૬૯૧ - મહારાજ શીરા તથા સુખડીના થાળ જમ્યા

0:000:00

આ સર્વે હરિભક્તોને જમાડવા માટે આગળથી તૈયાર કરી, સુખડીના ઓરડા ભરી રાખેલા તથા જ્યાં શીરાના હોજ ભરેલા, તે પાકશાળામાં બાપાશ્રી તથા સંતો મહારાજની મૂર્તિ લઈને હરિભક્તોએ સહિત આવ્યા, ત્યાં પ્રથમ સુખડીના ઓરડે મહારાજને પધરાવ્યા ને આગળ ઘીના દીવા કર્યા. પછી સૌએ થાળ બોલી મહારાજને જમાડી જળપાન કરાવ્યું. એ વખતે બાપાશ્રી બોલ્યા જે, ‘આ સુખડી મહારાજ હેતે સહિત જમ્યા છે, તેથી આ પ્રસાદી જમનારા અપાર સુખમાં પહોંચશે; કેમ કે મહારાજ તથા અનંતકોટિ મુક્ત જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે?’ તે વખતે મૂળીવાળા સાધુ દેવજીવનદાસજી પંખેથી વાયરો નાખતા હતા તેને બાપાશ્રીએ કહ્યું જે, ‘તમે મહારાજને વાયરો નાખો છો તે ભેળું ‘તમે જમોને ઢોળું હું તો વાયરે, વારી જાઉં વાલમજી’ એમ બોલતા જાઓને!’ એમ રમૂજ કરી. પછી થાળીમાં વાટ્યો પ્રગટાવી, બાપાશ્રી તથા ત્રણે સદ્‍ગુરુઓએ સાથે મળી આરતી ઊતારી ‘જય’ બોલાવી. પછી બાપાશ્રી બોલ્યા જે, ‘આપણે આવા યજ્ઞ કારણમૂર્તિ શ્રીજીમહારાજને રાજી કરવા કરીએ છીએ, તેથી મહારાજ મંદ મંદ હસે છે, સૌને અમૃતનજરે જુએ છે.’ એ વખતે ખીમજીભાઈએ છડી પોકારી સહુને રાજી કર્યા. પછી બાપાશ્રીએ સદ્‍ગુરુઓને કહ્યું જે, ‘આ સુખડી જે જમશે તેનો આત્યંતિક મોક્ષ કરી મૂર્તિના સુખમાં રાખશું, તમો પણ સર્વે એવો સંકલ્પ કરજો, આપણે કોઈને મૂકવા નથી, આ સભાનો દિવ્યભાવ આવે એટલે કાંઈનું કાંઈ કામ થઈ જાય અને જો અભાવ આવે તો મોક્ષમાં વાંધો આવી જાય.’ એમ કહી સૌ કીર્તન બોલતા બોલતા પાકશાળામાં શીરાના હોજ પાસે આવ્યા. ત્યાં શીરો આદિ પાક તૈયાર કરતા હરિભક્તોએ અતિ હર્ષાયમાન થઈ પોતપોતાને સ્થાનકે ઊભા ઊભા હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સહુ પર બાપાશ્રીએ અમૃતનજર કરી પ્રસન્નતા જણાવી. પછી શીરાના હોજ પર મહારાજને રેશમી ચાકળાએ સહિત બાજોઠ ઉપર પધરાવ્યા, ત્યાં પણ હરિભક્તોએ ઘીના દીવા તથા અગરબત્તીના ધૂપ કર્યા. એ વખતે સંત-હરિભક્તો ફરતા ઊભા હતા ને વચમાં બાપાશ્રી તથા સદ્‍ગુરુઓ પાથરેલ આસન પર બેઠા. પછી સંતો ‘અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ, શ્રી ભક્તિધર્મસુત રે જમાડું પ્રીત કરી’ -એ થાળ બોલી રહ્યા ત્યાં સુધી બાપાશ્રી ધ્યાનમાં બેઠા હતા. પછી જાગ્રત થઈ મહારાજને જળપાન કરાવ્યું, ત્યાં પણ બાપાશ્રી તથા સદ્‍ગુરુઓએ આરતી ઉતારી, સૌ ‘શ્રીજીમહારાજની જય’ બોલ્યા. ત્યાં વળી કરાંચીવાળા સોમચંદભાઈએ છડી પોકારી સૌને રાજી કર્યા. એ વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘શ્રીજીમહારાજે કાંકરિયે યજ્ઞ કર્યો તે વખતે અતિ પ્રસન્નતા જણાવી અનંત મુક્તોએ સહિત પોતે થાળ જમ્યા હતા તેવી જ રીતે આ યજ્ઞમાં મહારાજે આજ ઘણી પ્રસન્નતા જણાવી છે, તેથી આ શીરો ને સુખડી સર્વે દિવ્ય વસ્તુ થઈ ગઈ. હવે આ મહાપ્રસાદી જે કોઈ જમશે તેને વગર સાધને મહારાજની મૂર્તિનું સુખ મળશે.’ એમ આશીર્વાદ દઈ પોતે ત્યાંથી ચાલ્યા ત્યારે માર્ગમાં સંત-હરિભક્તો કીર્તન બોલતા આવે ને સહુ દર્શન કરે, એ રીતે મંદિરમાં પધાર્યા.