ગ્રંથકર્તા અ. મુ. શ્રી સોમચંદભાઈની પ્રસન્નતાસભર ‘વિજ્ઞપ્તિ’
અક્ષરધામાધિપતી સર્વોપરિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજે શ્રીમુખે વ.૧૯મા વચનામૃતમાં કહ્યું છે કે, ‘આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે,’ આ રીતે જીવોનો મોક્ષ પ્રાપ્તિ છે. શ્રીહરિના આ વચનમાં જેને પ્રતીતિ છે, તે તો નરવિગ્રહ ધારી મહાપ્રભુ અથવા તેમના સંત (અનાદિ મુક્ત) ને ઓળખી પોતાનો આત્યંતિક મોક્ષ સાધી લે છે. આવા મુક્ત મૂર્તિ વિના બીજું કાંઈ જોતા જ નથી; ત્યારે એમ થાય કે, ‘બીજું કાંઈ જુવે જ નહિ, તો જીવોના મોક્ષ કેમ કરી શકે?’ તો તેનું એમ છે કે, એવા મુક્તદ્વારે પણ શ્રીજીમહારાજ પોતે જ સર્વે ક્રિયા કરે છે. સ્વયં કારણમૂર્તિ અવતારી શ્રીહરિ પોતે મોક્ષ કરે અથવા તેમના મુક્તદ્વારા મોક્ષ કરે, એમ કહેવામાં “મોક્ષપતિ કુંવર ભક્તિધર્મના રે લોલ, હરિકૃષ્ણ નારાયણ નામ” એ વચનનો મર્મ યથાર્થ સમજાય છે. માટે આથી પૂર્વે જે જે મુક્તોએ મોક્ષ કર્યા એમ કહેવાય છે, તે પણ સ્વયં શ્રીહરિએ પોતે જ કર્યા છે, એમ સમજવામાં કારણમૂર્તિનો જ મહિમા કહેવાય છે, અને એ જ પતિવ્રતાની ભક્તિ ગણાય. કર્તા-નિયંતા એક શ્રીજીમહારાજ છે. મુક્ત તો સદાય અકર્તા છે. એ તો મૂર્તિના સુખથી તૃપ્ત થતા જ નથી.
આ રીતે સ્વયં શ્રીજીમહારાજ તથા અનાદિ મહામુક્તોના આત્યંતિક મોક્ષ આપવારૂપ સદાવ્રત પામનારામાંથી અનેકાનેક મૂર્તિના સુખમાં પહોંચી ગયા, તેવાં લખાણ આપણા દરેક શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એ સદાવ્રત આપવાનું કામ વર્તમાનકાળે સં. ૧૯૦૧ના કાર્તિક માસથી સં. ૧૯૮૪ના અષાઢ માસ સુધી ક્ચ્છ દેશનાં શ્રી વૃષપુર ગામમાં પ્રકટ થયેલા સ્વસિદ્ધ અનાદિ મુક્તરાજ અબજીબાપા દ્વારા થયું, એ સંપ્રદાયમાં સૌ કોઈને વિદિત છે. તેમણે જન્મથી અંતર્ધાન થયા સુધીમાં કેટલીક દિવ્ય ચેષ્ટાઓ બતાવી તથા સમાધિદ્વારા અનેક સંત-હરિભક્તોને આકર્ષી લીધા-અનાદિ મુક્ત કરી મૂર્તિના સુખભોક્તા કર્યા. ઉપરાંત અનાદિ મુક્તો મૂર્તિમાં સુખભોક્તાપણે રસબસભાવે કેમ રહ્યા છે? પરમ એકાંતિક મુક્તો સન્મુખ રહી કેમ સુખ લે છે? એકાંતિક અને “ચાલોચાલ” ને કેમ ઓળખવા? વગેરે વાતો સ્પષ્ટ સમજાવવા અનહદ કૃપા કરી છે. તે વાતોના સંગ્રહકર્તા શ્રીજીમહારાજના સંકલ્પમૂર્તિ અ.મુ. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી (જેમને આ અનાદિ મુક્તરાજ સાથે અપૂર્વ સ્નેહ હતો) તેમના શિષ્ય સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ અનેક જીવોનાં આત્યંતિક મોક્ષ થવાના હેતુથી તેને “બાપાશ્રીની વાતો” એ નામથી બે ભાગમાં છપાવી પ્રસિદ્ધ કરેલ છે.
આ વાતોમાં અનાદિ મુક્તરાજ ‘અબજીબાપા’ એ એવું તો ગૂઢ જ્ઞાન સાદા અને સરળ વચનોથી સમજાવ્યું છે કે, તે વાંચનાર મુમુક્ષુને તેમના પ્રત્યક્ષ જોગ-સમાગમ તુલ્ય બને છે, તેમાં વિશેષે કરીને તો “ચાલોચાલ”, એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિ મુક્તની સ્થિતિ, સામર્થ્ય ને સુખભોક્તાપણાના વર્ણનો અથવા શ્રીજીમહારાજને સર્વોપરી ભગવાન કેવી રીતે જાણવા? અવતાર-અવતારીનો ભેદ કઈ રીતે છે? જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિ કેમ છે? જીવોને માયાનું બંધન તથા ઐશ્વર્યાર્થીના ઐશ્વર્યરૂપ રાગ કેમ ટળે ? ઈત્યાદિ મોક્ષ-ઉપયોગી બાબતોના ટૂંકમાં સ્પષ્ટ ખુલાસાઓ કરી આત્યંતિક મોક્ષ બહુ સુગમ કરી આપ્યો છે. તે ઉપરાંત શ્રીજીમહારાજની સ્વમુખ વાણી “વચનામૃત” નું સર્વોપરિ અગાધ ગૂઢ જ્ઞાન, જેમાં ગમે તેવા જ્ઞાની, વિજ્ઞાની, સિદ્ધદશાવાળા પણ ગુરૂમુખ વિના સમજી ન શકે તેવા તત્ત્વજ્ઞાન પર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી મહાન ઉપકાર કર્યો છે, જે દિવ્ય વાણીનું સંપ્રદાયમાં અનેક સંત-હરિભક્તો અમૃતની પેઠે પાન કરી રહ્યા છે. એ ગ્રંથમાં પણ આ સદ્ગુરુશ્રીએ અનાદિ મુક્તરાજ અબજીબાપાને પ્રશ્નો પૂછી ઉત્તરો મેળવવાની તથા છપાવી પ્રસિદ્ધ કરવાની અપૂર્વ સેવા કરી છે, જેથી મોક્ષભાગી સંત-હરિભક્તો સદાય તેમના આવા ઉપકારને યાદ કરી શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોકતા બનશે.
આવા મહાસમર્થ અનાદિ મુક્તરાજનું ટૂંક “જીવનચરિત્ર” વચનામૃત “રહસ્યાર્થપ્રદીપિકાટીકા” વાળા ગ્રંથમાં પ્રસિદ્ધ થયું છે; પરંતુ તેમાં ઘણી હકીકતો જાણવા જેવી રહી ગઈ છે તે આ ગ્રંથમાં જણાશે. તેમ જ આ સાથે સત્સંગમાં કેટલાક પ્રસિદ્ધ થયેલા મુકતો જેવા કે-અનાદિ મુકતરાજ સદ્ગુરુ ધ્રુવાનંદ સ્વામી, સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરુ અચ્યુતદાસજી સ્વામી, સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી તથા અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, દેવજીભાઈ, દેવરાજભાઈ, સુંથરામપુરના સુખદેવભક્ત અને લુણાવાડાના કાશીરામભાઈ તથા બાઈઓમાં મુક્તરાજ સૂરજબા, સદાબા, ધનબા આદિ મહામુકતોએ પણ સત્સંગમાં અનેક જીવોને મહારાજની મૂર્તિમાં જોડેલા છે. તેમનાં પણ પ્રાસંગિક વૃત્તાંતો ટૂંકમાં જણાવેલ છે.
બાપાશ્રીના જીવનચરિત્રની જરૂરીઆત એટલા માટે છે કે, સત્સંગમાં બાપાશ્રીની સ્થિતિ, સામર્થ્ય અને ઉપદેશથી કેટલાક પરિચિત-અપરિચિત સંત-હરિભક્તોને તેમના હૃદગદ અભિપ્રાય, તેમની સ્વાભાવિક દિનચર્યા, પ્રસંગે પ્રસંગે કરેલી વાતો તેમ જ પારાયણ-યજ્ઞ વગેરે પ્રસંગે તેમની રીતભાત તથા તે સઘળા ઉપરથી બાપાશ્રીના પ્રાકટ્યના ઉદ્દેશો સૌને જાણવામાં આવે અને તેમ થતાં સૌ કોઈ આવા મહાસમર્થ મુક્તની પ્રસન્નતા મેળવવાનો લાભ લઈ શકે.
અક્ષરધામમાંથી શ્રીજીમહારાજ સાથે પધારેલા અનાદિ મહામુકતોનાં જીવનવૃત્તાંતો સાંભળતાં તેમનાં બધા કાર્યોમાં ‘શ્રી સ્વામિનારાયણ ભગવાન’ એ એકજ ઈષ્ટ વસ્તુ જણાય છે, એવી જ રીતે બાપાશ્રીના જીવનમાં વાંચકવર્ગને જણાયા વગર રહેશે નહિ.
આ જીવનચરિત્ર તૈયાર કરવામાં શ્રીજીમહારાજના કૃપાપાત્ર સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી, પુરાણી ધર્મકિશોરદાસજી, હરિપ્રસાદદાસજી કેશવપ્રિયદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સાધુ દેવજીવનદાસજી, પાટડીના મુક્તરાજ નાગજીભાઈ, કડીના મિસ્ત્રી છગનભાઈ, બાપાશ્રીના અનન્ય સેવક આશાભાઈ તથા ભલાભાઈ, વાંટાવદરના મુક્તરાજ ભુરાભાઈ, માલણીઆદના ચતુરભાઈ, સરાના મનસુખભાઈ, વિરમગામવાળા ડૉ. નાગરદાસભાઈ તથા તેમના નાના ભાઈ મણિલાલભાઈ, કરાંચીના મુક્તરાજ લાલુભાઈ, ભૂજના સોની મોતીભાઈ, વિપ્ર વિઠ્ઠલજીભાઈ, રાજગોર નારણજીભાઈ ઉપરાંત બાપાશ્રીના કુટુંબીજનો પાસેથી તથા રામપુરવાળા મુક્તરાજ દેવરાજભાઈ, દહીંસરાના મુક્તરાજ ખીમજીભાઈ, નારાયણપુરવાળા મુક્તરાજ જાદવજીભાઈના પૌત્રો રામજીભાઈ, લાલજીભાઈ, હરજીભાઈ તથા વૃષપુર, કેરા, દહીંસરા, ભારાસર, માનકુવા, માધાપુર વગેરે ગામોના બાપાશ્રીના પરિચયમાં આવેલ હરિભક્તો તરફથી જે કાંઈ જાણવામાં આવ્યું (તેવી જ રીતે કેટલાક બંધુઓ તરફથી લેખિત અથવા રૂબરૂમાં વિગતો મળી, જેનાં નામો વિસ્તાર થવાને લીધે લખાણાં નથી.) તે બધામાંથી તારણ કરી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તકના ઉત્પાદક તરીકે જો ગણીએ તો રા.રા. શેઠશ્રી હીરજીભાઈ ગણી શકાય. મૂળી મંદિરના ‘શ્રી રાધાકૃષ્ણદેવ’ના પાટોત્સવ પછી તેઓશ્રી જેમ જેમ સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીની કૃપામાં આવતા ગયા તેમ તેમ તેમને શ્રીજીમહારાજના માહાત્મ્યજ્ઞાન સાથે વ્યવહારમાર્ગમાં પણ ઉત્કર્ષપણું વધતું ગયું. આથી તેઓશ્રી પોતાના દરેક કાર્યમાં શ્રીજીમહારાજની કૃપા સાથે આ સ્વામીશ્રીની કૃપાનું ફળ છે એમ માનતા હતા તથા તેમના હૃદયમાં એમ જ રહેતું હતું કે, જે ઉત્તમ સિદ્ધાંતવાળું જ્ઞાન શ્રીહરિએ પ્રવર્તાવ્યું છે, તે જીવનમાં યથાર્થ ઉતારીને આ સ્વામીશ્રી બીજાઓને તેનો લાભ આપે છે, તેમજ સત્સંગની સુધારણા માટે જેણે અઠંગ અખાડો માંડ્યો છે, તેમાં અનેક કષ્ટો તથા માનાપમાનને ન ગણકારતાં પોતાના ધ્યેય પ્રત્યે સ્વસ્થતાપૂર્વક પ્રવૃત્તિ કરી રહ્યા છે, એવા સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીનું જો જીવનચરિત્ર લખાય તો તે અતિ જનહિતમાં પરિણમે, એમ માનીને કેટલીકવાર સ્વામીશ્રી પાસે માગણી કરતા કે ‘આપનું જીવનચરિત્ર બહાર પાડવાની મને ઈચ્છા છે; જો આપ મંજૂરી આપો તો તે મેળવવા બનતો પ્રયત્ન કરૂં’ જ્યારે જ્યારે સ્વામીશ્રી પાસે આવી માંગણી કરવામાં આવેલ ત્યારે સ્વામીશ્રી તેમને બાપાશ્રીના જીવનચરિત્રની જરૂરીઆત માટે ભલામણ કરતા; તેથી આટલા લાંબા ગાળામાં તેમની ઇચ્છાને પોષણ મળતું ગયું અને સ્વામીશ્રી પણ આ વાતને અતિ મહત્વની જણાવી અમને વખતોવખત પ્રેરણા કરતા, તેથી આ કાર્યને અમે શ્રીજીમહારાજ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી અને સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મુક્તોની પ્રસન્નતારૂપ માની ચાર માસ ઉપરાંત કચ્છમાં રહી બાપાશ્રીની જેમણે બહુ જ સેવા કરી હતી એવા વૃષપુરવાળા હીરજીભાઈના પુત્ર પ્રેમજીભાઈને સાથે રાખી ગામોગામ ફરી કેટલાક વૃદ્ધ હરિભક્તો પાસેથી જે જે યાદીઓ મળી તથા જે જે ફોટાઓ મળ્યા અને ઉપર લખ્યા સંત-હરિભક્તો પાસેથી જે કાંઈ મળ્યું તે બધો સંગ્રહ એકત્ર કરી એક વર્ષ જેટલો સમય ગામ માથકમાં રહેતા ભગવાનજી લવજીને ઘેર રહી આ પુસ્તક લખ્યું, ત્યાર પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીની આજ્ઞાથી મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજીએ તપાસ્યું-શોધ્યું. આ રીતે આ ‘જીવનચરિત્ર’ નું લખાણ તૈયાર થયું હતું, તેવામાં સ્વામીશ્રીએ પોતાના શરીરમાં મોટો મંદવાડ જણાવવાથી તેમને જોવા માટે રાજકોટથી રા.રા. શેઠશ્રી હીરજીભાઈ અમદાવાદ આવેલા અને સ્વામીશ્રીની છેલ્લી સ્થિતિ જોઈ કાંઈ પ્રસન્નતારૂપ સેવા બતાવવા માંગણી કરી. એ જ વખતે સ્વામીશ્રીએ તેમને આ પુસ્તક પ્રસિદ્ધ કરાવવા આજ્ઞા કરી. એ આજ્ઞા તેમણે તુરત જ સ્વીકારી લીધી, તેથી આ પુસ્તકને પ્રસિદ્ધ થવાનું ત્વરિત કારણ બન્યું.
ત્યાર બાદ આ બધું લખાણ પ્રેસમાં આપવા જેવી સ્થિતિમાં ન હોવાથી તેને સારા અક્ષરથી લખી આપવાનું કામ મુક્તરાજ કેશવલાલભાઈ જગજીવનભાઈ ત્રિવેદીએ અતિ પરિશ્રમ લઈ કર્યું અને વ્યાકરણશુદ્ધિ તથા પ્રુફો તપાસવાનું કામ એવી જ ખંતથી રા.રા. કેશવલાલ જસરાજ પારેખ બી.એ.એ તેમના અમૂલ્ય સમયનો ભોગ આપી કરેલ છે, તેથી ઉપર લખ્યા સર્વે તથા આ પુસ્તક તૈયાર કરવામાં જેણે જેણે સહાયતા કરી છે તે સર્વેના ઉપર શ્રીજીમહારાજ તથા તેમના મહામુકતો અતિ પ્રસન્ન થાઓ.
આ પુસ્તકનું છાપકામ રાજકોટ ‘સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ’માં થતાં તે પ્રેસના માલિક પરમ ભગવદીય જીવાભાઈ વી. જેઠવાએ પણ દરેક પ્રસંગે પોતાનો ઉત્સાહ બતાવી પ્રુફ તપાસવા વગેરે કાર્યમાં સારો શ્રમ લીધો છે, તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવે છે.
આ પુસ્તકમાં અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનું સંપૂર્ણ જીવનચરિત્ર આવી ગયું એમ કોઈએ માનવું નહિ, કારણ કે આ હકીકતો તો તેમના કુટુંબમાંથી અથવા તેમની સાથે નાનેથી મોટા થયેલા વૃદ્ધ હરિભક્તો પાસેથી તથા જોગ-સમાગમ કરનારા સંત-હરિભક્તોએ કરી લીધેલ યાદીઓમાંથી મેળવી એકત્ર કરી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે, માટે તેમાં જે કાંઈ હકીકતો રહી જવા પામી હોય કે કાંઈ આગળપાછળ લખાયું હોય અથવા એવી જ કાંઈ ભૂલચૂક જણાય તે તરફ વાંચકોએ ઉદાર દિલ રાખી આ દિવ્યચરિત્રો એકત્ર કરવારૂપ શ્રમને સેવારૂપ માની ક્ષમા કરવી.
આ જીવનચરિત્રરૂપી કલ્પવૃક્ષ નીચે બેસી સૌ સંત-હરિભક્તો આ અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનાં દિવ્યચરિત્રો તથા દિવ્યવાણીરૂપ અમૃતરસનું પાન કરી શ્રીજીમહારાજની અલૌકિક દિવ્ય મૂર્તિના સુખભોકતા થાઓ...... અસ્તુ:
દાસાનુદાસ
સોમચંદ જીવરાજ