૫૯ - સદ્ગુરુ ધ્રુવાનંદ સ્વામી ધામમાં જતાં ચમત્કાર
ત્યાથી હરિભક્તોએ સહિત સદ્ગુરુ ધ્રુવાનંદ સ્વામી પાસે આવ્યા ને દંડવત્ કર્યા. તે જોઈ સ્વામીશ્રીએ સૂતા હતા તોએ હાથની સાને ‘રાખો! રાખો!’ એમ કહ્યું. પછી ભાઈશ્રીએ ચરણે તથા શરીરે હાથ ફેરવ્યા.
સ્વામીશ્રી પણ સૂતા સૂતા મળ્યા ને રાજી થયા. તે વખતે ભાઈશ્રી બોલ્યા, ‘સ્વામી! સંઘ પર બહુ દયા કરી!’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! આ બધી તમારી દયા છે.’ આ વાતનો મર્મ સંત-હરિભક્તો મનમાં સમજી ગયા. પછી સંઘને ચાલવું હતું ત્યારે શ્રીજીમહારાજ દિવ્ય તેજોમય અનંત મુક્તોએ સહિત સ્વામીશ્રીને તેડવા પધાર્યા, તે વખતે અદભુત પ્રતાપ જણાવ્યો ને આખા જેતલપુર ગામ પર તથા બીજે પણ ચંદનની વૃષ્ટિ થઈ ને સર્વત્ર સુગંઘ સુગંધ ફેલાઈ રહ્યો. સૌએ એ વખતે સ્વામીશ્રીને દંડવત્ કર્યા. તેમણે પણ ભાઈશ્રી તથા સંઘને હાથ જોડ્યા. સંત-હરિભક્તો આ દિવ્ય દર્શનથી કૃતાર્થ થયા ને સ્વામીશ્રી તરત જ દેહત્યાગ કરી દિવ્યદેહે અક્ષરધામમાં શ્રીજીમહારાજની હજૂરમાં પહોંચ્યા. પછી સંઘ ચાલીને અમદાવાદ ગયો એ ટાણે ચંદનની વૃષ્ટિ થઈ. તે પ્રસાદી-ચંદન સંઘના ઘણા હરિભક્તોએ લઈ લીધું હતું.