૨૪૧ - પારાયણમાં પધારવા વચન માંગ્યું

0:000:00

એ વખતે પ્રાણશંકરભાઈએ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પાસે રાખી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘બાપા!’ આવતા વર્ષમાં મારે અમદાવાદમાં ‘સત્સંગિભૂષણ’ ની કથા કરવાનો વિચાર રહે છે, તે જો આપ ત્યાં પધારવાનું વચન આપો તો ત્યાં કરાવું, જો આપથી ન પહોંચી શકાય તેમ હોય ને બીજે આજ્ઞા કરો તો તેમ કરું. પણ તમને આગળ રાખીને મારે પારાયણ કરવી છે. તમે આવીને બેસો એટલે સહુનું કામ થઈ જાય.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીને બાપાશ્રી કહેવા લાગ્યા જે, ‘સ્વામી! મને શહેરમાં બહુ ફાવતું નથી, એ તો તમે જાણો છો ને? હવે આમને મારે શું કહેવું?’ ત્યારે સ્વામીશ્રી કહે, 'પ્રાણશંકરભાઈને આપણે વિષે હેત ઘણું છે ને એમનો આ સંકલ્પ ઘણા વખતનો છે, તેથી તમે પધારો તો જ એમને ઠીક લાગે. અમદાવાદમાં આપને કોઈ વાતે મૂંઝવણ નહિ આવે, તેમ અમે ત્યાં છીએ એટલે તમારે એવી શું ચિંતા છે?' પછી બાપાશ્રી એમ બોલ્યા જે, ‘મને શરીરમાં ગરમી સીબાતી નથી, તેથી માહ મહિના સુધી તો બહાર નીકળવું ફાવે, પણ પછી બહુ કઠણ પડે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘જો તમે રાજી થઈને હા પાડશો તો તો કોઈ વાત આડી નહિ આવે.’ ત્યારે પોતે રાજી થઈને કહ્યું કે, ‘ભલે! અમદાવાદમાં કથા કરાવજો, અમે જરૂર આવશું.’ આ વચનથી પ્રાણશંકરભાઈ તથા સ્વામીશ્રી ઘણા રાજી થયા. પછી પોતે અતિ પ્રસન્નતા જણાવી ને સ્વામીશ્રીને કહેવા લાગ્યા જે, ‘આ પ્રાણશંકરભાઈ આવડી અવસ્થાએ દરિયા ઊતરી ઊતરીને તમારા ભેગા વારે વારે આવે છે, દેહના દુઃખને કે ખર્ચને ગણતા નથી, તે હું બધુંય જાણું છું. મહારાજ ને મોટાનો જેને વિશ્વાસ હોય તે દેહનાં કે વ્યવહારનાં સુખદુઃખને ગણે નહિ. આ તો ખરેખરા મહારાજના મુક્ત છે,’ -એમ કહી માથે હાથ મૂક્યા. પછી સંતો સર્વે નારાયણપુર ગયા.