૫૪૮ - રામપુરમાં વચનામૃતની કથા
રામપુરમાં રોજ બાપાશ્રી સભામાં વચનામૃતની કથા વંચાવતા અને પ્રસંગે પ્રસંગે મહારાજ તથા મોટા મુક્તોના મહિમાની વાતો કરતા તથા મુક્તરાજ ધનબાની કચ્છમાં મોટી ખોટ પડી એમ પણ કહેતા. આ વખતે જામનગરવાળા રતિલાલભાઈ ત્યાં આવ્યા, તેમને મુક્તરાજ ધનબાનાં દર્શનની તાણ બહુ હતી, પણ અહીં તો એ ચાર દિવસ પહેલાં ધામમાં ગયાં હોવાથી પોતે ઘણા દિલગીર થઈ ગયા ને બોલતાં બોલતાં હૃદય ભરાઈ આવ્યું. એ જોઈ બાપાશ્રીએ તેમને ધીરજ આપીને કહ્યું, ‘માસ્તર! ધનબાની ખામી તો સાજાયે સત્સંગને આવી, પણ એ તો શ્રીજીમહારાજના દિવ્ય સુખમાં જઈ બેઠાં; હવે એમને રાજી કરવા તમે વચનામૃતની પારાયણ વાંચો મને હમણાં એવો સંકલ્પ થતો હતો ત્યાં તમે આવ્યા.’ ત્યારે તે રતિલાલભાઈ કહે, ‘બાપા : ભલે, હું પારાયણ વાચું, પણ કેટલા દિવસમાં પૂરી કરવી?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આજ ને આજ. તમે એકલા ન પહોંચી શકો તો આ મોતીભાઈ જેવા ત્રણ-ચાર હરિભક્તો જુદાં જુદાં વચનામૃત લઈ વાંચે.’ આવી બાપાશ્રીની મરજી જાણી મોતીભાઈ તથા બીજા બે હરિભક્તો સાથે તેમણે પારાયણ વાંચવા તૈયારી કરી. એ વખતે બાપાશ્રીએ વચનામૃત તથા એ સહુની ચંદન, કુંકુમ ને ફૂલના હારથી પૂજા કરી ઘણો રાજીપો જણાવ્યો. આ રીતે પારાયણ ચાલુ થઈ તે રાતના દસ વાગ્યે સૌ વાંચી રહ્યાં; ત્યારે પણ રતિલાલભાઈ આદિ વાંચનારાઓની એવી જ રીતે પૂજા કરી સહુના માથે હાથ મૂકી રાજી કર્યા.