૫૩૭ - ભારાસરમાં મહિમાની વાતો

0:000:00

બાપાશ્રીનાં દર્શન થતાં ત્યાંના હરિભક્તો ઘણા રાજી થયા ને સાંખ્યયોગી બાઈઓ પાસે થાળ કરાવી ઠાકોરજી જમાડવાનું કર્યું. થોડી વારે ગામમાં ખબર પડી કે 'બાપાશ્રી પધાર્યા છે' ત્યાં તો વાડીઓમાંથી ને ઘેર ઘેરથી હરિભક્તો મંદિરમાં આવી આવી સહુ દંડવત્ કરી મળવા લાગ્યા ને મોટી સભા ભરાઈ ગઈ. હરિભક્તો બાપાશ્રી સામું જોઈ બેઠા હતા, ત્યાં ઠાકોરજીના સેવકે મહારાજની પ્રસાદીના ત્રણ હાર હતા તે બધા બાપાશ્રીના કંઠમાં પહેરાવ્યા ને ગુલાબનાં ફૂલની પાંખડીઓ સભા પર ઉછાળી. તે જોઈ બાપાશ્રીએ પ્રસન્નતા જણાવી વાત કરવા માંડી જે, 'આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, બહાર પણ મુક્તની સભા છે. આવી દિવ્ય સભા ઉપર આમ બે ફૂલની પાંખડીઓ નાખતાં કાંઈ કરવું બાકી રહે નહિ, પણ મહિમા વિના કોઈ અવળા સંકલ્પ કરી માયિક ભાવ પરઠે તો મોક્ષનું બારણું વસાઈ જાય.' પછી એમ બોલ્યા જે, 'મહારાજે અનંત જીવોનાં દૃષ્ટિમાત્રે કલ્યાણ કરવા માંડ્યા એ જોઈને માયાને ઘણું દુઃખ થયું ને જાણ્યું જે, હવે જીવ મારા હાથમાં નહિ આવે. પછી તો એણે ખિજાઈને ધૂડ ઉડાડવા માંડી, પણ મહારાજ ને તેમના મુક્ત પાસે એનું શું ચાલે! આપણને તો શ્રીજીમહારાજે દયા કરી એવી દુઃખરૂપ માયામાંથી ઉગારી લીધા છે ને પોતાની મૂર્તિને સુખે સુખિયા કર્યા છે, માટે જરા વાર પણ મૂર્તિથી નોખા ન પડવું. સુખમાત્ર મહારાજની મૂર્તિમાં છે. એ વસ્તુ મહામોંઘી ને અલૌકિક દિવ્ય છે.' આ રીતે વાતો કરતા હતા, પણ હરિભક્તોએ ઘેર લઈ જવા પ્રાર્થના કરી, ત્યારે અતિ પ્રસન્નતા જણાવી હરિભક્તોએ સહિત બાપાશ્રી ગામમાં પઘાર્યા. પછી સાંજે મંદિરમાં આવી કથાવાર્તા કરી, એમ સૌને રાજી કરતાં બીજે દિવસ ગાડામાં બેસી વૃષપુર જવા નીકળ્યા, ત્યારે પણ ઘણા હરિભક્તો છેટે સુધી વળાવવા આવ્યા.