૪૮૬ - પારાયણ પ્રારંભ

0:000:00

બીજે દિવસ સવારમાં ચાર વાગ્યા ત્યાં તો ચારેય તરફ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ થવા માંડ્યું ને મંદિરને દરવાજે ચોઘડિયાં વાગવા લાગ્યાં, તેમ જ આરતી-નગારાંની ધામધૂમ થતાં જાણે વૃષપુર બધું ગાજી રહ્યું હોય તેમ જણાતું હતું. બાપાશ્રી તથા સંત-હરિભક્તોએ વહેલા નિત્યવિધિ કરી ત્યાં તો મંદિરના ચોકમાં ચંદની નીચે મંડપની સન્મુખ પારાયણનો વિધિ થવાની શરૂઆત થઈ, ત્યાં બાપાશ્રી તથા તેમના પુત્રો આવીને બેઠા. પછી વિપ્રે વેદમંત્રનું ઉચ્ચારણ કરતાં, એ સૌનાં કાંડાં બાંધ્યાં. બાપાશ્રીને તો સર્વે ક્રિયામાં મહારાજની મૂર્તિ દેખાય એટલે એ તો ત્યાં પણ મૂર્તિમાં જોડાઈને બેઠા. વિધિ થઈ રહ્યા પછી મહારાજની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. તે પછી પુસ્તક ને પુરાણીની પૂજા થઈ. પછી આરતી ઉતારી. એ વખતે હજારો સંત-હરિભક્તોના સમૂહમાં બાપાશ્રીનું (જાડું કેડિયું ને મોટી પાઘડીએ સહિત) સૌમ્ય સ્વરૂપ અતિ ચમત્કારી જણાતું હતું. પછી પુરાણીએ મૂર્તિ ધારી મંગળાચરણ કરવા માંડ્યું, ત્યારે બાપાશ્રીએ તેમને ચંદન ચર્ચી ચાંદલો કરી હાર પહેરાવ્યો ને પુસ્તકની પૂજા કરી એટલે પારાયણ ચાલતી થઈ.

બાપાશ્રીએ તો તુરત હાથમાં ચંદનનું તાંસળું લઈ સંતોની પૂજા કરવા માંડી. ( આ રીત તેમની કથાપ્રસંગે બદલાય જ નહિ ) પણ સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી કહેવા લાગ્યા જે, ‘ હવે તમારે આવી સેવા બીજા સેવકોને કરવા દેવી જોઈએ.’ ત્યારે પોતે હસતા હસતા કહે, ' સ્વામી! જેમ આપની આજ્ઞા.' એમ કહી ચંદનનું તાંસળું તેમના નાના પુત્ર મનજીભાઈને આપી પોતે આસને આવીને બેઠા. કથા ચાલતી હતી, તેમાં મહારાજનાં દિવ્ય ચરિત્રો આવતાં સહુ એકચિત્તે સાંભળતા હતા, તેમ જ બાપાશ્રીના આ અલૌકિક કાર્યનો વિચાર કરી રાજી થતા હતા. પછી નવ વાગ્યા ત્યારે કથાની સમાપ્તિ થઈ એટલે સંતો કીર્તન બોલ્યા ને પ્રસાદી વહેંચાણી; તે વખતે હરિભક્તોને જમવાનો સાદ થયો. સંતો માટે પણ થાળ થતા હતા. પછી પંક્તિઓ થઈ, ત્યારે બાપાશ્રી દરેક ઠેકાણે જઈ સંત-હરિભક્તોને રાજી કરવા લાગ્યા. જતાં-વળતાં કોઈને બોલાવે, પૂછે કે મળે. ભૂજથી કે ગામડેથી હરિભક્તો આવે તેની પોતે સંભાવના કરે. સંત-હરિભક્તો કોઈ ચંદન ચર્ચી જાય કે હાર પહેરાવી જાય તો ના ન પાડે. એવી જ રીતે વળી સંતો જમીને જરા વિશ્રામ કરી નાહી આવે કે તુરત કથા ચાલતી થાય, તે સાંજે છ વાગ્યા સુધી ચાલે. કથા થઈ રહે એટલે પાછું હરિભક્તોને જમવાનું થાય. આમ રોજ નવા નવા હેતે સંત-હરિભક્તો કથા સાંભળતા ને આનંદ પામતા હતા. વળી કેટલાંક સાંખ્યયોગી, કર્મયોગી બાઈઓ બહારગામથી આવેલાં તેમ જ કચ્છનાં સાંખ્યયોગી બાઈઓ પણ ઘણાં હતાં તે સર્વે સીધાં-સામાનને સાફ કરવાં, જોઈ દેવાં વગેરે કામ કરતાં. રામપુરવાળાં મુક્તરાજ ધનબાને શરીરે ઠીક ન રહેતું તોય તે આવ્યાં હતાં, તેથી બાઈઓના મંદિરમાં પણ એવો જ આનંદ થઈ રહ્યો હતો. સૌ કથાવાર્તા કરે ને જમેરમે. બાપાશ્રી રોજ દિવસમાં એક વાર ધનબાને 'જય સ્વામિનારાયણ' કરવા જતા, એટલામાં તો એમને ચોવીસે કલાક આનંદ થઈ જતો.

આ પ્રકારે નિત્ય પ્રત્યે આનંદ-ઉત્સવ થતાં વૈશાખ સુદ બીજ આવી, ત્યારે તો ગામ, સીમ ને વાડીઓમાં હરિભક્તો ઊભરાવા લાગ્યાં. ગામડાંના હરિભક્તો તથા ઉત્સવિયા હરિભક્તોની મંડળીઓ પણ આગલે દિવસ આવી ગયેલ હોવાથી એ રાત્રે તો વૃષપુરથી છત્રી સુધી જયાં ને ત્યાં કિલ્લોલ થઈ રહ્યો હતો.