૫૩૧ - ભૂજ થઈ વૃષપુર આવ્યા
આ રીતે ગામોગામ દર્શન દેતા ભૂજ પહોંચ્યા. ત્યાં તો ધનજીભાઈ, ભોગીલાલભાઈ, ન્હાનાલાલભાઈ, વાલજીભાઈ, નારણભાઈ, સોની મોતીભાઈ, વિઠ્ઠલજીભાઈ આદિ હરિભક્તો સામા આવેલા તે સહુ બાપાશ્રી તથા સંતોનાં દર્શન કરી રાજી થયા ને દંડવત્ કરી હાર પહેરાવી મળ્યા. પછી મંદિરમાં આવી નાહીધોઈ મહારાજ તથા સંતોનાં દર્શન કરી ઠાકોરજીને જમાડ્યા; પછી સંત-હરિભક્તોને મૂળીના પાટોત્સવ તથા કરાંચી, ગુજરાત, ઝાલાવાડ વગેરે દેશના હરિભક્તોનાં હેત ને મહિમાની વાતો કરી બીજે દિવસ પોતે રસોઈ આપી સંતોને જમાડીને વસ્ત્રો ઓઢાડ્યાં. પછી બપોરના સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને સેવક આશાભાઈ સાથે પોતે વૃષપુર પધાર્યા.
આ વખતે ગામના હરિભક્તોને બાપાશ્રી આજ આવે કે કાલ આવે, એમ વાટ જોતાં બે મહિને દર્શન થયાં, તેથી સહુ વરસાદની પેઠે વાટ જોઈ રહ્યા હતા, પણ બાપાશ્રી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને સાથે લઈને આવ્યા તે જોઈ બહુ રાજી થયા ને જાણ્યું જે, ‘હવે રોજ રોજ કથાવાર્તારૂપ જ્ઞાનયજ્ઞ ચાલતાં ઘણો લહાવ મળશે.’