૪૨ - અનાદિ મુક્તની સમજણ

0:000:00

એક વખત અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી ભૂજમાં રહ્યા હતા, ને માંડવીમાં લક્ષ્મીરામભાઈને દર્શનની તાણ ઘણી થઈ; પણ વ્યાવહારિક પ્રવૃત્તિને લીધે નીકળી ન શકતાં ભૂજ જઈ ન શકયા; પછી તો બહુ તાણ થઈ એટલે રેંકડો ભાડે કરીને ચાલ્યા. ભૂજમાં સ્વામીશ્રીને પણ એમ થયું જે, ‘આ વખતે લક્ષ્મીરામભાઈને ઘણા દિવસ થયા મળાયું નથી, તે માંડવી જઈ દર્શન કરી આવીએ’ –એમ વિચારી મંદિરનો ચાડીકો લઈ પોતાના સાધુ સાથે એ માંડવી જવા નીકળ્યા. વચમાં દહીંસરે થોડો વખત ખમીને ચાલ્યા, ત્યાં તો માર્ગમાં બેય ભેળા થયા. હજુ થોડું છેટું હતું ત્યાં મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ સ્વામીશ્રીને ઓળખ્યા એટલે રેંકડાથી હેઠે ઊતર્યા, અને લક્ષ્મીરામભાઈને જોયા ત્યાં સ્વામીશ્રીએ તેમને ઓળખ્યા, તેથી એ પણ ઊતરી એકબીજાને સામસામા દંડવત્ કરવા મંડ્યા. બન્ને દંડવત્ કરતા કરતા આગળ આવતા જાય. પછી તો ઉતાવળા જઈને મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ સ્વામીશ્રીને ઝાલી લીધા ને અતિ હેતે બાથમાં ચાંપીને મળ્યા. સાથે સાધુ હતા, તે જોઈ રહ્યા કે, ‘સ્વામી પોતે મોટા મુક્તનો કેવો મહિમા જાણે છે?’ પછી મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ સ્વામીનાં ચરણમાં મસ્તક મૂકી બહુ પ્રાર્થના કરી કે, ‘સ્વામી! તમે તો ગુરુ કહેવાઓ ને આમ કરો તે મારે તમારો કેટલો અપરાધ થાય?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘તમે તો મૂર્તિરૂપ છો, તેથી તમને જે થાય તે મહારાજને પહોંચે, એવો તમારો મહિમા છે. માટે તમને જરાય અપરાધ નહિ થાય.’