૧૨૭ - ‘જોગ-સમાગમનો લાભ લેજો’
આ રીતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી કચ્છમાં પધાર્યા. પછી સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને થોડો થોડો મંદવાડ રહ્યા જ કરતો; તેથી બેય દેશના મહિમાવાળા સંતો તથા ગુજરાત, નળકંઠો, ઝાલાવાડ, કાઠિયાવાડ, સોરઠ આદિ દેશના નાનામોટા હરિભક્તો દર્શન કરવા આવતા. દર્શન કરીને કોઈ પ્રાર્થના કરે, પૂજા કરે, કોઈ વચન માગે, એ સર્વેને જેમ સમાસ થાય તેમ સ્વામીશ્રી આશીર્વાદ આપતા. એમની પાસે કથાવાર્તાનો અખાડો તો ચાલતો જ હોય. મંડળના કોઈ નાનામોટા સંત શ્રીજીમહારાજના વચનથી બહાર વર્તી શકે નહિ તેવી એમની પાસે ધર્મમર્યાદા પળાવવાની કળા હતી. તેથી જે કોઈ સેવામાં રહે તે સુખિયા થઈ જાય. આ મંદવાડમાં સ્વામીશ્રી પાસે જે કોઈ પ્રસન્નતા લેવા આવતા તેને વિશેષે કરીને તો પોતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો મહિમા વધુ સમજાવતા ને જોગ-સમાગમ કરવાનું કહેતા. વળી એમ પણ કહેતા જે, ‘એમના જોગે તુરત આત્યંતિક મોક્ષ થાય છે, મહારાજ એમના દ્વારે અત્યારે કલ્યાણ કરે છે, આ ટાણે સત્સંગમાં એમની કોઈ જોડ મળે તેમ નથી, માટે વર્ષમાં એકબે મહિના જરૂર એમના જોગ-સમાગમનો લાભ લેજો,’