૫૫૪ - પંક્તિમાં દર્શન ને પ્રસન્નતા પેજ
ત્યાર પછી હરિભક્તોને જમવાનો સાદ થતાં, ગામબહાર હરિભક્તોની મોટી મોટી પંક્તિઓ થઈ. સૌ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ધૂન્ય કરે અને સોએ સો સારથિયા હરિભક્તો પીરસે. એમ ઘણી વારે પીરસાઈ રહ્યું. ત્યારે સૌ ઊંચે સ્વરે ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલી જમવા લાગ્યા. એ વખતે મોટા મોટા હરિભક્તોએ સહિત બાપાશ્રી પંક્તિ વચ્ચે ફરી સૌને દર્શન આપતાં એવી ભલામણ કરતા હતા જે, ‘મહારાજને સંભારીને સારી રીતે સૌ ઠાકોરજી જમાડજો. આ તો મુક્તરાજ ધનબા બેઠાં હતાં ને યજ્ઞ કરી જમાડતાં તેમ અક્ષરધામમાં જઈને બેઠાં તોય સહુને જમાડે છે એમ જાણવું.’ આવાં વચન કહી પીરસાવે, કોઈને પોતે પીરસે, કોઈના સમાચાર પૂછે, કોઈ હાર પહેરાવે તે અંગીકાર કરી માથે હાથ મૂકે, કોઈને વખાણે એ રીતે સાંજ સુધી જે જે નાનામોટા હરિભક્તો આવ્યા તેમને મહિમાની વાતોએ સુખિયા કર્યા. પછી જ્યારે હરિભક્તો પોતપોતાના ગામ જવા લાગ્યા ત્યારે પણ પોતે ઊભા થઈ મળે, માથે હાથ મૂકે, આશીર્વાદ આપે એમ સહુને રાજી રાજી કરી મૂક્યા.
બીજે દિવસ સંતો સર્વે ભૂજ ગયા અને બાપાશ્રી પણ દેવરાજભાઈ તથા શામજીભાઈ આદિ હરિભક્તો અને મુક્તરાજ ધનબાનાં સેવક કાનબા આદિ બાઈઓને સંતોષ પમાડી માર્ગમાં દહીંસરાના હરિભક્તોને દર્શન દઈ વૃષપુર પધાર્યા. (મુક્તરાજ ધનબાની ઇચ્છાનુસાર તેમના દેહનો વિધિ ગંગાજી ઉપર જે ઠેકાણે કરેલો, તે ઠેકાણે હરિભક્તોએ પાછળથી ઓટો કરાવેલ છે.)