વાતો કરી પ્રસન્નતા જણાવી સહુને ઉઘાડે શરીરે મળ્યા ને કહ્યું જે, ‘હવે તમારે કાલે ચાલવાનું છે, તેથી સહુ મહારાજને પોઢાડી દીઓ.’ એમ કહી પોતે પણ જરા વાર પોઢ્યા.
સવારમાં પાછા વહેલા જાગી નિત્યનિયમ કર્યા પછી કથાવાર્તા કરી સંતોને ઉતાવળ કરવાનું કહ્યું, એટલે સંતોએ થાળ કરી. ઠાકોરજીને જમાડ્યા. પછી વળી ચંદન, કુંકુમ ને ફૂલહારથી સંતોએ બાપાશ્રીની પૂજા કરી ને પોતે પણ સદ્ગુરુ આદિ સંતો તથા સાથે આવેલ મુક્તમંડળની એવી જ રીતે પૂજા કરી. ત્યાં ગાડાં આવ્યાં એટલે ગામના હરિભક્તોએ સહિત ગામની બહાર છેટે સુધી પોતે વળાવવા ચાલ્યા. ત્યાં પણ ઘણું હેત જણાવી મળ્યા ને આશીર્વાદ આપી કહ્યું જે, ‘આપણે સદાય ભેળા ને ભેળા છીએ, ક્યારેય જુદા નથી, એમ જાણજો,’ –એમ કહી સંતોને ગાડાંમાં બેસારી ગાડાં ચાલતાં કર્યાં ને પોતે હરિભક્તોએ સહિત પાછા વળ્યા.