૧૭૭ - કાનજીભાઈ ધામમાં જતાં ચમત્કાર
પછી બપોરના સંતો નાહી આવીને ઓશરીમાં વચનામૃત વાંચતા હતા. તે વખતે બાપાશ્રી વાડીએથી મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સંતોને ‘જય સ્વામિનારાયણ’ કરીને બેઠા, ત્યાં રામપુરથી હરિભક્તો દર્શને આવ્યા, તેમણે દંડવત્ કરી કહ્યું કે, ‘બાપા! ધનબા ફઈના ભત્રીજા કાનજીભાઈએ કાલે દેહ મેલ્યો, તેમને શ્રીજીમહારાજ ભેળાં તમારાં દર્શન થયાં ને બહુ ચમત્કાર જણાયો, કેટલાક તેની પાસે બેઠા હતા તેને પણ દર્શન થયાં,’ -એમ કહી હજારી ફૂલના હાર પોતે લાવેલા તે બાપાશ્રી તથા સંતોને પહેરાવ્યા; પછી બાપાશ્રી કહે, ‘એ કાનજીભાઈ ભગત સારા હતા, તેણે દેહ મૂક્યો ત્યારે અમે મંદિરમાં સંતોને વાત કરી હતી.’ પછી વળી એમ બોલ્યા જે, ‘શ્રીજીમહારાજ ને એમના મુક્તનો પ્રતાપ આવો છે, પણ જેને અજ્ઞાનના ડચૂરા ભરાણા હોય, તેને આવી વાતની ખબર ન પડે. આજ તો કલ્યાણ થાવું સાવ સુગમ છે. લાખો-કરોડો જન્મે આવો જોગ ન મળે, તે આ ટાણે સહેજમાં મળ્યો છે. આ બધી શ્રીજીમહારાજની દયા છે. મહારાજ તથા મોટા મુક્તનો તો એક જ ઠરાવ છે કે જીવને માયામાંથી બહાર કાઢી ચૈતન્યમાં મૂર્તિ પધરાવી, દિવ્ય કરી સુખિયા કરી દેવા. આવી વાત મોટાના જોગ વિના સમજાતી નથી. જો ખબડદાર થઈને મોટાનો વિશ્વાસ લાવી એ જેમ કહે તેમ કરવા માંડે, તો એક મિનિટમાં મોટા તેનું પૂરું કરી દે, પણ પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા કઠણ. કેટલાકને તો મોટા ઓળખાય તોય આ લોકની વસ્તુમાં રાજી થાય ને માગણી પણ એવી જ કરે. અમારે અહીં આએશ પીર બાળનાથજીના ગુરુએ દેહ મેલ્યો. ત્યારે તે અમારી પાસે આવ્યા ને કહે જે, ‘મારી પાસે દ્રવ્ય નથી, તેમ કોઈ લાગવગ નથી, તેથી મને અમારા ગુરુની જગ્યા મળે, તેવી કૃપા કરો.’ ત્યારે અમે કહ્યું જે, ‘તમે ભૂજ હજૂરશ્રી પાસે જાઓ, ભગવાન તમારી ઇચ્છા પૂરી કરશે;’ પછી તો એ વિશ્વાસ રાખી ગયા, એટલે રાવસાહેબે તેને ગાદી આપવાનો હુકમ કર્યો, તેથી એમને બહુ ગુણ આવ્યો. પછી એ જ્યાં મળે ત્યાં જય સ્વામિનારાયણ કરે ને કહે જે, ‘ભગત! કાંઈ મારા જેવું કામ હોય તો કહેજો.’ આમ ગુણ રાખતાં રાખતાં મોટું કામ થઈ જાય, પણ જે મહારાજ તથા મોટાને જેમ છે તેમ જાણી રાતદિવસ સંભારે ને એ જેમ કહે તેમ કરે તેની તો વાત જ શી કહેવી!