૪૪૩ – સંતો આવતાં અતિ હેત જણાવ્યું
ત્યાર પછી વૈશાખ માસમાં અમદાવાદથી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી નારાયણસેવકદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાજી, દેવજીવનદાસજી આદિ ઘણા સંતો ભૂજ થઈ વૃષપુર આવ્યા. એ વખતે બાપાશ્રીને શરીરે સાધારણ ઠીક રહેતું હોવાથી પોતે સંતોને જોઈને દંડવત્ કરવા લાગ્યા. એ જોઈ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી નારાયણસેવકદાસજીએ બાપાશ્રીને ઉપાડી લીધા ને કહ્યું જે, ‘તમે હજી આવું શું કરો છો! અમે તમારાં દર્શન સારુ દરિયા ઊતરી ઊતરીને અહીં આવીએ છીએ ને તમે તો અમારો મહિમા વધારો છો; હવે આ રીત બદલાવી નાખો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમારો મહિમા બહુ મોટો છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘એવા સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ.’ એમ કહી સહુને મળ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘તમે અહીંથી ગયા ત્યારથી હું તો તમને એમ ને એમ સંભારતો હતો; તમે ઘડીએ વિસરતા નથી. મંદવાડમાં તમોએ બહુ દાખડા કર્યા હતા. એવા ગુણ કેમ ભુલાય?’ એમ રાજીપો જણાવી આસન કરાવ્યાં ને વહેલા પહોંચ્યા હતા, તેથી સીધું-સામાન મંગાવી ઠાકોરજીના થાળ કરાવી સંતોને જમાડ્યા ને પોતાના પૌત્ર માવજી તથા જાદવજી પાસે વાડીમાંથી ફૂલ મંગાવી સંતોની ફૂલના હારથી પૂજા કરી. પછી તો કથાવાર્તા રૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો થયો. પુરાણી ધર્મકિશોરદાસજી રોજ વચનામૃતની કથા કરે ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સદ્ગુરુઓ પ્રશ્ન પૂછે તે બધું સ્વામી ઈશ્વરચરણદાસજી લખ્યા કરે. આમ સવારે, સાંજે ને રાત્રે કથાવાર્તામાં મહારાજ તથા મોટા મુક્તોના મહિમાની વાતો થતી. કોઈ કોઈ પ્રસંગે પોતે વાતોમાં એમ પણ જણાવી દેતા જે, ‘આ સભામાં અનાદિ મુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા થકા પ્રત્યક્ષ દર્શન દે છે; માંહી પરમ એકાંતિક ને એકાંતિક પણ છે અને એ સહુની વચ્ચે શ્રીજીમહારાજ અખંડ બિરાજે છે, તેથી આ સમે ખરેખરી શરદઋતુ આવી છે, માટે આવા જોગમાં રહી ખરેખરા મૂર્તિના સુખભોક્તા થવું ને મૂર્તિમાં જોડાવું. શ્રીજીમહારાજ ને તેમના અનાદિ મુક્ત તે વિના આત્યંતિક કલ્યાણ કોઈ પાસે નથી.’
વળી આજ્ઞા સંબંધી વાતો કરતા હોય ત્યારે એમ કહેતા જે, ‘સહુ સૂરત રાખજો ને જેને ભગવાનના ધામમાં જવું હોય તે બરાબર વર્તજો. ત્યાગીને ધર્મામૃત ને નિષ્કામશુદ્ધિ પ્રમાણે રહેવું ને ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વરતવું, પણ તેમાં ક્યારેય ફેર પાડવો નહિ. જડ, ચૈતન્ય એ બેમાંથી ત્યાગીને એકેયનો ફેર પડે તો તે કોયલા જેવો છે. જેને શ્રીજીમહારાજને રાજી કરવા હોય તેને આજ્ઞામાં ખબડદાર રહેવું ને અધર્મને માર્ગે ચાલવું નહિ તેમ અધર્મીનો પક્ષ રાખવો નહિ. મહારાજની આજ્ઞા લોપનાર પાપીનો જે પક્ષ રાખે તેને યમપુરીમાં જવું પડે. માટે એવા અવળા માર્ગનો ત્યાગ કરી, આવી દિવ્ય સભાને જોગે પોતાનું પૂરું કરી લેવું.’ આવી રીતે બાપાશ્રી આજ્ઞા, ઉપાસના તથા મહિમાની વાતો કરતા હોવાથી સંત-હરિભક્તો ઘણા રાજી થતા.
સવારે-બપોરે ચંદન-પુષ્પથી પૂજાઓ થાય ત્યારે પોતે પણ સંતોને ચંદન ચર્ચે, હાર પહેરાવે, પ્રસાદી વહેંચતા હોય ત્યારે કોઈ વાર એવાં મહિમાનાં વચનો કહે જે, ‘આ પ્રસાદી બહુ દુર્લભ છે, સહેજમાં મળે તેવી નથી. આ પૂજાઓ થાય છે, ચંદન ચર્ચાય છે, તે બધું સાંભરી આવે તો ઠેઠ અક્ષરધામમાં મહારાજના દિવ્ય સુખમાં પહોંચી જવાય, તેને કોઈ રોકી શકે નહિ. જેને મહિમા ન હોય તેને રમત જેવું લાગે, પણ આ કાંઈ રમત નથી, આ તો અનંત જીવના ઉદ્ધાર સારુ કરીએ છીએ. આ પૂજા અક્ષરધામમાં થાય છે, તેથી આ ચંદન-પુષ્પ પણ સર્વે દિવ્ય થઈ ગયાં.’ વળી કોઈ વાર પ્રસાદી આપતાં બહુ જ રાજીપો જણાવી એમ કહે જે, ‘હવે આ વસ્તુ, આ લોકની કોઈ જાણશો નહિ. આ તો સર્વે દિવ્ય થઈ ગઈ. આ વસ્તુમાં માયાનો ગુણ નથી, માટે આ પ્રસાદી જમનારા સર્વે અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે જશે.