૪૪૯ - દહીંસરામાં મુક્તરાજ કેસરાભાઈને દર્શન
એક દિવસ બાપાશ્રીએ ગાડું જોડાવી સદ્ગુરુઓ તથા થોડા સંતોને દહીંસરે જઈ આવવા આજ્ઞા કરી, ત્યારે સંતોએ કહ્યું જે, ‘અમારે અહીંથી દેશમાં જવાનું હોય ત્યારે જઈએ તો કેમ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું. દહીંસરામાં મુક્તરાજ કેસરાભાઈને શરીરે અવસ્થાને લઈને હમણાં ઠીક રહેતું નથી. પોતે મહારાજ તથા મોટા સંતોના પ્રતાપે અંતરમાં સુખિયા છે, પણ તમારા જેવા સંતો કચ્છમાં આવે ત્યારે તેમને દર્શનની તાણ ઘણી રહે છે માટે તમે જઈ આવો.’ આમ આજ્ઞા થતાં સંતો દહીંસરે ગયા. મંદિરમાં સદ્ગુરુઓ આવ્યા છે એવી ખબર પડતાં મુક્તરાજ કેસરાભાઈ ઘણા રાજી થયા ને તુરત જ ઘેરથી આવીને દર્શન કરતાં બોલ્યા જે, ‘સ્વામી! તમે મોટા મોટા સદ્ગુરુઓ મારા સારુ અહીં આવ્યા તે મારાં કેવડાં મોટાં ભાગ્ય! હું તો એમ જાણું છું જે, તમારા જેવા સંતની ચરણરજ મળવી ઘણી મોંઘી છે. તમે તો રાતદિવસ, મહારાજને ઘડીએ વિસારતા નથી. બાપાશ્રીને પણ તમે વશ કરી લીધા છે.’ આવાં મહિમાનાં વચનો કહ્યાં. પછી સંતોને રસોઈ આપી જમાડ્યા ને તેમના પુત્ર દેવજીભાઈ તથા ખીમજીભાઈ પાસે સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરાવી વસ્ત્રો ઓઢાડ્યાં. આ બન્ને પુત્રો હેતવાળા બહુ તેમ જ આ મુક્તરાજની સેવા મહિમાએ સહિત કરતા હોવાથી સંતોનો તેમના પર ઘણો રાજીપો થયો.
મુક્તરાજ કેસરાભાઈની સ્થિતિ તથા અવસ્થા બહુ મોટી છતાં જે જે સંત-હરિભક્તો એમનાં દર્શને જાય ત્યારે પોતે સામો તેમનો મહિમા કહે. આ સદ્ગુરુઓને જોઈને તો તેમને ઉમંગ જ સમાય નહિ. ઘડી ઘડી મહિમાની વાતો કરે ને ગદગદ થઈ જાય. સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ થોડી વાર સભામાં મૂર્તિના સુખની વાતો કરી. ત્યાં તો તેમની આંખોમાં પ્રેમનાં આંસુ ચાલ્યાં ને બોલ્યા જે, ‘સ્વામી! હું તમો બન્ને સદ્ગુરુઓને જ્યારે જોઉં છું ત્યારે પાધરું જ મારા હૈયામાં ટાઢું ટાઢું થઈ જાય છે ને તમે જ્યારે વાતો કરો છો ત્યારે એમાં મહારાજ વિના બીજો બોલ જ આવતો નથી, તેથી શાંતિ શાંતિ થઈ જાય છે. આવા તમે સમર્થ છો તોય બાપા વાંસે ફરો છો તો બાપાશ્રીની મોટપ કેવડી હશે! મને તો રહી રહીને ખબર પડતી જાય છે. ભૂજમાં સૂરજબા પાસે હું દર્શન કરવા જતો ત્યારે ઘણીએ વાર એમના મહિમાની વાતો કરતા, પણ આવડી કેમ ખબર પડે! હું તો એ ટાણે એમ જાણતો જે, એમને ધ્યાન કરવાનું બહુ છે, તેથી મહારાજનાં દર્શન થતાં હશે. સમાધિમાં પડ્યા રહેતા ત્યારે પણ એટલી ખબર કે, મૂર્તિમાં જોડાઈ જાય છે ને એમને શ્રીજીમહારાજ વશ છે, પણ આ તો અનેક જીવોનાં કલ્યાણ કરવા મહારાજના મૂક્યા આવ્યા છે, એવી તો તમારા જેવા મોટા મોટાની દયાએ કરી હમણાં ખબર પડી.’ આમ મહિમાની વાતો કરતા ઘણા રાજી થયા. બીજે દિવસે સંતો ચાલ્યા ત્યારે તેમને પોતાની વતી બાપાશ્રીની પ્રાર્થના કરવાનું કહ્યું જે, ‘ભાઈશ્રીને કહેજો કે, હું આટલે છેટે રહ્યો છું, પણ તમારે જરાય છેટું નથી; તેથી દૃષ્ટિદ્વારે મારી સંભાળ લેતા રહેજો.’ પછી સદ્ગુરુઓ વૃષપુર આવ્યા ત્યારે એમણે કહેલ પ્રાર્થનાવચનો બાપાશ્રીને કહ્યાં, તે સાંભળી બાપાશ્રીએ પણ તેમની ઘણી પ્રશંસા કરી.