૧૯૧ - મહારાજના મહિમાની વાતો

0:000:00

એક વખત કથાની સમાપ્તિ થઈ રહ્યા પછી સભામાં પોતે વાત કરવા લાગ્યા જે, ‘જેને મહારાજનો રસ આવે તે જ ખરો સુખિયો છે. એ રસ ન આવે ત્યાં સુધી કાંઈ નહિ; માટે લૂખા ન રહેવું. ને આવી દિવ્ય સભામાં મહારાજના હજૂરી મુક્ત હોય તેને ઓળખીને જોગ-સમાગમ કરી લેવો. એ જ્યાં બેઠા હોય ત્યાં કાળ, કર્મ, માયાનું કાંઈ ચાલી શકે નહિ, એવી એમની સામર્થી છે. એમને તો મૂર્તિ વિના બીજો રસ જ નથી. આવાં દિવ્ય શાસ્ત્ર પણ એવા અનાદિ મુક્તના સમાગમથી જ સમજાય. જો પોતાની મેળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય, માટે એવા મોટાને ઓળખીને ખરેખરો મહિમા સમજવો ને પોતાનું જીવનપણું માનવું. તે વિના બળ ન આવે. જેમ મહારાજ દિવ્ય છે, તેમ મોટા અનાદિ દિવ્ય છે તેમ જ તેમના જોગ-સમાગમવાળા પણ સર્વે દિવ્ય જાણવા.

એક દિવસ એમ વાત કરી જે, ‘શ્રીજીમહારાજ તથા તેમના અનાદિ મુક્ત બહુ મોંઘા છે, પણ વર્તમાનકાળે સોંઘા થઈ દર્શન દે છે, એ લાભ બહુ જબરો મળ્યો છે, એમ જાણી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ; ને આવી અલૌકિક દિવ્યસભામાં ભાગ રાખવો. અક્ષરધામમાં તેજોમય દિવ્ય મૂર્તિ ને આંહી મનુષ્યરૂપ શ્રીજીમહારાજ એ બેમાં રોમનો ફેર નથી, તેમ આ સભા ને ધામની સભામાં અણુ જેટલુંય છેટું નથી. આવી મહારાજની અલૌકિક દિવ્ય મૂર્તિ અને દિવ્ય સભા મળ્યા પછી બીજે ઠેકાણે વાસના રહે તે મોટી ખોટ કહેવાય, એમ જાણી એક મૂર્તિ જ રાખવી ને બીજે બધેયથી વૃત્તિ ઉખાડી દેવી. એક મૂર્તિ રહી તો જાણવું જે, બધુંય રહ્યું ને એમના વચનમાં ક્યારેય ફેર પાડવો નહી, તો રાજી થાય, કેટલાક મનનું કહ્યું માનીને ભગવાનનાં વચન લોપી નાખે છે, તેને મહારાજે વચનામૃતમાં ચંડાળ ને મહાપાપી કહ્યા છે.’

એક વખત બપોરે વાડીએ માનસીપૂજા કરીને વાત કરી જે, ‘મંદ મંદ શીતળ ને શાંત એવું ધામનું સુખ છે. તે કરતાં મૂર્તિમાં અનંતગણું સુખ છે, તે જેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય તેને ખબર પડે.’

એક દિવસ સભામાં વાત કરી જે, ‘આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી, કેમ કે બ્રહ્માંડની અર્ધી આવરદાએ ભગવાન એક વાર આવે છે, એમ લખ્યું છે, તે મૂર્તિ આપણને મળી છે. માટે આ છેલ્લી વારની લીલા છે. એમ સમજાય તો ટુકટુક થઈ જવાય. મહારાજ ને મુક્ત સર્વે દિવ્ય તેજોમય છે. આ તો બધુંય સાકરનું નાળિયેર છે. માટે એ મૂર્તિને પામવા ખરેખરા પાત્ર થઈ જવું, તો મહારાજ ને મોટાનો રાજીપો થતાં વાર ન લાગે. જેને પાત્ર થવું હોય તેને ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્યભાવ લાવવો ને મહારાજની મૂર્તિમાં અખંડ એકતાર વૃત્તિ જોડી રાખવી. આ બધું પાત્ર થવાનું કારણ છે. એમ કરવા માંડે એટલે એની મેળાએ કૃપા થાય, જરાય વાર ન લાગે; આ વચનામૃતનો મુદ્દો છે એમ જાણવું.’

એક દિવસ સભામાં થોડા સંત બેઠા હતા, ત્યારે પોતે એમ વાત કરી જે, ‘પ્રેમી, જ્ઞાની અનુભવી ને અનાદિ એમ ચાર પ્રકારના મુક્તના ભેદ છે. તેમાં જે અનાદિ છે તે તો સદાય છે, છે ને છે જ; એમને ‘ભજીને થયેલા’ ન કહેવાય. આ ચાર પ્રકારના મુક્તમાં સુખભોકતામાં ફેર એટલો ફેર. પ્રેમી એક ઠેકાણે મૂર્તિમાં ડૂબી રહે ને સુખ ભોગવે, પણ કયા અંગમાંથી સુખ આવે છે તે જાણે નહિ, અને જ્ઞાની જાણે જે આ અંગમાંથી આ સુખ આવે છે. અનુભવી તો મૂર્તિનાં અંગોઅંગમાં જેટલાં દેખાય, એટલાં સુખ ભોગવે, પણ નવાં નવાં ઇચ્છે નહિ ને અનાદિ તો મૂર્તિમાં સળંગ રહ્યા થકા સુખ ભોગવે છે ને નવાં નવાં ઇચ્છે છે, તેમ તેમ મહારાજ પણ તેમને નવાં નવાં સુખ આપતા જ જાય છે. એ અનાદિ સુખ લેવામાં પૂર્ણ થતા નથી ને મહારાજ તેને સુખ આપવામાં પૂર્ણ થતા નથી એવી એમની અલૌકિક રીત છે.’

એક દિવસ સભામાં એમ વાત કરી જે, ‘શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. આ વાત જીવમાં ઊતરે તો ગાંડું થઈ જવાય, એટલે જગતમાં કોઈ તેને ગણે નહિ ને એ પણ મહારાજ વિના બીજા કોઈને ગણે નહિ, માટે સમજણ ખરેખરી કરી દેવી. શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત પ્રત્યક્ષ મળ્યા છે, એ વાતનો કેફ રાખવો ને તેમની સાથે રસબસ થઈને જોડાઈ જવું ને એમ જાણવું જે, મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે. જો ખરેખરો પાત્ર થઈ જાય, તો સળંગ સુખની ધારાઓ છૂટે, વાર ન લાગે.’

એક વખત કથાની સમાપ્તિ થયા પછી સંત-હરિભક્તો આગળ આવીને બેઠા, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘જ્યાં મહારાજ ને મોટા મુક્ત વિચરે ત્યાં પૃથ્વી, વસ્ત્ર, વાહન આદિ સર્વે દિવ્ય થઈ જાય, એવું એ મૂર્તિમાં નિર્ગુણપણું છે; માટે મનુષ્યભાવ ટાળી સદાય દિવ્યભાવ રાખવો. જ્યાં સુધી એમને વિષે મનુષ્યભાવ રહે છે, ત્યાં સુધી સુખ મળતું નથી, જેથી જ્યાં ત્યાં ભમે છે, પણ જો મહારાજ તથા મોટાનો ખરેખરો વિશ્વાસ આવે ને એ કહે તેમ કરે તો એ તત્કાળ પૂરું કરી આપે.’

એક દિવસ સભામાં સંતો પરસ્પર વાતો કરતા હતા, તેમાં અવતારોની ન્યૂનાધિકપણે મોટપનું વર્ણન થતું હતું, ત્યારે પોતે સંતો સામું જોઈને બોલ્યા જે, ‘આપણને તો દિવ્ય મહારાજ, દિવ્ય મુક્ત, દિવ્ય સેવા એ સર્વે આ ટાણે વગર દાખડે મળી ગયું છે, તેથી પૂર્ણકામ માનવું. મહારાજની મૂર્તિ વિના અક્ષરનો અધિકાર મળ્યો હોય તોય શું? આ તો અનાદિ મુક્તનો દરજ્જો એ છેલ્લી સ્થિતિ છે. એ પક્તિમાં દયા કરીને આપણને ભેળવ્યા છે. માટે કોઈ વાતનું અપૂર્ણપણું માનવું નહિ. તેમ દેહરૂપ થઈને મહારાજની નાનીમોટી કોઈ આજ્ઞા લોપવી નહિ. જો દેહને વશ થઈને મહારાજની આજ્ઞામાં ફેર પાડે તો બધોય દાખડો ધૂળમાં મળી જાય. માટે એ જાળવવું.’