૬૨૯ - મૂર્તિપ્રતિષ્ઠા અને મોક્ષનું વરદાન
બારશને દિવસે ગાડીખાતાવાળા બાઈઓના મંદિરમાં મહારાજની મૂર્તિઓ સુખશય્યામાં પધરાવવાની હતી, તે વખતે પણ ભારે ધામધૂમ સાથે મૂર્તિઓ મોટરમાં પધરાવી અને બીજી મોટરમાં બાપાશ્રીને બેસારી પાછળ હરિભક્તોના સમૂહમાં ઉત્સવિયા હરિભક્તો કીર્તન બોલતા બોલતા સહુ બાઈઓના મંદિર ગયા, અને સંતો પાછળથી, આવ્યા ત્યારે બાપાશ્રી તથા સંતોએ શ્રીજીમહારાજની મૂર્તિઓની ચંદન-પુષ્પાદિથી પૂજા કરી પ્રતિષ્ઠા કરી. એ વખતે મોહનલાલભાઈએ પાંચસો રૂપિયા ભેટ મૂકી આરતી ઉતારી. તે વખતની શોભા બહુ અલૌકિક બની હતી. હરિભક્તો મહારાજ તથા બાપાશ્રી અને સંતમંડળનાં દર્શન કરે, મંદિરમાં અને બહાર માણસો ઊભા સમાય નહિ. મંદિરને દરવાજે ચોઘડિયાં તથા પડઘમવાજાં વાગે, એવા સમૂહને જોઈ બાપાશ્રીએ બહુ કૃપાદૃષ્ટિ કરી મોક્ષના આશીર્વાદ આપ્યા. પછી તૈયાર રાખેલ મગજના લાડુનો થાળ જમાડી, સૌને પ્રસાદી વહેંચી રાજી કર્યા.
ત્યાર પછી જ્યાં શ્રીજીમહારાજની સ્મૃતિરૂપ છત્રી થયેલ છે ત્યાં આ દિવ્ય મુક્તો પધાર્યા ને મહારાજની મૂર્તિઓ તથા ચરણારવિંદનાં દર્શન કરી આરતી ઉતારી, તે વખતે સદ્ગુરુઓએ આશીર્વાદ આપવા કહ્યું, ત્યારે બાપાશ્રી કહે, ‘આવાં સ્થાન તો અક્ષરધામતુલ્ય ગણાય. આ ઠેકાણે જે કોઈ આવી મહારાજ તથા ચરણારવિંદનાં દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે. જ્યાં શ્રીજીમહારાજે દિવ્ય સ્વરૂપે અથવા તો પ્રત્યક્ષ રૂપે દર્શન આપ્યાં હોય એવા સ્થાનની શું વાત કહેવી?’ –એમ બોલ્યા.
એક વાર ધનજીભાઈએ એક હરિભક્તના આગ્રહથી વિમાન (ઍરોપ્લેન) જોવા જવાની ઇચ્છા જણાવી, ત્યારે તેમને બાપાશ્રીએ કહ્યું કે, ‘આપણે તો સંત-હરિભક્તોરૂપ દિવ્ય વિમાન જોવાં. એ વિમાન અક્ષરધામ સુધી ઊડે છે, અને ઠેઠ મહારાજની મૂર્તિમાં ઠરીને બેસે છે. માયાના કાર્યમાં ઊડનારાનું આપણે શું કામ! આપણે જોયા જેવું તો એક શ્રીજીમહારાજનું રૂપ છે.’ એવાં કેટલાંક મહિમાનાં વચનો કહી તેમને રાજી કર્યા.