૪૧૭ - સમાપ્તિ વખતે પૂજા તથા ચંદનના છાંટણાં
થોડી વારે કથા વંચાઈ રહ્યા પછી સમાપ્તિ થઈ ત્યારે આરતી કરી બાપાશ્રીએ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની પૂજા કરી તથા સંતોને ચંદન ચર્ચી વસ્ત્રો ઓઢાડ્યાં. પછી પોતાના પુત્ર-પૌત્રાદિક પાસે પણ પૂજા કરાવી તે વખતે મોટા મોટા હરિભક્તોએ પણ એ જ રીતે ઘણી વાર પૂજા કરી. પછી સંતો એક પછી એક ઊઠી ઊઠીને બાપાશ્રીની પૂજા કરવા લાગ્યા. સહુ ચંદન ચર્ચે ને હાર પહેરાવે તથા કુંકુમના ચાંદલા કરે, તેથી કંઠમાં હજારી ફૂલનો ભરાવો ને કપાળમાં ચંદન, કુંકુમનો થથેડો થયેલો, એવા માંચીમાં બેસી સંતો પર હાથ મૂકતા આવે. એમ ઘણી વાર પૂજા થયા પછી પોતે સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘મારે સંતોની પૂજા કરવી છે. તે એક એક સંત મારા પાસે આવે તો ઠીક.’ આમ કહેવાથી સ્વામીશ્રીએ સૌને કહી દીધું; એટલે એક પછી એક સંતો આવતા જાય તેમને બાપાશ્રી ચંદન ચર્ચે ને હાર પહેરાવે. એ રીતે સંતોની પૂજા થઈ રહી ત્યારે હરિભક્તો સૌ ઊભા થયા. એ વખતે બાપાશ્રી માંચીમાં બેઠેલા ને ચારે કોરે સંત-હરિભક્તોની ઘણી ભીડ જોઈ ચંદનનું મોટું તાંસળું હતું તેમાં થોડું પાણી નખાવી, હાથમાં ચંદન લઈ સૌ પર છાંટતા બોલ્યા જે, ‘જેના પર આ છાંટણાં પડશે તેને અમે ઠેઠ મૂર્તિના સુખમાં લઈ જઈશું.’ એમ ઘણી વાર ચંદનનાં છાંટણાં નાખી સહુને રાજી કર્યા. પછી સંતોને સાથે લઈ જઈને પાકશાળામાં શીરો, સુખડી, શાક, ખીચડી વગેરે તૈયાર થઈ ગયાં હતાં ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી થાળ જમાડ્યા; પછી આજ્ઞા કરી કે, ‘હવે સૌ પંક્તિઓ કરો.’ તે વખતે બાપાશ્રી માટે બ્રહ્મચારી પેંડા કરીને લાવ્યા હતા, તેમાંથી તેમણે જમાડવા આગ્રહ કર્યો જે, ‘બાપા! પ્રથમ આપ જમ્યા હો તો સંત-હરિભક્તોને જમતાં આનંદ થાય.’ એમ કહી એક પેંડો જમાડ્યો.