૨૯૨ - ખીજડાને બદરિકાશ્રમમાં મોકલ્યા
એક દિવસ હરિભક્તો વાડીએ જતા હતા ને બાપાશ્રી એક હરિભક્તને સાથે લઈ વાડીથી આવતા હતા તે સામા મળ્યા. પછી આગળ ચાલતાં માર્ગમાં ખીજડાનું ઝાડ હતું ત્યાં હરિભક્તોએ સહિત પોતે બેઠા ને વાત કરી જે, ‘મોટા મુક્તની સાથે મન બાંધે તેને કોઈ વાતનો વાંધો ન રહે. અત્યારે તો એવા મોટા આવ્યા છે જે, સૂજે તેવો જીવ હોય, પણ શરણે આવે તો અધૂરું ન રહેવા દે, પણ વિશ્વાસ જોઈએ.’ એમ કહીને વાત કરી જે, ‘આ ખીજડામાં પ્રથમ એક ભૂત રહેતો તેને લોકો મામો કહેતા. એ ભૂતે મોટાને પ્રાર્થના કરી જે, ‘હું હજાર વર્ષ થયાં ભટકું છું. માટે મારા પર દયા કરી મોક્ષ કરો.’ આમ પ્રાર્થના કરવાનું કારણ તેની મતિ મોટાને જોગે નિર્મળ થઈ હતી. પછી હરિભક્તોએ પૂછ્યું જે, ‘બાપા! એ કેવી રીતે મોટાના જોગમાં આવ્યો?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમારા પિતાને એક વાર પેટમાં બહુ દુઃખતું હતું, ત્યારે કોઈએ આવીને કહ્યું જે, ખીજડાની છાલ પાઓ તો ઠીક થાય. પછી હું અહીં આવ્યો ને ખીજડાની છાલ ઉતારી તે સમે તેને વાયરો અડવાથી એ પવિત્ર થયો. એટલે પ્રાર્થના કરી કરગરવા મંડ્યો, તેથી અમે એને બદરિકાશ્રમમાં જવાનું કહ્યું, પણ અમારી વાડીમાં હમણાં ફૂલ વાવ્યાં છે ત્યાં બીજો ખીજડો હતો તેમાં પણ એક ભૂત રહેતો હતો, તેને ને આને ભાઈબંધી હતી. તેથી તેણે જઈને વાત કરી જે, આજ ‘આપણું રૂડું થવાનો અવસર આવ્યો છે. હું જરાક જોગમાં આવ્યો તેમાં મારું કામ થઈ ગયું છે, તો તું તો એમની વાડીમાં જ બેઠો છું. માટે છૂટકો થવાનું માગ, તો તારું પણ કામ થઈ જાય.’ પછી તે પણ આવ્યો ને પ્રાર્થના કરવા મંડ્યો, એટલે બેયને બદરિકાશ્રમમાં મોકલી દીધા. પછી તે ખીજડો કાઢી નાખી તેનું બળતણ મંદિરમાં ને ઘેર પહોચાડ્યું. એમ મોટાના જોગથી ગમે તેવા જીવ હોય તોય ભારે કામ થઈ જાય. અત્યારે સમય સારો છે. માટે મોટાનો વિશ્વાસ રાખવો ને મન, કર્મ, વચને જોડાવું, તો થોડાકમાં કામ થઈ જાય.’ એમ કહી આશીર્વાદ આપ્યા ને કહ્યું જે, ‘મહારાજને અને મોટાને સંભારશો તો પાસે ને પાસે જ છીએ, છેટા નથી, અંતે સહાય કરશું.’ પછી ત્યાંથી ઊઠ્યા ને મંદિર આવતાં વાત કરી જે, ‘આપણે ખબડદાર થઈને મહારાજની આજ્ઞા પાળીએ તો મહારાજ બહુ રાજી થાય.’